સુરતમાં SMCના કર્મચારી બની ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરતી ટોળકી ઝડપાઈ: 15 પોલીસ મથક વિસ્તારમાંથી 155 બેટરી ઉઠાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Traffic Signal Battery Theft: સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલોમાં લગાવવામાં આવતી મોંઘી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. SMCના કર્મચારી તરીકેનો દાવો કરી ટ્રાફિક સિગ્નલોમાંથી ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનારા બે આરોપીઓની ગોડાદરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડે તરીકે થઈ છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા.
બપોરે 12 થી 4 ના સમયગાળાનો મેળવતા લાભ
સુરતમાં પાવર કટ દરમિયાન પણ ટ્રાફિક સિગ્નલો ચાલુ રહે તે માટે યુપીએસ અને બેટરી બેકઅપ રાખવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો બંધ રહેતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ચોર ટોળકી સુરતમાં બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેતા સમયનો લાભ ઉઠાવતી હતી. આરોપીઓ SMCના ડ્રેસમાં જઈને જ બેટરીઓની ચોરી કરી લેતા હતા. જો કોઈ વાહનચાલક કે સ્થાનિક પૂછપરછ કરે તો તેઓ પોતાને મેન્ટેનન્સ સ્ટાફ ગણાવી બેટરી રિપેરિંગમાં લઈ જવાનું બહાનું બતાવતા હતા.

15 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદો
લોકોની ફરિયાદો વધતાં પોલીસ વિભાગે સિગ્નલનું મેન્ટેનન્સ કરતી એજન્સીને જાણ કરી હતી. કોન્ટ્રાક્ટરે તપાસ કરતા વિવિધ 55 જંકશન પરથી 155 બેટરીઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી વિવિધ 15 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
ફેક્ટરી માસ્ટર અને બેટરીની દુકાનદાર નીકળ્યા માસ્ટરમાઇન્ડ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ધોરણ 12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરામાં ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો. ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવા માટે તેમણે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.

જુલાઈ-2026થી આચરી રહ્યા હતા ચોરીઓ
આરોપીઓ જુલાઈ-2026થી આ રીતે ચોરીઓ આચરી રહ્યા હતા. રાજેશકુમાર બપોરના સમયે એક્ટિવા લઈને નીકળતો અને ટ્રાફિક સિગ્નલના પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને બેટરીઓ કાઢી લેતો હતો. તે ચોરીની બેટરી લાલમણીને માત્ર ₹1,000માં વેચી દેતો અને લાલમણી તેને ભંગારમાં વેચીને નફો રળતો હતો.
155 બેટરી ચોરીની કબૂલાત, મુદ્દામાલ જપ્ત
આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા અને ગોડાદરા સહિત શહેરના 15 પોલીસ મથક વિસ્તારોમાં 55 પોઈન્ટ પરથી કુલ 155 બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, ડુપ્લિકેટ ચાવી, એક્ટિવા અને બે મોબાઈલ સહિત ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને આગામી કાનૂની કાર્યવાહી માટે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.




