Surat

સુરતમાં મેઘતાંડવ બાદ વેપારીઓના વિનાશનું ચિત્ર  : બેઝમેન્ટ-ગ્રાઉન્ડ ફ્લોરની હજારો દુકાનોમાં પાણી ઘૂસતાં કરોડનો માલ બરબાદ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં 14 ઇંચથી વધુ વરસાદે શહેરના વેપાર-ધંધાને મોટો ફટકો આપ્યો છે. વરાછા, ભટાર, અડાજણ સહિતના વિસ્તારોમાં હજારો દુકાનોમાં પાણી ઘૂસતા કરોડોનો માલસામાન બરબાદ થયો. વેપારીઓ પમ્પ વડે પાણી કાઢવામાં વ્યસ્ત છે, જ્યારે બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં 6-7 ફૂટ પાણી ભરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં મેઘતાંડવ બાદ વેપારીઓના વિનાશનું ચિત્ર  : બેઝમેન્ટ-ગ્રાઉન્ડ ફ્લોરની હજારો દુકાનોમાં પાણી ઘૂસતાં કરોડનો માલ બરબાદ

Surat Heavy Rain : સુરતમાં એક જ દિવસમાં પડેલા 14 ઇંચથી વધુ વરસાદે શહેરના વેપાર-ધંધાને ભારે ફટકો પહોંચાડ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એપાર્ટમેન્ટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હજારો દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનો માલસામાન બરબાદ થયો છે. વરસાદનું જોર ઘટતાં હવે વેપારીઓ પમ્પની મદદથી દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં વ્યસ્ત બન્યા છે, જ્યારે બેઝમેન્ટમાં પાર્ક કરેલા અનેક વાહનોને પણ ભારે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતમાં ગઈકાલે મેઘ તાંડવ બાદ શહેરના વરાછા, ભટાર, અડાજણ, પાલનપુર, ઉધના, લિંબાયત, કતારગામ, રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણું, ફર્નિચર, મોબાઇલ, કોસ્મેટિક્સ સહિતના વિવિધ પ્રકારના વેપારને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક સ્થળોએ ફ્રિજ, કમ્પ્યુટર, મશીનરી અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો પણ પાણીમાં ગરકાવ થતાં નુકસાનનો આંકડો સતત વધી રહ્યો છે.
 વરસાદનું જોર ઘટ્યા બાદ બુધવારથી વેપારીઓએ દુકાનોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. મોટર પમ્પ, જનરેટર અને અન્ય સાધનોની મદદથી કલાકો સુધી પાણી બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. અનેક સ્થળોએ કાદવ અને ગંદકીના થર જામી જતાં વેપારીઓને સફાઈ માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. રેલવે સ્ટેશન વિસ્તાર વરસાદ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો. અહીં અંદાજે 6થી 7 ફૂટ પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ભારે વજન ધરાવતા લોખંડના ગર્ડર પણ તણાઈને દુકાનો સુધી પહોંચી ગયા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા ત્રણ જેટલા ગર્ડર પાણી સાથે તણાઈ આવ્યા હતા. શહેરના અનેક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં માત્ર દુકાનો જ નહીં, પરંતુ પાર્કિંગમાં ઉભેલા કાર, બાઇક અને અન્ય વાહનો પણ કલાકો સુધી પાણીમાં ડૂબી રહ્યા હતા. પાણી ઓસર્યા બાદ અનેક વાહનો સ્ટાર્ટ ન થતાં માલિકોને ભારે આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. વાહનોના એન્જિન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને અન્ય ભાગોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કુદરતી આફત સામે તેઓ સંપૂર્ણપણે લાચાર બની ગયા છે.
ઘણા વેપારીઓએ લાખો રૂપિયાનો માલસામાન ગુમાવ્યો છે પ્રાથમિક અંદાજ મુજબ શહેરભરમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. વરસાદનું પાણી ઉતરી ગયું હોવા છતાં હવે વેપારીઓ માટે નુકસાનમાંથી બહાર આવવાનો પડકાર સૌથી મોટો બની ગયો છે.