Surat

પદ ગયું છતાં ખુરશી ન છૂટી! પૂર્વ શાસક પક્ષ નેતાની હરકતથી સુરત પાલિકામાં ચર્ચા : સામાન્ય સભા ખંડમાં શાસક પક્ષ નેતાની ખુરશી આંચકી

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપની જૂથબંધીનો "ખુરશી કાંડ" ફરી ચર્ચામાં આવ્યો. મંગળવારે, પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે વર્તમાન શાસક પક્ષ નેતા અલ્પા મહેતાને ફાળવાયેલી પ્રથમ હરોળની બેઠક પર જ સ્થાન જમાવ્યું. અલ્પા મહેતાની નારાજગી છતાં, અમિતસિંહ જગ્યા ખાલી ન કરતા ભાજપની આંતરિક ખેંચતાણ 115 કોર્પોરેટરો સમક્ષ ખુલ્લેઆમ જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પદ ગયું છતાં ખુરશી ન છૂટી! પૂર્વ શાસક પક્ષ નેતાની હરકતથી સુરત પાલિકામાં ચર્ચા : સામાન્ય સભા ખંડમાં શાસક પક્ષ નેતાની ખુરશી આંચકી

Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપની જૂથબંધીનો ‘ખુરશી કાંડ’ ફરી ચર્ચામાં આવ્યો છે. પદ ગયું, સત્તાની ખુરશી ગઈ, પરંતુ ખુરશીનો મોહ જાણે હજી છૂટ્યો નથી! પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે ગત સામાન્ય સભામાં વર્તમાન શાસક પક્ષ નેતા અલ્પા મહેતાને ફાળવાયેલી પ્રથમ હરોળની બેઠક પર જ સ્થાન જમાવી દેતાં સભાખંડમાં ભારે ચર્ચા જાગી હતી. પોતાની બેઠક પર પહોંચેલા અલ્પા મહેતાએ નારાજગી વ્યક્ત કરી છતાં પૂર્વ નેતાએ જગ્યા ખાલી ન કરતાં ભાજપની આંતરિક ખેંચતાણ અને જૂથબંધીનો ખેલ 115 કોર્પોરેટરોની વચ્ચે ખુલ્લેઆમ જોવા મળ્યો હતો.
મંગળવારે સુરત પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપમાં ચાલતી જુથબંધી ખુલીને જોવા મળી હતી. ગઈકાલે સાંજે ચાર વાગ્યે સામાન્ય સભા શરૂ થવાની હતી. તે પહેલાં જ પ્રથમ હરોળમાં પોતાની ફાળવાયેલી બેઠક પર પહોંચેલા શાસક પક્ષ નેતા અલ્પા મહેતાએ જોયું કે તેમની બેઠક પર પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા. આ બેઠક કોઈ સામાન્ય કોર્પોરેટરની બેઠક નહોતી, પરંતુ ગત સામાન્ય સભામાં સત્તાવાર રીતે શાસક પક્ષ નેતા તરીકે અલ્પા મહેતાને ફાળવવામાં આવેલી પ્રથમ હરોળની બેઠક હતી. બેઠક બદલાઈ હોવાની બાબતે અલ્પા મહેતાએ નારાજગી વ્યક્ત કરી હતી.
પાલિકાની ચૂંટણી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભા માત્ર પદાધિકારીઓની નિયુક્તિ પૂરતી મર્યાદિત રહી હતી, જ્યારે બીજી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ કરવામાં આવી હતી. આ બંને સભા દરમિયાન કોર્પોરેટરોને અલગ અલગ બેઠકો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે સત્તાવાર બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. તે સમયે પ્રથમ હરોળમાં સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલની બાજુમાં શાસક પક્ષ નેતા અલ્પા મહેતાને બેઠક આપવામાં આવી હતી.
પાલિકાના સ્થાયી અધ્યક્ષ અને શાસક પક્ષ નેતા સાથે આસપાસ સત્તાધારી પક્ષના દંડક, વિવિધ સમિતિઓના ચેરમેનો તેમજ બીજી તરફ પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર સહિતના સભ્યોને બેઠક ફાળવવામાં આવી હતી. એટલે કે બેઠક વ્યવસ્થા માત્ર ખુરશીઓ ગોઠવવાનો મામલો નહોતો, પરંતુ પદ અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી સત્તાવાર વ્યવસ્થા હતી. જોકે, મંગળવારની સભામાં અચાનક જ અલ્પા મહેતાની મૂળ બેઠક બદલી નાખવામાં આવી હતી. સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે તેમની મૂળ બેઠક પર પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત ખુરશી પર ગોઠવાઈ ગયા હતા. અલ્પા મહેતા પોતાની બેઠક પર પહોંચ્યા ત્યારે અમિતસિંહ ત્યાં બેઠેલા હોવાથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતાની લાગણી પૂર્વ મેયર દક્ષેશ માવાણી સમક્ષ પણ વ્યક્ત કરી હતી.
પરંતુ અહીંથી ‘ખુરશીનો ખેલ’ વધુ રસપ્રદ બન્યો હતો. અલ્પા મહેતાની નારાજગી અને વાંધા છતાં અમિતસિંહ રાજપૂતે પોતાની બેઠક છોડવાની તૈયારી દર્શાવી નહોતી. અંતે શાસક પક્ષ નેતાએ જ પોતાની મૂળ બેઠક છોડીને દંડક ઉર્મિલા ત્રિપાઠીની બાજુમાં ફાળવાયેલી નવી બેઠક પર બેસવું પડ્યું હતું. એટલે કે પદ પર રહેલા શાસક પક્ષ નેતાની બેઠક જ બદલાઈ અને પૂર્વ શાસક પક્ષ નેતા મૂળ બેઠક પર યથાવત્ રહ્યા હોવાનો દૃશ્ય સભાખંડમાં ઉપસ્થિત તમામ માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
અમિતસિંહ રાજપૂત અગાઉ પણ શાસક પક્ષ નેતા તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ વિવાદના કેન્દ્રમાં રહ્યા હતા. હવે નવી ટર્મમાં તેઓ શાસક પક્ષના નેતા નથી, તેમ છતાં વર્તમાન શાસક પક્ષ નેતાની બેઠક પર બેસી નવો વિવાદ ઉભો કર્યો છે.