સુરતમાં કતારગામના નવા ઓડિટોરિયમમાં પહેલીવાર સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતના રંગમંચની 52 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે નવા મંચ પર નવો અધ્યાય શરૂ કરશે. અત્યાર સુધી ગાંધી સ્મૃતિ ભવન સહિતના સ્થળોએ યોજાતી આવેલી આ સ્પર્ધા ગાંધી સ્મૃતિ ભવનના નવેસરથી નિર્માણને કારણે પ્રથમવાર કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાશે. 876 બેઠક ક્ષમતા ધરાવતા નવા અને આધુનિક ઓડિટોરિયમમાં સ્પર્ધાનું આયોજન થયું છે. નવા ઓડિટોરિયમમાં પ્રથમવાર યોજાનારી આ સ્પર્ધા માત્ર સ્થળ પરિવર્તન નહીં, પરંતુ સુરતની નાટ્ય પરંપરાને નવી સુવિધા અને નવા દર્શકવર્ગ સાથે જોડતી શરૂઆત બની રહેશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી સતત યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા શહેરના નાટ્યકારો, કલાકારો અને નાટ્ય સંસ્થાઓ માટે મહત્વનું પ્લેટફોર્મ બની રહી છે. દર વર્ષે શહેરની વિવિધ નાટ્ય સંસ્થાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની નાટ્યકૃતિ, અભિનય અને રંગમંચની પ્રતિભા રજૂ કરે છે. આ વર્ષે સ્થળ બદલાતા કતારગામનું નવું ઓડિટોરિયમ પણ શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નકશામાં મહત્વનું સ્થાન મેળવશે. અગાઉ સ્પર્ધાનું આયોજન ગાંધી સ્મૃતિ ભવન, સંજીવકુમાર ઓડિટોરિયમ અને સરદાર સ્મૃતિ ભવન સહિતના સ્થળોએ કરવામાં આવતું હતું. હવે પ્રથમવાર 876 બેઠકવાળા ઓડિટોરિયમમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરની નાટ્ય સંસ્થાઓ માટે સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા-2026માં ભાગ લેવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશપત્ર શ્રી તાપીભવનના સાંસ્કૃતિક વિભાગ, રૂમ નં.26, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, તાપીપુરા, સુરત ખાતેથી મેળવી શકાશે. ભરેલા પ્રવેશફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ, 2026 છે. ફોર્મ સાંજે 4 વાગ્યા સુધી જમા કરાવવાનું રહેશે. ઉપરાંત પ્રવેશપત્ર અને સ્પર્ધાના નિયમોની માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે. નાટ્યકૃતિની એક કોમ્પ્યુટરાઇઝ્ડ હાર્ડ કોપી પણ રજૂ કરવાની રહેશે. પ્રવેશપત્રમાં અધૂરી કે અપૂરતી વિગતો હશે તો તે રદ થવા પાત્ર રહેશે. છેલ્લા 52 (બાવન) વર્ષથી ચાલતી નાટ્ય પરંપરાને નવા અને આધુનિક મંચ સાથે જોડતી આ સ્પર્ધા દરમિયાન કતારગામમાં રંગમંચની રોનક જામશે. ગાંધી સ્મૃતિ ભવન નવા સ્વરૂપમાં પરત ફરે ત્યાં સુધી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા માટે કતારગામમાં ઓડિટોરિયમ નવું સરનામું બનશે.









