લોકોને ફાયર સેફ્ટીનો પાઠ ભણાવતી સુરત પાલિકાની જ ભેસ્તાન વોર્ડ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર એક્સટિંગ્વિશર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકા શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલકતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની કડક ચકાસણી કરી નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. પરંતુ 'દીવા તળે અંધારું' જેવી સ્થિતિ ત્યારે સામે આવી છે. જ્યારે પાલિકાની જ ભેસ્તાન વોર્ડ ઓફિસમાં મુકાયેલા ફાયર એક્સટિંગ્વિશર રિફિલિંગની મુદત ક્યારની પૂરી થઈ ગઈ હોવા છતાં તેને બદલવાની કે રિફિલિંગ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. ખાનગી સંસ્થાઓ સામે નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરતું પાલિકા તંત્ર પોતાની જ કચેરીમાં દેખાતી આ બેદરકારીને લઈને હવે ગંભીર સવાલોના ઘેરામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન હેઠળ આવેલી ભેસ્તાન વોર્ડ ઓફિસમાં ફાયર સેફ્ટી માટે મૂકવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર રિફિલિંગ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં તેને રિફિલિંગ માટે મોકલવામાં આવ્યા નથી કે નવા સાધનો પણ મૂકવામાં આવ્યા નથી. જેના કારણે પાલિકાની જ કચેરીમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાગૃત નાગરિકે વોર્ડ ઓફિસમાં રહેલા એક્સપાયરી ડેટના ફાયર એક્સટિંગ્વિશર ફોટા જાહેર કરતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. પાલિકા દ્વારા શહેરભરમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીની ચકાસણી દરમિયાન નિયમોનું પાલન ન કરનાર રહેણાંક અને કોમર્શિયલ મિલકત સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે પોતાની જ મિલકતમાં આ પ્રકારની બેદરકારી સામે આવતાં પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ફરિયાદ મુજબ, આ મુદ્દે લગભગ બે મહિના પહેલાં ઉધના ઝોનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં તાત્કાલિક માન્ય એજન્સી મારફતે ફાયર એક્સટિંગ્વિશર રિફિલિંગ કરાવવા અને જરૂરી હોય ત્યાં નવા સાધનો મુકવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ભેસ્તાન વોર્ડ ઓફિસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, "આ બાબતે અગાઉ એક વખત ઝોન કક્ષાએ પત્ર લખવામાં આવ્યો હતો. આજે ફરી રિમાઇન્ડર પત્ર લખીને અધિકારીઓને જાણ કરવામાં આવશે."
ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર ભેસ્તાન વોર્ડ ઓફિસ જ નહીં પરંતુ ઉધના ઝોનની અન્ય કેટલીક વોર્ડ ઓફિસમાં પણ ફાયર એક્સટિંગ્વિશર રિફિલિંગ સમયસર કરવામાં આવી નથી. જો આ દાવો સાચો હોય તો તે માત્ર બેદરકારી નહીં પરંતુ કર્મચારીઓ અને કચેરીમાં આવતા નાગરિકોની સલામતી સાથે પણ ગંભીર ચેડાં સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખાનગી મિલકતમાં નિયમોના ભંગ બદલ નોટિસ, દંડ અને અન્ય કાર્યવાહી કરતા પાલિકા તંત્ર પોતાની જ કચેરીમાં થયેલી આ બેદરકારી સામે શું કાર્યવાહી કરશે? જવાબદારી સંબંધિત એજન્સીની નક્કી થશે કે પછી ઉધના ઝોનના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરાશે? આ સવાલોના જવાબ હવે પાલિકા તંત્રે આપવા પડશે.









