Surat

સુરતમાં ગણેશોત્સવની જવાબદારી સંભાળતી મહિલાઓ : ગણેશ પૂજાથી મંડપની વ્યવસ્થામાં મહિલાઓ આગળ

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન મહિલાઓ અને બાળિકાઓની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. કતારગામમાં બાળિકાઓએ સામૂહિક સત્યનારાયણ કથામાં મુખ્ય પૂજક તરીકે સ્થાન લીધું. પાલનપોરમાં મહિલાઓએ આરતી, થાળ અને આગમન-વિસર્જન યાત્રાની જવાબદારી સંભાળી. નાનપુરામાં થીમ, 3D રંગોળી, પ્રસાદ અને ભીડ વ્યવસ્થાપનમાં મહિલાઓ સક્રિય છે. આ ઉત્સવમાં દિકરીઓને સમાન તક અને મહિલા સશક્તિકરણનો સંદેશ અપાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગણેશોત્સવની જવાબદારી સંભાળતી મહિલાઓ : ગણેશ પૂજાથી મંડપની વ્યવસ્થામાં મહિલાઓ આગળ

Surat Ganeshotsav : દેશ માટે મેડલ જીતતી દિકરીઓની જેમ સુરતના ગણેશોત્સવમાં પણ મહિલાઓ અને બાળિકાઓની આગેકૂચ જોવા મળી રહી છે. ગણેશ મંડપોમાં પૂજાના આસનથી માંડી આરતી, પ્રસાદ, સજાવટ અને ભીડ વ્યવસ્થા સુધી મહિલાઓ ખભેખભા મિલાવી જવાબદારી સંભાળી રહી છે. કતારગામમાં તો સામાન્ય રીતે દંપતી કે વડીલો પૂજામાં બેસતા હોય તેવી સત્યનારાયણની કથામાં બાળિકાઓને જ મુખ્ય સ્થાન આપી સામૂહિક પૂજા કરાવવામાં આવી હતી. પાલનપોરમાં મહિલાઓએ આરતી, થાળ અને આગમન-વિસર્જન યાત્રાની જવાબદારી સંભાળી છે, જ્યારે નાનપુરામાં થીમ, થ્રીડી રંગોળી, પ્રસાદથી માંડી ભીડ વ્યવસ્થામાં મહિલાઓ સક્રિય છે. ગણેશોત્સવમાં ધાર્મિક પરંપરા સાથે દિકરીઓને સમાન તક અને મહિલાઓની વધતી ભાગીદારીનો સંદેશો પણ આ પ્રયોગોમાં જોવા મળી રહ્યો છે.


7.jpg


કતારગામના દત્ત વિજય સોસાયટીમાં જય દેવા યુવક મંડળના ગણેશ મંડપમાં યોજાયેલી સત્યનારાયણની કથામાં પૂજાની મુખ્ય જવાબદારી બાળિકાઓને આપવામાં આવી હતી. સામાન્ય રીતે સત્યનારાયણની કથામાં દંપતી, પરિવારના વડીલો અથવા યુવાનો પૂજામાં બેસતા હોય છે. જોકે, આ મંડપમાં આ પરંપરાથી અલગ પ્રયોગ કરીને તમામ પૂજામાં બેસનાર તરીકે બાળિકાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. બાળિકાઓએ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિમાં ભાગ લીધો અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી હતી. ગણેશોત્સવના મંડપમાં બાળિકાઓને માત્ર દર્શનાર્થી કે સહભાગી તરીકે નહીં પરંતુ પૂજાની મુખ્ય ભૂમિકા આપવાનો આ પ્રયાસ ઉપસ્થિત ભક્તો માટે પણ નવીન બન્યો હતો. બાળિકાઓને ધાર્મિક વિધિમાં આગળ લાવી તેમને સમાન તક અને સન્માન આપવાનો સંદેશ આપવાનો પ્રયાસ આ આયોજનમાં જોવા મળ્યો હતો.

