સુરતના પરવત પાટિયા BRTS જંક્શન પર બસ ચાલકની બેદરકારી : બસમાં ચઢી રહેલા વૃદ્ધ દરવાજામાં ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat BRTS : સુરત શહેરના પરવત પાટિયા BRTS જંક્શન પર રવિવારે મુસાફરોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. લાંબા સમયથી બસ ન આવતાં સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકત્ર થઈ હતી. આ દરમિયાન બસ આવતા મુસાફરો ઉતાવળમાં ચઢી રહ્યા હતા ત્યારે બસ ચાલકે તમામ મુસાફરો સુરક્ષિત રીતે ચડી જાય તેની રાહ જોયા વગર બસ આગળ હંકારી દીધી હોવાનો આક્ષેપ થયો છે.
આ ઘટનામાં એક વૃદ્ધ મુસાફરનો હાથ બસના દરવાજામાં ફસાઈ જતાં તેઓ થોડે અંતર સુધી ઘસડાયા હતા. બસ અચાનક શરૂ થતાં બસમાં ચઢી રહેલા અનેક મુસાફરોનું સંતુલન બગડ્યું અને કેટલાક મુસાફરો એકબીજા પર પડી ગયા હતા. ઘટનાના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે કેટલીક BRTS બસો વધુ ઝડપે ચલાવવામાં આવે છે અને અનેક વખત બસ સંપૂર્ણપણે ઉભી રહે તે પહેલાં જ દરવાજા ખોલી દેવામાં આવે છે અથવા બસ ચાલતી હોય ત્યારે પણ દરવાજા ખુલ્લા રહે છે. જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ BRTS તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. મુસાફરો અને સ્થાનિકોએ જવાબદાર બસ ચાલક સામે કડક કાર્યવાહી કરવાની, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની તેમજ BRTS સેવામાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માગ ઉઠતા સુરત મહાનગરપાલિકાએ ડ્રાઇવરને તાત્કાલિક ટર્મિનેટ કરી બ્લેક લિસ્ટ કરી દીધો છે જ્યારે એજન્સીને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે.









