Surat

સુરતમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ: તંત્ર એક્શન મોડમાં, SDRF-NDRF તહેનાત અને આર્મીની ટુકડી મગાવાઈ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં IMDના રેડ ઍલર્ટ વચ્ચે ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે SMC સહિત જિલ્લા તંત્ર એક્શનમાં છે. શાળા-કોલેજોમાં રજા અને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે. કમિશનર એમ. નાગરાજને નાગરિકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. SDRF-NDRF ટીમો તહેનાત છે અને આર્મીની ટુકડીની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ: તંત્ર એક્શન મોડમાં, SDRF-NDRF તહેનાત અને આર્મીની ટુકડી મગાવાઈ

Surat Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા રેડ ઍલર્ટ વચ્ચે સુરત શહેરમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. તીવ્ર પવન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા (SMC) સહિત સમગ્ર જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર કચેરી, પોલીસ, ફાયર બ્રિગેડ, દક્ષિણ ગુજરાત વિજ કંપની અને સિંચાઈ વિભાગ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે.

શાળા-કોલેજોમાં રજા, માર્કેટો બંધ રાખવા અપીલ

સ્થિતિની ગંભીરતાને જોતાં શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ વેપારી અને માર્કેટ એસોસિએશનો દ્વારા પણ બજારો બંધ રાખી કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.

કમિશનર એમ. નાગરાજનની નાગરિકોને અપીલ

મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને વીડિયો સંદેશ જાહેર કરીને શહેરીજનોને વિશેષ સાવચેતી રાખવા વિનંતી કરી છે. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોર પછી તીવ્ર પવન સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારના લોકોને કિંમતી સામાન અને દસ્તાવેજો સુરક્ષિત સ્થળે ખસેડવા તથા તંત્ર દ્વારા કરાતા સ્થળાંતરમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરી માત્ર તંત્રની અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા જણાવાયું છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે, 'તમારી સાવચેતી જ તમારી અને તમારા પરિવારની સૌથી મોટી સુરક્ષા છે. બિનજરૂરી બહાર ન નીકળો, ઘરે જ સુરક્ષિત રહો અને પાલિકા તંત્રને સહયોગ આપો.'

24 કલાક ઇમરજન્સી સેવાઓ શરૂ, આર્મીની ટુકડીની માગ

શહેરમાં SDRF અને NDRFની બચાવ ટીમોને અલર્ટ મોડ પર તહેનાત કરી દેવામાં આવી છે અને તમામ ઇમરજન્સી સેવાઓ 24 કલાક કાર્યરત રખાઈ છે. આસપાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે જો સ્થિતિ વધુ વિકટ બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આર્મીની એક ટુકડીની પણ માંગણી કરવામાં આવી છે.