સુરતમાં મુસાફરો ભરેલી BRTS બસ પેલનનું પતરું ચાલુ બસે લટકી પડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat BRTS : સુરતમાં મુસાફરોને લઈને દોડતી બીઆરટીએસ બસના પેનલનું પતરું ચાલુ બસે લટકી પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની બીઆરટીએસ બસોના મેન્ટેનન્સની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બસ દોડી રહી હતી ત્યારે પેનલનું પતરું છૂટીને લટકી પડતાં મુસાફરોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું. ટિકિટના પૈસા ચૂકવી મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા પ્રથમ જવાબદારી હોવા છતાં આવી ઘટના સામે આવતા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બીઆરટીએસ બસ રસ્તા પર દોડી રહી છે અને બસની સાઇડમાં આવેલા પેનલનું પતરું છૂટીને લટકતું જોવા મળે છે. ચાલુ બસમાં જ પેનલ નું પતરું આ રીતે બહાર આવી જતાં બસની નજીકથી પસાર થતા વાહન ચાલકો તેમજ બસમાં બેઠેલા મુસાફરો માટે પણ જોખમ ઉભું થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી હતી. બસમાં મુસાફરો ભરેલા હોવા છતાં પેનલની આવી હાલત સામે આવતાં બસોની નિયમિત ચકાસણી અને મેન્ટેનન્સ કામગીરી કેટલી ગંભીરતાથી કરવામાં આવે છે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ અંગે પાલિકા તંત્રના જણાવ્યા મુજબ વાયરલ થયેલા વીડિયો ત્રણ દિવસ જૂનો છે. બસના પેનલમાંથી એક સ્ક્રુ નીકળી જવાના કારણે પતરું લટકી પડ્યું હતું અને આ બાબત ધ્યાન પર આવતા તેને તાત્કાલિક ફિટ કરી દેવામાં આવ્યું હતું.
જોકે, પાલિકાના આ ખુલાસા બાદ પણ સવાલ એ ઊભો થાય છે કે મુસાફરોને લઈને સતત રસ્તા પર દોડતી બસના પેનલનો એક સ્ક્રુ પણ જો યોગ્ય રીતે ફિટ ન રહી શકે તો બસના મેન્ટેનન્સની કામગીરી કેવી રીતે અને કેટલી નિયમિત રીતે કરવામાં આવે છે? બીઆરટીએસ બસોનું દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આવી બસના મેન્ટેનન્સમાં નાની ખામી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને બસની બોડીના પેનલ, દરવાજા, કાચ, સીટ સહિતના તમામ ભાગોની નિયમિત ચકાસણી જરૂરી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ ચાલુ બસમાં પેનલનું પતરું લટકી પડવાની ઘટના ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તંત્ર માટે ચેતવણી સમાન બની છે. મુસાફરો ટિકિટના પૈસા ચૂકવી ને સલામત અને સુવિધાયુક્ત મુસાફરીની અપેક્ષા રાખે છે. ત્યારે માત્ર એક સ્ક્રુ નીકળી જવાને સામાન્ય ખામી ગણવાને બદલે આવી ખામી કેમ ઊભી થઈ અને બસ રસ્તા પર દોડતા પહેલાં તેની ચકાસણી કેમ ન થઈ તે અંગે જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. વાઈરલ વીડિયોએ બીઆરટીએસ બસોના મેન્ટેનન્સની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં લાવી દીધી છે.









