VIDEO| સુરત: એરહોસ્ટેસ અને ક્લાસિકલ ડાન્સર માનસી બની ડ્રગ સપ્લાયર, પલસાણામાં ₹29 લાખના MD ડ્રગ્સ સાથે 2 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Palsana MD Drugs Seized News: સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પલસાણા તાલુકાના એના ગામ ટોલનાકા નજીકથી મહિલા અને તેના સાગરીતને આશરે ₹29.32 લાખની કિંમતના 977.61 ગ્રામ મેફેડ્રોન(MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે એક્સપ્રેસવે પર વોચ ગોઠવી અર્ટીગા ગાડી આંતરી
મળતી વિગતો અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સિલ્વર કલરની અર્ટીગા કારમાં એક મહિલા અમદાવાદ તરફથી ગેરકાયદે રીતે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો લઈને પલસાણાના એના ગામ થઈ મુંબઈ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGની સંયુક્ત ટીમે એના ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફિલ્ડીંગ ગોઠવી હતી. રાત્રિના સમયે શંકાસ્પદ અર્ટીગા કાર આવતાં જ પોલીસે તેને ઘેરી લીધી હતી અને કારમાં સવાર મહિલા તથા યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
મુંબઈના બે આરોપીઓની ધરપકડ, ₹29.87 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 977.61 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રોકડા ₹4,670, ₹50 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ ₹29,87,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીના નામ
- માનસી અબ્દુલ સૈયદ (ઉં.વ. 41, રહે. સરગમ, નાંદેડ સિટી, પુણે/હાલ રહે. કલીના, સાંતાક્રુઝ ઈસ્ટ, મુંબઈ)
- સોહેલ સુલેમાન શેખ (ઉં.વ. 20, રહે. કલીના, સાંતાક્રુઝ ઈસ્ટ, મુંબઈ)
વડોદરા રેલવે સ્ટેશનેથી મહિલા ડ્રગ્સ આપી ગઈ હતી
આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. માનસીએ કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સનો જથ્થો તેને વડોદરા રેલવે સ્ટેશન પાસે એક અજાણી મહિલા આપી ગઈ હતી. આ જથ્થો તે મુંબઈ ખાતે જુદા જુદા ડ્રગ પેડલરોને સપ્લાય કરવાની હતી. માનસી વર્ષ 2015થી એમ.ડી. ડ્રગ્સનું સેવન કરતી હતી અને ત્યારબાદ ધીમે ધીમે ડ્રગ્સના કાળા કારોબારમાં સંપૂર્ણપણે ધકેલાઈ ગઈ હતી.
બાળકોના ડાયપરમાં ડ્રગ્સ છુપાવતી
તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે કે, મુખ્ય આરોપી માનસી અગાઉ હાઈ પ્રોફાઈલ નાઈટ પાર્ટીઓમાં બે વર્ષ સુધી ડ્રગ્સ સપ્લાય કરતી હતી. પોલીસ કે એજન્સીઓને શંકા ન જાય તે માટે તે નાના બાળકોના ડાયપરમાં એમ.ડી. ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતી હોવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
આરોપી માનસીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી માનસીના પિતા એર ઈન્ડિયામાં સિનિયર ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હતા. માનસીનો ઉછેર અને ધોરણ-10 સુધીનો અભ્યાસ મુંબઈમાં એર ઈન્ડિયા કોલોનીમાં થયો હતો. માનસીએ ક્લાસિકલ ડાન્સની તાલીમ મેળવેલી છે. તેણે ભૂતકાળમાં "મલેશિયન એરલાઈન્સ"માં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં સ્ટેજ શો આર્ટિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. માનસી બેંગ્લોરમાં 8 વર્ષ રહી ચૂકી છે. તેમજ દુબઈ, સિંગાપોર, મસ્કત અને બહેરીન જેવા દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. માનસી સામે વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચમાં 100 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાતા NDPSનો ગુનો નોંધાયો હતો, જેમાં તેણે 4 વર્ષ જેલની હવા ખાધી હતી.
સમગ્ર મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરામાં ડ્રગ્સ આપનાર મહિલા કોણ હતી અને મુંબઈમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









