જળસંચયની વાતો વચ્ચે સુરત પાલિકાના પાણી વિભાગની બહાર જ પીવાનો પાણીનો વેડફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકા વરસાદના એક-એક ટીપાને ભૂગર્ભમાં ઉતારી જળસ્તર વધારવા માટે ‘કેચ ધ રેન’ અભિયાન ચલાવી રહી છે, પરંતુ તેના જ પાણી વિભાગના નાક નીચે પીવાનું પાણી કલાકો સુધી જાહેર રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું છે. જળસંચય માટે કરોડોની કવાયત વચ્ચે પીવાના પાણીના બગાડ અને ખુલ્લી ચેમ્બરોમાંથી પાણી ભરાઈને લઈ જવાની આ સ્થિતિ પાલિકાની જળવ્યવસ્થાની ગંભીર બેદરકારી છતી કરે છે.
પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં બોટનિકલ ગાર્ડન સામે ઉગત ગામ તરફ પાલિકાના પાણી વિભાગનું કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રના મુખ્ય દરવાજાની બહાર જાહેર રસ્તા પર પીવાના પાણીની લાઇનો માટે અનેક ચેમ્બરો બનાવવામાં આવી છે. સ્થાનિકોની ફરિયાદ મુજબ આ ચેમ્બરોની અંદરની પાઇપલાઇનોમાંથી લાંબા સમયથી પાણી લીકેજ થઈ રહ્યું છે. બપોરના સમયથી શરૂ થતો પાણીનો વેડફાટ ઘણી વખત મોડી રાત સુધી ચાલુ રહે છે. ચેમ્બરોના ઢાંકણાં પણ યોગ્ય રીતે બંધ કરવામાં આવતા નથી અને ખુલ્લાં જ રહેતા હોવાના કારણે પાણી બહાર વહીને જાહેર રસ્તા પર ફેલાય છે. પાણીનો આ વેડફાટ માત્ર રસ્તા સુધી મર્યાદિત રહેતો નથી. બોટનિકલ ગાર્ડન પાસે ઉભી રહેતી ટ્રાવેલ્સના વાહનો ધોવા માટે પણ આ પાણીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ છે.
બીજી તરફ ખાનગી ટ્રેક્ટરો દ્વારા ખુલ્લી ચેમ્બરોમાંથી ડોલે-ડોલે પાણી ભરી પ્લાસ્ટિકના મોટા પાત્રોમાં સંગ્રહ કરીને લઈ જવાતું હોવાની પણ સ્થિતિ જોવા મળે છે. પાલિકાની પાણીની ચેમ્બર પીવાના પાણીના બિનઅધિકૃત ભરાણનું સ્થળ બની ગઈ હોવા છતાં લાંબા સમયથી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. દરરોજ કેટલું પાણી વેડફાઈ રહ્યું છે તેનો ચોક્કસ હિસાબ ન હોય, પરંતુ કલાકો સુધી સતત લીકેજ રહેતું હોવાથી મોટી માત્રામાં પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. એક તરફ શહેરમાં પાણીના સંગ્રહ અને બચત માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાની જ મિલકતની બહાર પાણીનો આ રીતે બગાડ થવો ગંભીર બાબત છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો સંચય વધારવા અને ભૂગર્ભ જળસ્તર સુધારવા માટે વોટર હાર્વેસ્ટિંગની નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત પાલિકાની મિલકતોમાં પ્રાયોરિટી ધોરણે બોર બનાવી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પાણીની દરેક બુંદ બચાવવાની આ નીતિ વચ્ચે પીવાનું પાણી જ જાહેર રસ્તા પર વેડફાઈ રહ્યું છે તે સ્થિતિ તંત્ર માટે વિરોધાભાસરૂપ છે. જહાંગીરપુરાની આ ચેમ્બરોની પાઇપલાઇનનું લીકેજ તાત્કાલિક દૂર કરી ચેમ્બરોને કાયમી ધોરણે યોગ્ય રીતે બંધ કરવામાં આવે અને તેમાંથી પાણી ભરતા લોકોને અટકાવવામાં આવે તો પાણીનો મોટો બગાડ અટકાવી શકાય તેમ છે. ખાસ કરીને સાંજના સમયે સર્જાતી આ સ્થિતિનું પાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.




