Surat

બે વર્ષથી વિરામમાં રહેલો ‘સેવા સેતુ’ હવે ફરી ધમધમશે : સુરતમાં 10 સ્થળે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
સુરત કોર્પોરેશન દ્વારા 22 સપ્ટેમ્બરથી 'સેવા સેતુ' કાર્યક્રમનો ફરી પ્રારંભ થશે. નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે શહેરના 10 સ્થળે આયોજન કરાયું છે. પૂર્વ વરાછા ઝોનથી શરૂ થનારા આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, આધાર- રેશન- આયુષ્માન કાર્ડ સહિતની સેવાઓ સ્થળ પર જ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે વર્ષથી વિરામમાં રહેલો ‘સેવા સેતુ’ હવે ફરી ધમધમશે : સુરતમાં 10 સ્થળે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

Surat Corporation : બે વર્ષથી વિરામમાં રહેલો ‘સેવા સેતુ’ હવે ફરી ધમધમશે. સરકારી સેવાઓ અને વિવિધ યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે 22 સપ્ટેમ્બરથી શહેરના 10 સ્થળે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. 2024માં કતારગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 2,149 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. હવે પૂર્વ વરાછા ઝોનથી શરૂ થનારા કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતની સેવાઓ માટે સ્થળ પર જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
રાજ્ય સરકાર તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના સરકારી કામનો ઝડપી અને સ્થળ પર જ નિકાલ કરવાનો છે. વિવિધ પ્રમાણપત્રો કે યોજનાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું ન પડે અને એક જ સ્થળેથી અનેક સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 22 સપ્ટેમ્બરે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી પૂર્વ (વરાછા) ઝોનના વહીવટી ભવન ખાતે સેવા સેતુ યોજાશે.
આ ઉપરાંત રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ, હરિનગર-3 કોમ્યુનિટી હોલ, સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ, અલથાણ કોમ્યુનિટી હોલ, નવયુગ કોલેજ, સરથાણા ઝોન વહીવટી ભવન, નીલગીરી ગ્રાઉન્ડ અને સચીન કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોએ પણ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુમાં આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, આધારકાર્ડ સંબંધિત સેવાઓ અને આયુષ્માન કાર્ડ જેવી સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉપરાંત વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય અને દિવ્યાંગતા પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ પણ નાગરિકોને મળી શકશે. પાલિકા ઉપરાંત સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગને લગતી વિવિધ યોજનાઓના ફોર્મ તથા અરજીઓ પણ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવશે. તંત્ર દ્વારા સંબંધિત સેવાઓ માટે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે નાગરિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
2024 બાદ હવે ફરી આયોજન
સુરતમાં અગાઉ 30 સપ્ટેમ્બર 2024ના રોજ કતારગામના વસ્તા દેવડી વિસ્તારના કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 2,149 લાભાર્થીઓએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. ત્યારબાદ લાંબા વિરામ પછી ફરી સેવા સેતુનું આયોજન થતાં સરકારી સેવાઓને લોકોની નજીક પહોંચાડવાના અભિગમને ફરી ગતિ મળશે.