VIDEO | સુરતના અમરોલીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી-પથ્થરમારો: 7થી વધુ ઈજાગ્રસ્ત, 5ની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Amroli Group Clash: સુરતના અમરોલી વિસ્તારમાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જૂની અદાવત અને મકાન પચાવી પાડવાના વિવાદ મામલે અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં ઘૂસીને મારામારી અને પથ્થરમારો કરતાં સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. પાવડા, ધોકા અને પથ્થરો વડે માથાભારે શખસોએ સોસાયટીમાં પ્રવેસી ધમાલ મચાવતા 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને 5 આરોપીની અટકાયત કરી છે.
સુરતના અમરોલીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી-પથ્થમારો
અમરોલીના જૂના કોસાડ રોડ પર આવેલી મનીષા સોસાયટીમાં રહેતા સંજય વરિયાએ નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, ગત રવિવારે રાત્રે 10 વાગ્યે ફરિયાદીની સોસાયટીમાં ઘાતકી હથિયાર સાથે આવેલા 12 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં ફરિયાદીના પરિવાર પર ટોળાએ જીવલેણ હુમલો કરતા ફરિયાદ સહિત 7 સભ્યો લોહીલુહાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જૂની અદાવતમાં પાવડા-ધોકા વાળી
ફરિયાદી સંજય વરિયાના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં રહેતા ધીરુ મોહન રબારી, આર્યન ધરમશી રબારી, વિશાલ સાહર રબારી, રાહુલ અમૃત રબારી, અંકિત અમૃત રબારી, લાલુ ધીરુ રબારી, રિંકલ ધીરુ રબારી, રુશિલ સાહર રબારી, રોહિત અમૃત રબારી સહિત 12 જેટલાં લોકો દ્વારા પાવડા, ધોકા અને પથ્થરમારો કરીને ઘાતકી હુમલો કર્યો હતો. અગાઉ ભાડૂઆત રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને આ શખસોએ ઘટનાને અંજામ આપ્યું. સમગ્ર મામલે ફરિયાદીએ સુરત શહેર પોલીસ કમિશનર અને રાજ્યગૃહ મંત્રીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
પાંચની અટકાયત
બીજી તરફ, સામે પક્ષ આર્યન રબારીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત સંજય વરિયા સહિત 6 લોકોના નામ છે. આ દરમિયાન જૂથ અથડામણનો વીડિયો વાઈરલ થયો છે, ત્યારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે રાયોટિંગની ગુનો નોંધીને રવિ પાંડવ, વિજય પ્રજાપતિ, ચિરાગ કળસરિયા, વિશાલ રબારી, ધર્મેશ પ્રજાપતિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




