Surat

વલસાડમાં જળપ્રલય! વરસાદનો 24 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

By GS Team
23 Jul 20265 mins read
વલસાડમાં જળપ્રલય! વરસાદનો 24 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

Heavy Rain In Valsad: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રૅકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

ભારે પવન સાથે વરસાદના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ અશક્ય, આર્મીની મદદ લેવાશે

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ફૂંકાઈ રહેલા ચક્રવાતી પવનને કારણે કોસ્ટગાર્ડ અને એરફોર્સ માટે પૂરમાં ફસાયેલાં લોકોને એરલિફ્ટ કરવાનું મુશ્કેલ બન્યું છે. પ્રતિકૂળ હવામાનને પગલે હવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આર્મીની મદદ લેવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કામગીરીને યુદ્ધધોરણે પાર પાડવા માટે આર્મીની ટુકડી મોડી રાત સુધીમાં વલસાડ જિલ્લામાં પહોંચી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

વલસાડ જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો અને કારખાનાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ બંંધ રાખવાનો કલેક્ટરનો હુકમ

અતિભારે વરસાદના કારણે અવર-જવરની મુશ્કેલી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ તથા કોઈ અનિચ્છિનીય બનાવ ન બને, તેને લઈને 24 જુલાઈના શુક્રવારના રોજ વલસાડ જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો અને કારખાનાઓમાં સમગ્ર ઔદ્યોગિક પ્રવૃત્તિ બંંધ રાખવા કલેક્ટરે હુકમ કર્યો છે.

હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ. પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

24 જુલાઈએ જિલ્લાની સ્કૂલ-કૉલેજોમાં રજા

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને વાહનવ્યવહારની અવરજવરમાં મુશ્કેલી ઊભી થતાં, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 24 જુલાઈના શુક્રવારના રોજ વલસાડ જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો, કૉલેજો અને આઇ.ટી.આઇ. સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય ત્યાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા જણાવ્યું છે.

1000729925.png

મધુબન ડેમમાં પાણીની ભારે આવક: તબક્કાવાર 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન કપરાડાના મધુબન(દમણગંગા) ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની વિપુલ આવક નોંધાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોડી રાતથી તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે ડેમમાં પાણીની આવક વધીને 3,29,743 ક્યુસેક સુધી પહોંચતા તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુવારે બપોરે 12:00 વાગ્યા સુધીમાં પાણીની આવક ઘટીને 2,20,591 ક્યુસેક અને જાવક 1,68,652 ક્યુસેક નોંધાતા ડેમના 10 દરવાજા 3.60 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. હાલ ડેમની જળસપાટી 75.90 મીટરે પહોંચી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ઍલર્ટ

સાવચેતીના પગલે કપરાડાના મેઘવાળ, વાપીના લવાછા, ડુંગરા, ચણોદ, નામધા, કુંતા અને ચંડોર તેમજ ઉમરગામના કચીગામ, બોરીગામ, મોહનગામ સહિતના નીચાણવાળા ગામોમાં અગાઉથી જ ઍલર્ટ આપી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

474 માર્ગો અને પુલો ઠપ્પ, ST બસની 200થી વધુ ટ્રીપ રદ

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, માર્ગો ધોવાઈ જવા તેમજ પુલ અને કલ્વર્ટ ઉપરથી પાણી વહેતા હોવાના કારણે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 474 માર્ગો અને પુલો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. બંધ કરવામાં આવેલા રસ્તાઓમાં પંચાયત હસ્તકના 442 અને સ્ટેટ હસ્તકના 32 માર્ગોનો સમાવેશ થાય છે. વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે. કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે, જ્યાં પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રસ્તા સમારકામનું કામ શરૂ કરાયું છે. તંત્રએ લોકોને બેરિકેડ્સ ન હટાવવા અને બંધ રસ્તાઓ પરથી પસાર થવાનું જોખમ ન લેવા ખાસ અપીલ કરી છે!"

વિગત
આંકડા
સૌથી વધુ વરસાદ (ઉમરગામ)
43 ઇંચ (28 કલાકમાં)
સ્થળાંતરિત નાગરિકો
2,900થી વધુ
બંધ પંચાયત રસ્તાઓ
300થી વધુ
રદ કરાયેલી ST બસ ટ્રીપ
200થી વધુ
નવસારી રેસ્ક્યૂ (11 ગામો)
200થી વધુ લોકો

રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે: NDRF, SDRF સાથે એરફોર્સ સ્ટેન્ડ-બાય

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહત કમિશનર તરફથી મળતી માહિતી મુજબ:

  • સુરત, વલસાડ અને નવસારીના પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,900થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
  • નવસારીની કાવેરી નદીમાં પૂર આવતાં ફસાયેલા 11 ગામોના 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
  • જમીન પર NDRF અને SDRFની ટીમો સતત તૈનાત છે. આ ઉપરાંત, જો પરિસ્થિતિ વધુ વણસે અને નાગરિકોને એરલિફ્ટ કરવાની જરૂર પડે તો ભારતીય કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ 'સ્ટેન્ડ-બાય' મોડ પર રાખવામાં આવ્યા છે.

વલસાડમાં પૂરની સ્થિતિ વચ્ચે આર્મી અને NDRF મોરચે

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. વહીવટી તંત્રને મદદરૂપ થવા હાલ 3 NDRF અને 5 SDRFની ટીમ કાર્યરત છે, જ્યારે નવી દિલ્હીથી NDRFની વધુ 2 ટીમ આવી પહોંચશે. આ ઉપરાંત રાહત કાર્યને વેગ આપવા આર્મીના 70 જવાનોની ટીમ, 5 બોટ અને 25 સભ્યોની ફાયર બ્રિગેડની ટીમ પણ વલસાડ ખાતે તૈનાત કરવામાં આવી રહી છે.

10 નાયબ કલેક્ટર અને મામલતદારોની તાત્કાલિક વલસાડ જિલ્લામાં નિમણૂક

સ્થિતિ પર કાબૂ મેળવવા અને પુનર્વસનની કામગીરીને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિવિધ જિલ્લામાંથી 10 વરિષ્ઠ વહીવટી અધિકારીઓને વલસાડ જિલ્લામાં નિયુક્ત કર્યા છે. જેમાં નાયબ કલેક્ટર, નાયબ DDO અને મામલતદાર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વલસાડ કલેક્ટરને રિપોર્ટ કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની જવાબદારી સંભાળી લેવા આદેશ અપાયા છે. સરકારી તંત્ર અને સેનાના જોડાણથી અસરગ્રસ્તો સુધી ઝડપી સહાય પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ SEOC પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી કુદરતી આફતની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ખાતે રૂબરૂ પહોંચીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.