સુરતમાં ભાજપ કાર્યાલયથી 500 મીટરમાં લોકો બે દિવસથી પાણીમાં ભરાયેલા : તાપી ભવનની નાસ્તા પાર્ટીનો વીડિયો બન્યો આક્રોશનું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Heavy Rain : સુરતમાં મેઘતાંડવે હજારો પરિવારોને પાણીમાં ધકેલી દીધા છે. ઘરોમાં પાણી, અંધારપટ, પીવાના પાણી અને દૂધની અછત વચ્ચે લોકો જીવ બચાવવા અને ઘરવખરી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ યોજાયેલી નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પૂરગ્રસ્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપ કાર્યાલયથી માંડ 500 મીટરના વિસ્તારમાં લોકો મદદ માટે તરસી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં અસરગ્રસ્તોએ સવાલ ઉઠાવ્યો છે કે, "મત માંગવા દરવાજે-દરવાજે આવતા નેતાઓ આપત્તિના સમયે ક્યાં ગાયબ થઈ ગયા?"
સુરતમાં છેલ્લા બે દિવસથી વરસેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ખાડી પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સુરતમાં હજારો ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની વર્ષોની કમાણી સમાન ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. અનેક એપાર્ટમેન્ટમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પીવાનું પાણી, દૂધ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીની અપેક્ષા રાખી રહેલા લોકોમાં ત્યારે ભારે આક્રોશ ફાટી નીકળ્યો, જ્યારે સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ-ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ યોજાયેલી નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યાલયથી માંડ 500 મીટર આસપાસ આવેલા લાલી નગર, બાલાજી નગર, શ્રીનાથજી નગર અને સાંઈ નગર વિસ્તારમાં રહેતા સેંકડો પરિવારો વસવાટ કરે છે છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં ખાડીનું પાણી ભરાયેલું છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર ભાજપ કાર્યાલયની બાજુમાં હોવા છતાં તેમને મદદ ન મળી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. અસરગ્રસ્તો આક્ષેપ કરે છે કે, જ્યારે ચુંટણી અને મતદાન હોય ત્યારે ભાજપના નેતાઓ સંખ્યાબંધ વાર મત માંગવા આવે છે પરંતુ આજે જ્યારે લોકો પુરના પાણીમાં ફસાયા છે ત્યારે હજારો લોકો મદદ માંગી રહ્યા છે પરંતુ એક પણ નેતા ફરકતા નથી તો હવે તેઓ કેમ દેખાતા નથી તેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.
આ દરમિયાન મંગળવારે સુરત મહાનગરપાલિકાના તાપી ભવન ખાતે વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ ભાજપના હોદ્દેદારો, નવા પદાધિકારીઓ અને તેમના સમર્થકોની નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક તરફ શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ હોય, લોકો ઘરમાંથી પાણી કાઢવામાં અને જરૂરી વસ્તુઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે બીજી તરફ આ વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.