ખાસ કરીને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવી સામાજિક ભાવનાને ધાર્મિક આયોજન સાથે જોડીને દિકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવાનો સંદેશ પણ આ પ્રયોગમાંથી જોવા મળ્યો હતો.દરમિયાન, પાલનપોર વિસ્તારમાં આવેલી રાજહંસ ઓરેન્જ રહેણાંક સોસાયટીમાં પણ ગણેશોત્સવના આયોજનમાં મહિલાઓની ભૂમિકા નોંધપાત્ર બની છે. યંગસ્ટર્સ અને આગેવાનોની સાથે મહિલાઓ પણ ગણેશ ચતુર્થીથી વિસર્જન સુધીના સમગ્ર આયોજનમાં સક્રિય રીતે જોડાઈ છે. સવાર-સાંજની આરતી, ગણપતિ દાદાને થાળ ધરાવવાની વ્યવસ્થા તેમજ દાદાના હાર અને શણગારની જવાબદારી મહિલાઓએ ઉપાડી છે. માત્ર મંડપ પૂરતી જ નહીં, પરંતુ ગણેશજીની આગમન યાત્રા અને વિસર્જન યાત્રામાં પણ મહિલાઓની વિશેષ ભાગીદારી જોવા મળી રહી છે.

નાનપુરા સેઈલર ક્લબ વિસ્તારમાં નાનપુરા સેઈલર યુવક મંડળના યુવકોની સાથે મહિલાઓ પણ ગણેશોત્સવની તૈયારીથી માંડીને રોજિંદા આયોજનમાં સક્રિય રીતે જોડાઈ છે. મંડપની થીમ નક્કી કરવા અને શેરીની સજાવટથી માંડીને પૂજા તથા પ્રસાદની વ્યવસ્થા સુધી મહિલાઓ મહત્વની જવાબદારી સંભાળી રહી છે. ખાસ કરીને મંડપની થ્રીડી રંગોળી તૈયાર કરવામાં મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન રાત્રિના સમયે મંડપોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં નાનપુરામાં મહિલાઓ અને દિકરીઓ ભીડ વ્યવસ્થાપન અને ભીડને નિયંત્રિત કરવાની કામગીરીમાં પણ સક્રિય બની છે. એટલે કે ગણેશોત્સવમાં મહિલાઓની ભૂમિકા હવે માત્ર પૂજા કે પ્રસાદ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ આયોજન અને વ્યવસ્થાપનની મહત્વની જવાબદારી સુધી વિસ્તરી છે.

મંડપ પુરુષોએ તૈયાર કર્યો, આકર્ષક શણગારની જવાબદારી મહિલાઓએ ઉપાડી
કતારગામની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ગણેશોત્સવની તૈયારીમાં પુરુષો સાથે મહિલાઓની પણ મહત્વની ભૂમિકા જોવા મળી છે. ગણેશજીની સ્થાપના માટેનો મંડપ સોસાયટીના પુરુષ સભ્યોએ તૈયાર કર્યો હતો, પરંતુ બાપાની સ્થાપના પહેલાં મંડપને આકર્ષક રૂપ આપવાની જવાબદારી મહિલાઓએ સંભાળી હતી. મહિલાઓએ મંડપના ડેકોરેશનની કામગીરીમાં ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાની કલ્પનાશક્તિ અને કળાથી સમગ્ર મંડપને સુંદર રીતે શણગાર્યો હતો. મંડપની સજાવટ પૂર્ણ થયા બાદ ગણેશજીની સ્થાપના માટેનું સ્થળ વધુ આકર્ષક બની ગયું હતું. આમ, ગણેશોત્સવના આયોજનમાં મંડપ ઊભો કરવાની કામગીરી પુરુષોએ અને તેને શણગારવાની જવાબદારી મહિલાઓએ સંભાળી બંનેએ સાથે મળીને ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો. સોસાયટીમાં મહિલાઓ પણ આયોજનની મહત્વની જવાબદારી સંભાળી શકે છે તેવો સુંદર સંદેશ આ ગણેશોત્સવમાંથી જોવા મળ્યો છે.