સુરત સિવિલના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લાનું વધુ એક કારનામું છતું, હોસ્પિટલના સાધનોનો ખાનગી ઉપયોગ કરતાં હોવાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Civil Hospital Dr Sumaiya Mulla Allegations: સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'ડૉ. મુલ્લા આખા ડિપાર્ટમેન્ટ અને સ્ટાફને પોતાની અંગત સંપત્તિ સમજતા હતા.'
સરકારી મશીનરી, કમ્પ્યુટર અને કીટની ચોરી
ભૂતપૂર્વ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, ડૉ. મુલ્લા પોતાની ખાનગી લેબ ચલાવવા માટે સિવિલ હોસ્પિટલના સાધનોનો બેફામ ઉપયોગ કરતા હતા,
રાત્રિના સમયે કીટની અદલાબદલી: ખાનગી લેબમાં સેમ્પલ ચેક કરવાની કીટ પૂરી થઈ જાય ત્યારે રાત્રે 9 વાગ્યે ડીન પાસેથી કોલેજની ચાવી લાવી, સિક્યુરિટી સાથે રૂમ ખોલી સિવિલમાંથી કીટ તેમની લેબ પર પહોંચાડવી પડતી હતી.
સાધનોની ચોરી: વરસાદની સિઝનમાં સિવિલમાં લેપ્ટોસ્પાયરોસિસના ટેસ્ટ માટે આવતા મોંઘા મશીન અને કમ્પ્યુટર સીઝન પૂરી થતાં જ પોતાની ખાનગી લેબમાં લઈ જતા, જ્યાં તેમના પતિ તેનો ઉપયોગ કરતા.
હલકી ગુણવત્તાની ખરીદી: તત્કાલીન સુપ્રિટેન્ડન્ટ સાથેના સંબંધોનો લાભ લઈ સરકારી ખર્ચે હલકી ગુણવત્તા ધરાવતી કંપનીઓની કીટ મંગાવીને નાણાકીય ગોલમાલ કરવામાં આવતી હતી.
PHD થીસીસ અને અંગત કામો માટે શારીરિક-માનસિક શોષણ
ડૉ. મુલ્લા પોતાના અંગત સ્વાર્થ માટે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હતા,
થીસીસ માટે સેમ્પલ કલેક્શન: ડૉ. મુલ્લાએ પોતાની PHD થીસીસ માટે એક પણ સેમ્પલ જાતે પ્રોસેસ કર્યું નહોતું. તેના માટે વિદ્યાર્થીઓને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લેપ્ટોસ્પાયરોસિસના સેમ્પલ ભેગા કરવા મોકલવામાં આવતા.
અંગત કામો અને ટિકિટો: વિદ્યાર્થીઓને બેંકના કામો સર કરવા તેમજ પાર્લે પોઇન્ટ રિઝર્વેશન સેન્ટર ખાતે ટિકિટ કઢાવવા માટે ચાર-ચાર કલાક લાઈનમાં ઊભા રાખવામાં આવતા હતા.
ખાતાનો દુરુપયોગ: બહારથી કે વિદેશથી આવતા નાણાં સ્ટાફ અને વિદ્યાર્થીઓના ખાતામાં મંગાવીને બાદમાં રોકડા ઉપડાવી લેવામાં આવતા હતા.
ડર, ધમકીઓ અને 'ટોક્સિક' માહોલ
ડિપાર્ટમેન્ટનું વાતાવરણ એટલું ભયજનક બનાવી દેવાયું હતું કે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ અનુભવતા હતા,
- વિદ્યાર્થીઓને વાત-વાતમાં "પૂરી જિંદગી ચલી જાયેગી, પાસ નહીં હોંગે" તેવી ધમકીઓ અપાતી.
- વિદ્યાર્થીઓ કે સ્ટાફની બધાની વચ્ચે જાહેરમાં બેઇજ્જતી કરીને પોતાનો અહમ સંતોષવામાં આવતો.
- હનુમાન ચાલીસા વગાડવા જેવી બાબતો પર પણ વાંધો ઉઠાવીને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
વારંવારની ફરિયાદો છતાં કડક પગલાં કેમ નહીં?
વર્ષ 2008થી લઈને 2016 અને ત્યારબાદ પણ ગાંધીનગર સુધી લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. 2016માં રચાયેલી તપાસ સમિતિ બાદ તેમને માત્ર એક અઠવાડિયા માટે જામનગર મૂકવામાં આવ્યા હતા. પરંતુ પરત આવ્યા બાદ તેમણે ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓ પર વધુ કડક તવાઈ બોલાવી હતી.
આ પણ વાંચો: ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે... જીજ્ઞેશ મેવાણીના આકરા પ્રહાર
અંતે કોઈ જ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ ચૂપચાપ પોતાનું ભણતર પૂરું કરીને નીકળી જવા મજબૂર બન્યા હતા. આટલા વર્ષોથી સતત ગંભીર ફરિયાદો થવા છતાં તેમની સામે કોઈ નક્કર એક્શન ન લેવાતાં, તેમની પાછળ કયા મોટા માથાંનું પીઠબળ કામ કરી રહ્યું છે તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.









