વરસાદ-ખાડીના પાણી એ સુરતને ફરી બાનમાં લીધું, લિંબાયત ઝોન કચેરી સુધી પહોંચ્યા ખાડીના પાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરે ગુરુવારે વધુ એક વખત જનજીવનને બાનમાં લીધું હતું. શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે લિંબાયત ઝોન કચેરી સુધી ખાડીના પાણી પહોંચી જતાં સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ હતી. સુરત-કડોદરા મુખ્ય માર્ગ સહિત પર્વત પાટિયા, ગોડાદરા, પુણા, સીમાડા, ડીંડોલી, પાંડેસરા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને ત્રણ ફૂટ સુધી પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. નોકરી-ધંધે જવા નીકળેલા હજારો લોકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદી અને ખાડીના પાણી ઘરો તથા દુકાનોમાં ઘૂસી જતાં લોકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. શહેરમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિને પગલે જનજીવન લગભગ ઠપ્પ થઈ ગયું હતું અને આગામી કલાકોમાં પણ સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લામાં સતત વરસાદથી ખાડીનું લેવલ સતત વધી રહ્યું છે અને આ ખાડીના પાણી રસ્તા સાથે સાથે લિંબાયત ઝોન આસપાસ પણ ખાડીના પૂરનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. સરકારી કચેરીની આસપાસ પાણી ભરાઈ જતાં સામાન્ય લોકો તેમજ કર્મચારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત સુરત-કડોદરાને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. પર્વત પાટિયા, પર્વત ગામ, ગોડાદરા, પુણા ગામ, પુણા બોમ્બે માર્કેટ, સીમાડા, મહાવીર ચોક, લક્ષ્મણ નગર સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ટ્રાફિકથી ધમધમતા પુણા ગામ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી અને લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાંડેસરા-સચિન રોડ પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો હતો. અનેક દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. ભારે વાહનો પણ ધીમી ગતિએ પસાર થતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ડીંડોલી વિસ્તારમાં ખાડીના પૂરનું પાણી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયું હતું. ઉમિયા માતા મંદિર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ઘરો સુધી ઘૂસી જતાં લોકો ઘરવખરી બચાવવા માટે દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ખાડીની સપાટી વધતાં થોડી જ વારમાં પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું. છાપરાભાઠાના ન્યૂ કતારગામ વિસ્તારમાં પણ રસ્તા પર એટલો ભારે પાણીનો ભરાવો થયો હતો કે જાણે નહેર વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. લોકો માટે ચાલીને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું. અનેક સ્થળોએ વરસાદી પાણી અને ગટરનું પાણી એકસાથે ભરાતાં દુર્ગંધ અને ગંદકીની સમસ્યા પણ ઊભી થઈ હતી. વરસાદ અને ખાડીના પૂરની સંયુક્ત અસરથી શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ અને રહેવાસીઓને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો સતત પાણીનું સ્તર વધતું જોઈ ઘરવખરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરતા જોવા મળ્યા હતા. શહેરમાં વરસાદ યથાવત્ રહેતા અને ખાડીઓની સપાટી સતત ઊંચી રહેતાં તંત્ર પણ ઍલર્ટ મોડ પર છે. હવામાનની સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો આગામી કલાકમાં વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગુરુવારે સર્જાયેલા દૃશ્યોએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું કે ભારે વરસાદ અને ખાડી પૂર સામે શહેરમાં જનજીવન હજુ પણ અત્યંત સંવેદનશીલ છે.
વીઆઇપી રોડ અને અલથાણમાં પણ વરસાદી પાણીનો ભરાવો
મેટ્રો મોલ આસપાસ સહિત અઠવા ઝોનના અનેક માર્ગો પાણીમાં ગરકાવ; વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી
ભારે વરસાદની અસર માત્ર નીચાણવાળા વિસ્તારો સુધી મર્યાદિત રહી નહોતી. સુરતના અઠવા ઝોનમાં આવેલા વીઆઈપી રોડ, અલથાણ મેટ્રો મોલ આસપાસ તેમજ અન્ય મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વીઆઈપી રોડ પર અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અલથાણ મેટ્રો મોલ આસપાસ પણ રસ્તા પર પાણી ભરાતાં ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
ગઈકાલથી આજ સવાર સુધીમાં 2,200થી વધુ લોકોનું સ્થળાંતર
સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરને પગલે પાલિકા તંત્ર દ્વારા ગઈકાલથી ગુરુવાર સવાર સુધીમાં 2,200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાડી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોના જીવની સલામતીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખાસ કરીને ડીંડોલી, ગોડાદરા, લીંબાયત, પર્વત પાટિયા, પાંડેસરા, સીમાડા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને રાહત કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરની કામગીરી દરમિયાન ફાયર વિભાગ, એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), પોલીસ અને પાલિકાની વિવિધ ટીમો સતત કાર્યરત રહી હતી. ખાડીના પાણીનું સ્તર સતત ઊંચું રહેતાં તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂર પડ્યે તાત્કાલિક સ્થળાંતર માટે તૈયાર રહેવા અપીલ કરી છે.









