Rajkot

ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, દુબઈથી મુંબઈ જતા વિમાનમાં ધુમાડો નીકળ્યો!

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં અચાનક ધુમાડો નીકળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પાયલટે સમયસૂચકતા વાપરી રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ ઘટના રાજકોટ એરપોર્ટ પર બની હતી, જ્યાં ફ્લાઈટને સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, દુબઈથી મુંબઈ જતા વિમાનમાં ધુમાડો નીકળ્યો!

Rajkot Airport News: દુબઈથી મુંબઈ તરફ આવી રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ (IGO1452)માં અચાનક સ્મોક (ધુમાડો)ની વોર્નિંગ મળતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાયલોટે ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી, જ્યાં તેનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફ્લાઈટમાં સવાર હતા 194 મુસાફરો

મળતી માહિતી અનુસાર, ઈન્ડિગોની (IGO1452) ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ જ્યારે મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેના માલસામાન રાખવાના ભાગ એટલે કે કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થવાની જાણ થઈ હતી. આ ઘટનાને કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ડર અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી મેળવી હતી. રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર ફાઈટર-એમ્બ્યુલન્સને ઍલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

પાયલટની કુશળતા અને સમયસૂચકતાને કારણે એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ સંપન્ન થયું હતું, જેના પરિણામે ફ્લાઈટમાં સવાર તમામ 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે. તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.