પાલીના ખાડામાં બે માસુમોના મોત બાદ પણ તંત્ર ઊંઘમાં : ડભોલીમાં મોતનો ખાડો ખુલ્લો, બીજી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવી ગંભીર સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતના સચીન-પાલી વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં બે માસુમ બાળકોના કરૂણ મોત બાદ શહેરમાં જોખમી ખાડા સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તેવી અપેક્ષા હતી. પરંતુ ડભોલી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી પડેલો વિશાળ ખાડો આજે પણ ખુલ્લો જ છે. વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયેલો આ ખાડો હવે મોતના ખાડામાં ફેરવાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે પાલિકાએ માત્ર રસ્તો બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવાનું માની લીધું છે, જ્યારે ખાડાની આસપાસથી કોઈ બાળક, રાહદારી કે વૃદ્ધ પસાર થાય અને અકસ્માતે તેમાં ખાબકે તો વધુ એક જીવલેણ દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
સુરતમાં પડેલા ભારે વરસાદ બાદ કોઈ જાનહાની ન થાય તે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવે છે. તંત્ર વરસાદી પાણીમાં કોઈ જાનહાની ન થાય તે માટે પ્રયાસ કરે છે તો બીજી તરફ પાલિકાના કતારગામ ઝોનમાં ડભોલી બીઆરટીએસ બસ સ્ટેન્ડ બાજુમાં ખાડો સ્થાનિકો સાથે વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. ડભોલી બીઆરટીએસ બસ સ્ટેન્ડને અડીને આવેલી ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી આ વિશાળ ખાડો પડ્યો છે. વરસાદી પાણી ભરાઈ જતાં હવે તેની ઊંડાઈનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. બહારથી સામાન્ય પાણી ભરાયેલો વિસ્તાર દેખાતો હોવા છતાં અંદર કેટલું જોખમ છુપાયેલું છે તેનો કોઈ અંદાજ નથી. આવી સ્થિતિમાં કોઈ વાહનચાલક, રાહદારી અથવા રમતા-રમતા કોઈ બાળક અહીં પહોંચી જાય તો ગંભીર દુર્ઘટના સર્જાય તેવી પૂરી શક્યતા છે. પાલિકા દ્વારા માત્ર ખાડાની બંને બાજુ બામ્બુની આડશ ઊભી કરવામાં આવી છે અને એક તરફનો રસ્તો બંધ કરીને જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવાનું માનવામાં આવ્યું છે. પરંતુ ખાડાની આસપાસ મજબૂત બેરિકેડિંગ, સુરક્ષા જાળી કે અન્ય કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે ખાડો આજે પણ લોકો માટે ખુલ્લો અને જીવલેણ જોખમ બની રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ ખાડાની સમસ્યા નવી નથી. વર્ષોથી આ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાલીમાં બે માસુમોના મોત બાદ તો તંત્ર વધુ સતર્ક બનશે તેવી અપેક્ષા હતી, પરંતુ ડભોલીની હાલત જોતા લાગે છે કે તે દુર્ઘટનામાંથી પણ કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી.
ભુતકાળમાં વીઆઈપી મુલાકાત વખતે મોતના ખાડાને સફેદ પડદાથી ઢાંકવામાં આવ્યો હતો
ડભોલી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી પડેલો વિશાળ ખાડો અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન આ ખાડો તેમના રૂટ પર આવતો હોવાથી પાલિકા દ્વારા તેની ફરતે સફેદ કપડાં બાંધી કોર્ડન કરવામાં આવ્યો હતો. તે સમયે સ્થાનિકોમાં એવી ચર્ચા હતી કે ખાડાનો કાયમી ઉકેલ લાવવાને બદલે તેને નજરથી દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો જૂની સમસ્યા દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ એ જ ખાડો વરસાદી પાણીથી ભરાઈ વધુ જોખમી બની ગયો છે. મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન આ જ ખાડાને સફેદ પડદાથી ઢાંકી તંત્રએ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે પણ કાયમી ઉકેલ આવ્યો નથી. વરસાદી પાણીથી ભરાયેલો આ વિશાળ ખાડો હજુ પણ સ્થાનિકો માટે જીવલેણ જોખમ બનીને ઊભો છે. માત્ર કામચલાઉ બેરિકેડિંગ થી જવાબદારી પૂરી થતી નથી. નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતાં આ મોતનો ખાડો તાત્કાલિક પુરાય અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ વધુ ઉગ્ર બની છે.









