Surat

સુરતના રાજકારણમાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ' : રીપેર થયેલો બ્રિજ ખુલ્લો મૂકતાં ફરી શ્રીફળ ફોડી લોકાર્પણની ઉજવણી

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ગોઠાણ-ઉમરા બ્રિજનું 121 દિવસ રિપેરિંગ બાદ ફરી શ્રીફળ ફોડી લોકાર્પણ કરાયું. અગાઉ ખુલ્લો મુકાયેલો બ્રિજ મરામત માટે બંધ કરાયો હતો. ભાજપના કોર્પોરેટર વિજય ભાટિયાની આગેવાનીમાં આ 'પુનઃ લોકાર્પણ' કરાતા 'કામ એક, લોકાર્પણ બે'ની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોને વાહનવ્યવહાર માટે રાહત મળી, પણ રાજકીય પ્રસિદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના રાજકારણમાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ' : રીપેર થયેલો બ્રિજ ખુલ્લો મૂકતાં ફરી શ્રીફળ ફોડી લોકાર્પણની ઉજવણી

Surat News : સુરતના રાજકારણમાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ’નો નવો અધ્યાય શરૂ થયો હોય તેમ ગોઠાણ-ઉમરા બ્રિજના કિસ્સામાં જોવા મળ્યું છે. એક વખત લોકાર્પણ થઈ ચૂકેલા બ્રિજને રિપેર માટે 121 દિવસ બંધ રાખ્યા બાદ સમારકામ પૂર્ણ થતાં ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો અને આ વખતે પણ શ્રીફળ ફોડીને લોકાર્પણની ઉજવણી કરવામાં આવી. સામાન્ય મરામતની કામગીરીને પણ રાજકીય પ્રસિદ્ધિનું માધ્યમ બનાવવાના આ પ્રયાસથી ‘કામ એક, લોકાર્પણ બે’ની ચર્ચા શરૂ થઈ છે.
ગોઠાણ-ઉમરા બ્રિજ અગાઉ ખુલ્લો મૂકાયા બાદ થોડા જ સમયમાં તેની મરામતની જરૂરિયાત ઊભી થઈ હતી. પાલિકા દ્વારા બ્રિજના હેલ્થ રિપોર્ટના આધારે 20 મે 2026થી બ્રિજનો એક ટ્રેક વાહનવ્યવહાર માટે બંધ રાખીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મરામત દરમિયાન વેલંજા તરફથી વરીયાવ તરફ જતો ટ્રેક બંધ રાખવામાં આવ્યો હતો અને બીજા ટ્રેક પરથી બંને તરફનો વાહનવ્યવહાર ચલાવવામાં આવ્યો હતો. લગભગ 121 દિવસ બાદ ગત શુક્રવારે મરામત પૂર્ણ થતાં બ્રિજ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. સામાન્ય રીતે પાલિકાની મરામત કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ થવો એ પોતે જ પ્રક્રિયાનો અંત ગણાય છે, પરંતુ અહીં ફરી એક વખત લોકાર્પણનો માહોલ જોવા મળ્યો હતો.
ભાજપના વોર્ડ નં.1ના કોર્પોરેટર વિજય ભાટિયાની આગેવાનીમાં શ્રીફળ ફોડી બ્રિજના પુનઃલોકાર્પણની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં.1ના કોર્પોરેટર વિજય ભાટીયા તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ઉમરા-ગોઠાણના ગ્રામજનો તેમજ વિવિધ સોસાયટીઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ લોકાર્પણ થઈ ચૂકેલા બ્રિજના રિપેર બાદ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય આગેવાનોની હાજરીથી સામાન્ય મરામતનું કામ પણ જાણે રાજકીય કાર્યક્રમ બની ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મરામત પૂર્ણ થયા બાદ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને રાહત મળી છે, પરંતુ રિપેર થયેલા બ્રિજના પુનઃ લોકાર્પણને લઇને રાજકીય કટાક્ષ પણ શરૂ થયો છે. નવા બ્રિજ કે નવા વિકાસ કામોનું લોકાર્પણ સમજાય તેવું છે, પરંતુ અગાઉથી લોકાર્પણ થઈ ચૂકેલા બ્રિજના સમારકામ બાદ ફરી શ્રીફળ ફોડીને લોકાર્પણ કરવાની જરૂરિયાત પ્રસિદ્ધિ માટે હવે રિપેરિંગનું પણ લોકાર્પણની ચર્ચા જગાવી છે.