Surat

શ્રાવણમાં ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ, ટ્રાવેલ્સના ધંધામાં ‘રોટેશન’ શરૂ થશે

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
શ્રાવણ માસ શરૂ થતાં સુરતમાં શિવભક્તિનો માહોલ છવાયો છે. સુરતીઓ બાર મહાદેવ, ડાકોર, અંબાજી, શિરડી અને મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગના દર્શને જઈ રહ્યા છે. 1 થી 5 દિવસના આ ધાર્મિક પ્રવાસોથી ટ્રાવેલ્સ સંચાલકોને રોજગારી મળી રહી છે. રવિવારે પણ લોકો મોટી સંખ્યામાં પ્રવાસે નીકળતા ધંધામાં તેજી આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણમાં ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ, ટ્રાવેલ્સના ધંધામાં ‘રોટેશન’ શરૂ થશે

Surat Sheavan Special : શ્રાવણ માસની શરૂઆત સાથે સુરતીઓમાં શિવભક્તિનો માહોલ જામવા લાગ્યો છે અને તેની સાથે ધાર્મિક પ્રવાસોના કારણે ટ્રાવેલ્સના ધંધામાં પણ રોટેશન વધવાની આશા છે. શ્રાવણ દરમિયાન સોમવાર ઉપરાંત હવે રવિવારે પણ બાર મહાદેવના દર્શન માટે સુરતીઓ મોટી સંખ્યામાં નીકળી રહ્યા છે. માત્ર દક્ષિણ ગુજરાતના બાર મહાદેવ પૂરતું જ નહીં, પરંતુ ડાકોર, અંબાજી, શિરડી, નાસિક સહિતના ધાર્મિક સ્થળો તેમજ મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગના પ્રવાસોનું પણ બુકિંગ શરૂ થઈ ગયું છે. એકથી પાંચ દિવસના ધાર્મિક પ્રવાસોનો વધતો ટ્રેન્ડ નાની-મોટી ટ્રાવેલ્સ ગાડીઓ ચલાવતા ધંધાર્થીઓ માટે રોજગારીનું નવું માધ્યમ બની રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે શ્રાવણ પુણ્ય કમાવવાનો મહિનો છે તો ટ્રાવેલ્સ સંચાલકો માટે ધંધામાં તેજી અને રોજગારીનું ચક્ર ફરવાનો મહિનો બની રહ્યો છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે. આ સમગ્ર મહિના દરમિયાન શિવપૂજા અને દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. અગાઉ મોટાભાગે સોમવારે જ બાર મહાદેવના દર્શન માટે ટૂરોનું આયોજન થતું હતું, પરંતુ નોકરી-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે હવે રવિવાર અને સપ્તાહાંત પણ ધાર્મિક પ્રવાસ માટે અનુકૂળ બની રહ્યા છે. પરિણામે કેટલાક ટ્રાવેલ્સ સંચાલકો અઠવાડિયામાં બે-ત્રણ વખત બાર મહાદેવના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.
ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓની જરૂરિયાત મુજબ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અને પાંચ દિવસના વિવિધ ધાર્મિક પ્રવાસોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતથી ડાકોર, અંબાજી, શિરડી, નાસિક સહિતના સ્થળોને આવરી લેતા પ્રવાસો ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળોના પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની ઇચ્છા ધરાવતા લોકો આવા તૈયાર પ્રવાસોને પસંદ કરી રહ્યા છે.
ગત શ્રાવણથી શરૂ થયેલો મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગના દર્શનનો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે. શ્રાવણ શરૂ થાય તે પહેલાં જ કેટલાક ટ્રાવેલ્સ સંચાલકોએ આ પ્રવાસોનું બુકિંગ શરૂ કરી દીધું હતું. આ પ્રવાસમાં ઘૃષ્ણેશ્વર, પરલી વૈદ્યનાથ, ઔંઢા નાગનાથ, ભીમાશંકર અને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગને આવરી લેવામાં આવે છે. સાથે નાસિક, શિરડી અને શનિદેવ જેવા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ધાર્મિક પ્રવાસોમાં માત્ર શિવમંદિરો જ નહીં, પરંતુ કચ્છના કબરાઉ, અંજાર, પીપળી સહિતના સ્થળો માટે પણ પ્રવાસોનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક ટ્રાવેલ્સ સંચાલકો પુણે નજીક આવેલા અષ્ટવિનાયકના દર્શન માટે પણ ખાસ પ્રવાસ ગોઠવી રહ્યા છે. આમ શ્રાવણ દરમિયાન અલગ-અલગ સમયગાળાના અને અલગ-અલગ ધાર્મિક સ્થળોને આવરી લેતા પ્રવાસોની વિવિધતા જોવા મળી રહી છે.
નાના ટ્રાવેલ્સ સંચાલકો માટે ‘સંજીવની’
ટ્રાવેલ્સના ધંધાર્થીઓના જણાવ્યા મુજબ, શ્રાવણ દરમિયાન ધાર્મિક પ્રવાસોની માગ વધવાથી ખાસ કરીને નાની ટ્રાવેલ્સ ગાડીઓ ધરાવતા સંચાલકોને ફાયદો થાય છે. મોટી ટૂર કંપનીઓની સરખામણીએ સ્થાનિક સંચાલકો પરિવાર અને નાના જૂથ માટે તેમની જરૂરિયાત મુજબ પ્રવાસ ગોઠવી આપે છે. જેના કારણે શ્રાવણ માસ તેમના માટે ધંધામાં રોટેશન વધારતો સમય બની રહ્યો છે.
શ્રદ્ધાળુઓ માટે શ્રાવણ મહિનો પુણ્ય અને ભક્તિનો સમય છે, ત્યારે ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો રોજગારીની નવી તકો લઈને આવ્યો છે. શિવભક્તિ સાથે ધાર્મિક પ્રવાસોનો વધતો ટ્રેન્ડ આ વર્ષે પણ ટ્રાવેલ્સના ધંધાને ગતિ આપશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
શ્રાવણ માસમાં આ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવે છે
કંતારેશ્વર મહાદેવ, સુરત,
ગળતેશ્વર મહાદેવ- કામરેજ
ઋઉ મુક્તેશ્વર મહાદેવ - એના
કનકેશ્વર મહાદેવ - કણાવ
કેદારેશ્વર મહાદેવ- બારડોલી
શુકલેશ્વર મહાદેવ- અનાવલ
ભાવ ભાવેશ્વર મંદિર- બરુમાળ
તડકેશ્વર મહાદેવ- વલસાડ
મલ્લિકાર્જુન મહાદેવ - ચીખલી
સોમનાથ મહાદેવ - મહાદેવ
અંધેશ્વર મહાદેવ - અનાવલ
ગંગેશ્વર મહાદેવ - કછોલી
કામેશ્વર મહાદેવ - ગડત
કંતારેશ્વર મહાદેવ- સુરત
સિધ્ધનાથ મહાદેવ મંદિર સરસ, ઓલપાડ