Surat

સુરત: સિંગણપોરમાં એપાર્ટમેન્ટના પહેલા માળે મકાનમાં ભીષણ આગ લાગી, 3 લોકોનું રેસ્ક્યુ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લા ખાતેના એપાર્ટમેન્ટમાં 11મી ઓગસ્ટે ભીષણ આગ લાગી હતી. પહેલા માળે લાગેલી આગ ઉપરના માળ સુધી પ્રસરી હતી, જેમાં 3થી વધુ લોકો ફસાયા હતા. સ્થાનિકોએ ટેમ્પો અને દોરડા વડે જીવ બચાવ્યા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: સિંગણપોરમાં એપાર્ટમેન્ટના પહેલા માળે મકાનમાં ભીષણ આગ લાગી, 3 લોકોનું રેસ્ક્યુ

Surat Fire News: સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નવા મહોલ્લા ખાતે મંગળવારે (11મી ઓગસ્ટ) એક એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. એપાર્ટમેન્ટના પહેલા માળે લાગેલી આ આગ જોતજોતામાં ઉપરના માળ સુધી પ્રસરી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સ્થાનિકોએ સાહસ બતાવી ટેમ્પો અને દોરડા વડે જીવ બચાવ્યા

મળતી માહિતી અનુસાર, મકાનમાં અચાનક આગ લાગતાં જ પહેલા અને બીજા માળે એક મહિલા સહિત ત્રણથી વધુ લોકો ફસાઈ ગયા હતા. આ સ્થિતિમાં સ્થાનિક રહીશોએ સાહસ બતાવ્યું હતું. લોકોએ નીચે એક ટેમ્પો ઊભો રાખી દીધો હતો અને ઉપરથી દોરડાની મદદથી ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારીને રેસ્ક્યુ કરી લીધા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબૂ મેળવી લીધો હતો.

ટેરેસ ગોડાઉનના કારણે આગ ફરી ભભૂકી

જોકે, ટેરેસ પર બનાવેલા પતરાના શેડમાં બેગ અને સામાનનો મોટો જથ્થો સંગ્રહિત હોવાના કારણે થોડી જ વારમાં આગ ફરીથી વિકરાળ સ્વરૂપે ભભૂકી ઉઠી હતી. પહેલા માળથી શરૂ થયેલી આગ ત્રીજા માળે આવેલા શેડ સુધી પહોંચી જતાં આસપાસના રહીશોમાં ભારે દહેશત વ્યાપી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પુનઃ ભારે જહેમત ઉઠાવીને આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે આગ લાગવાનું ચોક્કસ અને સચોટ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.