Surat

પતિના નામે મકાન, પત્નીના નામે પ્રધાનમંત્રી આવાસ : તપાસ કરવા સુરત પાલિકાની કમિટીના અધ્યક્ષે ઉઠાવ્યા સવાલ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જરૂરિયાતમંદોને જ આવાસ મળ્યા છે કે કેમ તે અંગે સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષે સવાલ ઉઠાવ્યો છે. પતિના નામે મિલકત હોવા છતાં પત્નીના નામે આવાસ ફાળવાયા હોવાના કિસ્સા સહિત એક જ લાભાર્થીને એકથી વધુ આવાસ મળ્યા હોય તેની સઘન તપાસ કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પતિના નામે મકાન, પત્નીના નામે પ્રધાનમંત્રી આવાસ : તપાસ કરવા સુરત પાલિકાની કમિટીના અધ્યક્ષે ઉઠાવ્યા સવાલ

Surat News : સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખરેખર જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓને જ આવાસ મળ્યા છે કે નહીં તે અંગે સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષે સવાલ ઉઠાવ્યો છે. પતિના નામે પહેલેથી રહેણાંક મકાન કે મિલકત હોવા છતાં પત્નીના નામે આવાસ ફાળવાયો હોય તેવા કિસ્સા સહિત એક જ લાભાર્થીને એકથી વધુ આવાસનો લાભ મળ્યો હોય તો તેની સઘન તપાસ કરવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ આવાસવિહોણા અને જરૂરિયાતમંદ પરિવારોને રહેઠાણની સુવિધા આપવાનો છે. ત્યારે યોજનામાં લાભ મેળવવા માટેની પાત્રતા ધરાવતા ન હોય તેવા વ્યક્તિને આવાસ ફાળવાયો હોય અથવા એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ રીતે આવાસનો લાભ મળ્યો હોય તો ખરેખર જરૂરિયાતમંદ લાભાર્થીઓના હક્ક પર અસર થઈ શકે છે. આથી અત્યાર સુધી થયેલી આવાસ ફાળવણીની ચકાસણી જરૂરી હોવાનો મુદ્દો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.

2.jpg


સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષ દિગ્વિજયસિંહ બારડે કમિશનરને કરેલી રજૂઆતમાં ખાસ કરીને એવા કિસ્સાઓની તપાસ કરવા જણાવ્યું છે. જેમાં પતિ અથવા પત્નીના નામે સુરત શહેરમાં અગાઉથી ખાનગી રહેણાંક મકાન કે મિલકત હોવા છતાં બીજા જીવનસાથીના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ફાળવવામાં આવ્યો હોય. આવા કિસ્સાઓમાં લાભાર્થીએ ફોર્મ ભર્યું ત્યારે પતિ-પત્ની કે લાગુ પડતા પરિવારના અન્ય સભ્યોના નામે રહેણાંક મિલકત હતી કે કેમ તેની પણ ચકાસણી કરવા માગ કરવામાં આવી છે. આ ઉપરાંત એક જ લાભાર્થીના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકથી વધુ આવાસ ફાળવાયા હોય અથવા એકથી વધુ આવાસનો લાભ મેળવ્યો હોય તેવા કિસ્સાઓ પણ શોધવા રજૂઆત કરવામાં આવી છે.
એક જ પરિવારના સભ્યો અથવા સગા-સંબંધીઓના નામે આવાસ માટે અરજી કરવામાં આવી હોય ત્યારે ફોર્મ ભરવાના સમયે તેઓ એક જ સરનામે રહેતા હતા કે કેમ અને તેમના નામે અગાઉથી રહેણાંક મિલકત હતી કે કેમ તેની વિગતો પણ તપાસવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ તપાસ માટે પાલિકાના મિલકતવેરાના રેકોર્ડ ઉપરાંત સરકારી દસ્તાવેજો અને સંબંધિત વિભાગોમાંથી જરૂરી માહિતી મેળવી ઝોનવાર તથા લાભાર્થીવાર વિગતવાર ચકાસણી કરવા જણાવાયું છે. તપાસ દરમિયાન ખોટી માહિતી આપી લાભ મેળવ્યો હોવાનું અથવા નિયમવિરુદ્ધ આવાસ ફાળવાયો હોવાનું બહાર આવે તો સંબંધિત નિયમો મુજબ કાર્યવાહી કરવા પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.