સુરત પાલિકાની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાના પ્રથમ દિવસે જ પ્રેક્ષકોની ફરિયાદ : બેઠક વધારવાની લહાયમાં વૃદ્ધો અને બાળકોને અગવડ વેઠવાનો વારો આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 70 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નાટ્યગૃહમાં પાલિકાની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાના પ્રથમ જ દિવસે બેઠક વ્યવસ્થાની ખામી સામે આવી છે. 884 બેઠકના અદ્યતન નાટ્યગૃહમાં વધુમાં વધુ પ્રેક્ષકોને સમાવી શકાય તે માટે બે રો વચ્ચેનું અંતર ઓછું રાખવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. પરિણામે પ્રેક્ષકોને પોતાની બેઠક સુધી પહોંચવા, બેસવા-ઊઠવા અને કાર્યક્રમ દરમિયાન બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. કોઈ પ્રેક્ષક વચ્ચે બહાર જાય કે મોડો આવે તો તેની અવરજવર માટે આખી રોના દર્શકોએ ઊભા થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક તકલીફ ધરાવતા દર્શકો માટે ઓછી જગ્યા વધુ મુશ્કેલી રૂપ બની હતી.
નાટ્યગૃહ અદ્યતન બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પ્રથમ જ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાને લઈને ફરિયાદ ઉઠતા પ્રેક્ષકોની સુવિધા કરતાં બેઠક ક્ષમતા વધારવાને પ્રાધાન્ય અપાયું હોવાની ચર્ચા શરૂ થઈ છે. રવિવારથી કતારગામ ઝોનના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નાટ્યગૃહમાં પાલિકાની 52મી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ‘વિલન’ નાટક ભજવાયું હતું, પરંતુ નાટકની સાથે જ નાટ્યગૃહ ની બેઠક વ્યવસ્થામાં બે રો વચ્ચેનું ઓછું અંતર પણ પ્રેક્ષકો માટે ‘વિલન’ સાબિત થયું હતું. નાટક જોવા આવેલા પ્રેક્ષકોને પોતાની બેઠક સુધી પહોંચવા તેમજ બેઠક પરથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને વચ્ચેની બેઠક પર બેઠેલા દર્શકોને બહાર જવું હોય ત્યારે અન્ય પ્રેક્ષકોને ઊભા થવું પડતું હોવાથી અવરજવર દરમિયાન અગવડની સ્થિતિ સર્જાઈ હતી.
નાટક દરમિયાન કોઈ દર્શક મોડો આવે અથવા વચ્ચે બહાર જવાની જરૂર પડે ત્યારે પણ તેની અવરજવરથી સમગ્ર રોમાં બેઠેલા દર્શકોને તકલીફ પડતી હતી. પોતાની બેઠક સુધી પહોંચવા માટે એક પછી એક દર્શકની સામે થઈને પસાર થવું પડતું હોવાથી બેઠક વ્યવસ્થા આરામદાયક ન હોવાની ફરિયાદ પ્રેક્ષકોએ કરી હતી. નાટક જેવી શાંતિપૂર્ણ રીતે જોવાની પ્રવૃત્તિ દરમિયાન વારંવાર થતી અવરજવરથી અન્ય દર્શકોનું ધ્યાન પણ ભંગ થતું હોવાની રજૂઆત થઈ હતી. બે રો વચ્ચેની જગ્યા ઓછી હોવાથી લાંબા સમય સુધી બેસ્યા બાદ ઊભા થવામાં પણ કેટલાક દર્શકોને મુશ્કેલી પડી હતી. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે પગ આગળ રાખવા તથા બેઠકમાંથી સરળતાથી બહાર નીકળવા પૂરતી જગ્યા ન હોવાની ફરિયાદ સાંભળવા મળી હતી. શારીરિક તકલીફ ધરાવતા પ્રેક્ષકો માટે આવી વ્યવસ્થા વધુ અગવડરૂપ બની શકે તેવી ચર્ચા પણ જોવા મળી હતી. કતારગામમાં લાંબા સમયથી નાટ્યગૃહની માંગણી બાદ પાલિકાએ 70.68 કરોડના ખર્ચે 884 બેઠકની ક્ષમતા ધરાવતું અદ્યતન નાટ્યગૃહ તૈયાર કર્યું છે.
પ્રથમ વખત મોટી સંખ્યામાં પ્રેક્ષકો એકસાથે બેઠા ત્યારે બેઠક વ્યવસ્થાની મર્યાદા સામે આવી હોવાની પ્રેક્ષકોમાં ચર્ચા છે. પ્રેક્ષકોનું કહેવું છે કે નાટ્યગૃહમાં બેઠકની સંખ્યા મહત્વની છે, પરંતુ દરેક દર્શક પોતાની બેઠક સુધી સરળતાથી પહોંચી શકે અને કાર્યક્રમ દરમિયાન અનાવશ્યક અવરજવર ન થાય તે માટે પૂરતી જગ્યા પણ એટલી જ જરૂરી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન નાટ્યગૃહમાં નાટ્યપ્રેમીઓને સારો અનુભવ મળે તે માટે બેઠક વ્યવસ્થાની આ ફરિયાદ અંગે પાલિકા તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવે અને શક્ય હોય ત્યાં વ્યવહારુ સુધારા કરવામાં આવે તેવી અપેક્ષા પ્રેક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.
રો વચ્ચેનુ ઓછું અંતર, કટોકટીમાં બહાર નીકળવાની વ્યવસ્થા સામે સવાલો
કતારગામ નાટ્યગૃહમાં બે રો વચ્ચેની જગ્યા ઓછી હોવાની ફરિયાદ માત્ર સામાન્ય અવરજવર પૂરતી મર્યાદિત નથી. કોઈ કટોકટીની સ્થિતિમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોને એક સાથે બહાર નીકળવાની જરૂર પડે ત્યારે દરેક વ્યક્તિને ઝડપથી બહાર નીકળવા માટે માર્ગમાં પૂરતી જગ્યા અને સરળ અવરજવર મહત્વની બને છે. હાલની બેઠક વ્યવસ્થાને લઈને પ્રેક્ષકોની ફરિયાદ મુખ્યત્વે પોતાની બેઠક સુધી પહોંચવા, બેસવા-ઊઠવા અને કાર્યક્રમ દરમિયાન બહાર નીકળવામાં પડતી અગવડ અંગે છે. બે રો વચ્ચેનું અંતર કોઈ નિર્ધારિત સલામતી ધોરણ કરતાં ઓછું છે કે નહીં તે અંગે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં જ અવરજવરમાં મુશ્કેલી અનુભવાતી હોવાથી બેઠક વ્યવસ્થાની વ્યવહારુ સમીક્ષા કરવાની જરૂરિયાત ચોક્કસપણે સામે આવી છે.




