ઈગ્લુ, પેંગ્વિન અને બરફ વર્ષા વચ્ચે બિરાજ્યા 'બાપ્પા' : ગણેશોત્સવમાં ‘સ્નો સિટી’ ગણેશ પંડાલમાં સુરતીઓને સ્વિત્ઝર્લેન્ડનો અહેસાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganeshotsav : ગત વર્ષે નાનપુરામાં ગણેશ પંડાલમાં કૅન્ડી લેન્ડ ઊભું કરીને લોકોનું ધ્યાન ખેંચનારા આયોજકોએ આ વર્ષે બાપ્પાના દર્શન માટે આવતા ભક્તોને સીધા બરફીલા વાતાવરણનો અનુભવ કરાવવાની તૈયારી કરી છે. 25 વર્ષ પૂર્ણ કરી 26માં વર્ષમાં પ્રવેશેલા આયોજકોએ છ મહિનાની મહેનત બાદ નાનપુરામાં ‘સ્નો સિટી’ તૈયાર કર્યું છે. ઈગ્લુ, પેંગ્વિન, આઈસમેન, બરફમાં જોવા મળતા પ્રાણીઓ અને લેક સહિતની સજાવટ વચ્ચે બાપ્પા બિરાજ્યા છે.
પંડાલમાં સ્નો મશીનથી કૃત્રિમ બરફવર્ષા કરવામાં આવે છે, જ્યારે આઠ એસીના કારણે અંદર ઠંડકનો અનુભવ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા વાતાવરણની થીમ પર તૈયાર કરાયેલું આ પંડાલ ગણેશોત્સવમાં લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નાનપુરામાં બહુમાળી પાછળ સેલર ક્લબના પાછળના ભાગે તૈયાર કરવામાં આવેલા આ પંડાલમાં પ્રવેશતા જ મુલાકાતીઓને બર્ફીલા પ્રદેશ જેવું વાતાવરણ જોવા મળે છે. પંડાલની અંદર ઈગ્લુ, પેંગ્વિન, આઈસમેન, બરફમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને લેક તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઉપરથી કૃત્રિમ બરફવર્ષા થાય તે રીતે સ્નો મશીન મૂકવામાં આવ્યું છે, જેના કારણે થોડા સમય માટે સુરતમાં જ સ્વિત્ઝર્લેન્ડના બરફીલા વાતાવરણનો અનુભવ થાય છે.
આ અંગે સેલર બાલ ગણેશ મંડળના આયોજક રવિ સારંગ અને મિતેશ સારંગે જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં દર વર્ષે કંઈક અલગ અને નવી થીમ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે સ્વિત્ઝર્લેન્ડના સ્નો સિટીની થીમ પસંદ કરવામાં આવી હતી. તેની તૈયારી લગભગ છ મહિના અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. પંડાલની સજાવટ અને બરફીલા વાતાવરણને વાસ્તવિક અનુભવ મળે તે માટે છેલ્લા 20 દિવસથી ખાસ તૈયારી કરવામાં આવી હતી. આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે, પંડાલમાં ઠંડક જળવાઈ રહે તે માટે કુલ આઠ એસી લગાવવામાં આવ્યા છે. સાથે સ્નો મશીનની મદદથી કૃત્રિમ બરફવર્ષા કરવામાં આવે છે. ઈગ્લુ, પેંગ્વિન અને આઈસમેન સહિતની રચનાઓ ઉપરાંત લેક અને બરફમાં જોવા મળતાં પ્રાણીઓ પણ થીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. જેથી ગણેશજીના દર્શન કરવા આવતા લોકો માટે માત્ર ધાર્મિક દર્શન નહીં પરંતુ એક અલગ પ્રકારનો અનુભવ પણ બની રહે. આ વર્ષે આયોજક મંડળે ગણેશોત્સવના 25 વર્ષ પૂર્ણ કરી 26 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્ષોથી ગણેશોત્સવમાં નવીન થીમ રજૂ કરીને પંડાલને આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગત વર્ષે કૅન્ડી લેન્ડની થીમ તૈયાર કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે કૅન્ડી લેન્ડથી આગળ વધીને સ્નો સિટી ઊભું કરવામાં આવ્યું છે.
મહાદેવના અવતારમાં બિરાજ્યા ગણપતિ
નાનપુરાના સેલર બાલ ગણેશ મંડળે આ વર્ષે સ્નો સિટી થીમ સાથે ગણેશજીની પ્રતિમા પણ અનોખા સ્વરૂપમાં તૈયાર કરાવી છે. મંડળ દ્વારા ગણપતિ બાપ્પાને મહાદેવના અવતારના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. ગણપતિના સ્વરૂપમાં મહાદેવની ઝલક જોવા મળે તે રીતે જટા, માથે ચંદ્ર અને ગળામાં નાગ સહિતની વિશેષતા સાથે પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.




