પ્લાસ્ટિક બની રહ્યું છે પાણીના નિકાલ સામે સૌથી મોટું વિલન : સુરત શહેરમાં પાણી ભરાવો અટકાવવા રસ્તા પર ખડેપગે સફાઈ સૈનિકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Update : સુરતમાં રેડ એલર્ટ વચ્ચે વરસતા વરસાદમાં શહેરને પાણી ભરાવાથી બચાવવા પાલિકાના સફાઈ સૈનિકો દિવસ-રાત મેદાનમાં ખડેપગે રહી સ્ટોર્મ ડ્રેનેજમાંથી પ્લાસ્ટિક અને કચરો દૂર કરી રહ્યા છે. પરંતુ વરસાદના વહેણ સાથે ફરી પહોંચતું પ્લાસ્ટિક તેમની કલાકોની મહેનત પર પાણી ફેરવી રહ્યું છે. એક જ સ્થળે વારંવાર સફાઈ કરવાની ફરજ પડતાં ખુલ્લામાં ફેંકાતું પ્લાસ્ટિક આજે શહેરના વરસાદી પાણીના નિકાલ સામે સૌથી મોટું વિલન બની ઊભર્યું છે.
ભારતીય હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ દરમિયાન એક તરફ પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે મહાનગર પાલિકાનું તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, તો બીજી તરફ પાલિકાના સફાઈ સૈનિકો વરસાદમાં ભીંજાવાની પરવા કર્યા વિના શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ ડ્રેનેજના ઢાંકણા સાફ કરવાની કામગીરીમાં અવિરત જોડાયા છે. શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોએ સફાઈ કર્મચારીઓ સતત તૈનાત રહી ડ્રેનેજના ગ્રેટિંગમાંથી પ્લાસ્ટિક, કચરો, ઝાડની ડાળીઓ અને અન્ય અવરોધ દૂર કરી પાણીના પ્રવાહને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વરસાદ દરમિયાન સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિકના કચરાની સામે આવી રહી છે. સફાઈ કર્મચારીઓ એક સ્થળે ડ્રેનેજ સંપૂર્ણ સાફ કરે છે, પરંતુ થોડા જ કલાકોમાં વરસાદના વહેણ સાથે ફરી મોટી માત્રામાં પ્લાસ્ટિક, થેલીઓ, બોટલો અને અન્ય કચરો ડ્રેનેજમાં આવી જતાં તે ફરી ચોકઅપ થઈ જાય છે. પરિણામે વરસાદી પાણીનો નિકાલ ધીમો પડી જાય છે અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. એક જ સ્થળે દિવસમાં અનેક વખત સફાઈ કરવાની નોબત આવતા સફાઈ કર્મચારીઓની મહેનત વધી રહી છે.
રેડ એલર્ટ વચ્ચે પણ પાલિકાના સફાઈ સૈનિકો રેઇનકોટ પહેરીને સતત વરસાદમાં ઉભા રહી ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે. સ્ટોર્મ ડ્રેનેજના ઢાંકણાં ખોલી પાણીના પ્રવાહને અવરોધતા પ્લાસ્ટિક અને કચરો દૂર કરવામાં આવી રહ્યો છે, જેથી વરસાદી પાણી ઝડપથી નીકળી શકે અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.
પાલિકા તંત્રે નાગરિકોને ફરી અપીલ કરી છે કે પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો, થર્મોકોલ, કપ અને અન્ય કચરો રસ્તા કે ખુલ્લા સ્થળે ન ફેંકે. આવો કચરો વરસાદી પાણી સાથે સીધો ડ્રેનેજમાં પહોંચી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરે છે. શહેરને પાણી ભરાવાની સમસ્યાથી બચાવવામાં જેટલી મહત્ત્વની ભૂમિકા સફાઈ કર્મચારીઓની છે, એટલી જ જવાબદારી નાગરિકોની પણ છે. જો પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ અને ખુલ્લામાં કચરો ફેંકવાની આદત નહીં બદલાય તો વરસાદી પાણીના નિકાલ સામેનું સૌથી મોટું વિલન પ્લાસ્ટિક જ રહેશે અને શહેરને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડશે.









