Surat

સુરત પાલિકાની કન્યા શાળામાં બાળ સુરક્ષા સાથે હરિયાળું ભવિષ્ય ઘડવાનો પ્રયાસ

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક-166માં બાળ સુરક્ષા અને પર્યાવરણ જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો. ક્રાઈમ બ્રાન્ચના મહિલા ASI વૈશાલીબેન દેવરેએ વિદ્યાર્થીનીઓને 'ગુડ ટચ-બેડ ટચ' અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ 'એક વિદ્યાર્થીની-એક છોડ' અભિયાન હેઠળ 100 છોડનું વિતરણ કરાયું, જેમાં દરેક છોડને નામ આપી તેની માવજતનો સંકલ્પ લેવાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની કન્યા શાળામાં બાળ સુરક્ષા સાથે હરિયાળું ભવિષ્ય ઘડવાનો પ્રયાસ

Surat Police : શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવતું સંસ્કારધામ પણ બની શકે તેનો ઉત્તમ દાખલો સુરત પાલિકાની એક કન્યા શાળામાં જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીઓને ગુડ ટચ-બેડ ટચ દ્વારા સ્વ-સુરક્ષાનું જ્ઞાન આપવામાં આવ્યું, તો બીજી તરફ એક વિદ્યાર્થીની-એક છોડ અભિયાન દ્વારા પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના પણ કેળવવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની રાંદેર સ્થિત શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક-166 ખાતે બાળ સુરક્ષા અને પર્યાવરણ જાગૃતિને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને પોતાના જીવનમાં ઉપયોગી એવા બે મહત્વના સંદેશ આપવામાં આવ્યા હતા. એક તરફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વ-સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, તો બીજી તરફ પર્યાવરણનું જતન કરવાની જવાબદારી સાથે દરેક વિદ્યાર્થીનીને એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના મહિલા એએસઆઇ વૈશાલીબેન દેવરેએ વિદ્યાર્થીનીઓને 'ગુડ ટચ' અને 'બેડ ટચ' અંગે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજણ આપી હતી. સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો તફાવત સમજાવવાની સાથે તેમણે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ડર્યા વગર માતા-પિતા, શિક્ષક અથવા અન્ય વિશ્વાસુ વ્યક્તિને તાત્કાલિક જાણ કરવાની સલાહ આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને પોતાના શરીર પ્રત્યે સજાગ રહેવા, આત્મવિશ્વાસ સાથે અવાજ ઉઠાવવા અને કોઈપણ પ્રકારની છેડતી સામે મૌન ન રહેવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ દ્વારા બાળ અધિકારો, કાનૂની સુરક્ષા અને પોક્સો કાયદા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા માટે કાયદાકીય વ્યવસ્થાની માહિતી મળતાં વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ જોવા મળી હતી.

10.jpg


બાળ સુરક્ષાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ એટલો જ અસરકારક રહ્યો હતો. 'એક વિદ્યાર્થીની-એક છોડ' અભિયાન હેઠળ જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા આશરે 100 વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ માત્ર વૃક્ષારોપણ કરવાની નહીં, પરંતુ છોડને પરિવારના સભ્યની જેમ ઉછેરી તેની નિયમિત માવજત કરવાનો સંકલ્પ પણ વિદ્યાર્થીનીઓ પાસે લેવડાવ્યો હતો. ઘરે જઈને આ રોપાનું વાવેતર કરી તેની સંભાળ રાખવા તેમજ હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણમાં પોતાનો ફાળો આપવાની અપીલ પણ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રોશની ટેલરે જણાવ્યું હતું કે આજના સમયમાં વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરતું નથી. જીવનમૂલ્યો, સ્વ-સુરક્ષા, કાનૂની જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જેવા વિષયોનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. કન્યા શાળા હોવાથી બાળ સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સમયાંતરે યોજવામાં આવે છે. જ્યારે પર્યાવરણ સંરક્ષણ માટે બાળકોમાં બાળપણથી જ સંસ્કાર વિકસે તે માટે 'એક વિદ્યાર્થીની-એક છોડ' જેવી પહેલને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

11.jpg


રોપા માત્ર ભેટ નહીં, પરિવારના સભ્ય બન્યા ; દરેક વિદ્યાર્થીનીએ પોતાના છોડનું નામકરણ કરી તેની માવજતનો સંકલ્પ લીધો
એક વિદ્યાર્થીની-એક છોડ અભિયાનને માત્ર રોપા વિતરણ પૂરતું સીમિત રાખવામાં આવ્યું નહોતું. વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે જઈને રોપાનું વાવેતર કરી તેની નિયમિત સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલને વધુ જીવંત અને યાદગાર બનાવવા માટે દરેક વિદ્યાર્થીનીને પોતાના છોડનું નામકરણ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.વિદ્યાર્થીનીઓએ પોતાના છોડને પરિવારના સભ્યની જેમ સ્વીકારી તેને આશા, ઉમંગ, સંકલ્પ, પ્રગતિ, તેજસ્વી, પ્રેરણા, જ્ઞાનવૃક્ષ, સફળતા, મિત્ર છોડ અને મારો હરિત સાથી જેવા અર્થસભર નામ આપ્યા હતા.
શિક્ષકોના જણાવ્યા મુજબ બાળક જ્યારે કોઈ વસ્તુને નામ આપે છે ત્યારે તેની સાથે ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બને છે. આ જ વિચારને આધારે નામકરણની અનોખી પહેલ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીનીઓ માત્ર રોપા વાવીને ભૂલી ન જાય, પરંતુ તેની નિયમિત સંભાળ રાખે, તેની વૃદ્ધિ નિહાળે અને જીવનભર પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જાળવી રાખે. આ પહેલે કાર્યક્રમને માત્ર જાગૃતિ અભિયાન નહીં, પરંતુ સંસ્કાર અને સંવેદનાનો ઉત્સવ બનાવી દીધો.