Surat

વડા પ્રધાનની ઈંધણ બચાવવાનો અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી પોતાના વતન જલગાંવના કડમસર ગામે પાલિકાની સરકારી ગાડી અને સાયરન સાથે પહોંચતા વિવાદ સર્જાયો છે. ગામના મંદિર કાર્યક્રમમાં 300 કિલોમીટર દૂર સરકારી વાહનનો ઉપયોગ અને ભપકાદાર એન્ટ્રીનો વીડિયો વાયરલ થતાં સવાલો ઉઠ્યા છે. જોકે, ડેપ્યુટી મેયરે નિયમોનું પાલન કરી, મેયર અને ફાયર વિભાગને જાણ કરી જરૂરી ચાર્જ ભરપાઈ કર્યાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડા પ્રધાનની ઈંધણ બચાવવાનો અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'

Surat News : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને ઈંધણ બચાવવા અને કરકસર કરવા અપીલ કરી રહ્યા છે, ત્યારે સુરત પાલિકાના ડેપ્યુટી મેયરના વતન પ્રવાસમાં પાલિકાની સરકારી ગાડીના ઉપયોગે સવાલો ઊભા કર્યા છે. જલગાંવના એક ગામમાં પહોંચતા જ પાલિકાની ગાડીનું સાયરન ગુંજી ઊઠ્યું હતું અને સાયરન સાથે થયેલી આ ભપકાદાર એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રજાના પૈસે સરકારી વાહનના ઉપયોગને લઈને ચર્ચા શરૂ થઈ છે.
સુરતથી અંદાજે 300 કિલોમીટર દૂર આવેલા વતન સુધી પાલિકાની ગાડી લઈ જવામાં આવી હતી. ગામના મંદિરના કાર્યક્રમમાં પહોંચેલા ડેપ્યુટી મેયરનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સરકારી ગાડી અને સાયરન સાથેની એન્ટ્રીનો વીડિયો સામે આવ્યા બાદ પાલિકાના વાહનનો ઉપયોગ કેટલો યોગ્ય અને તેનો ખર્ચ કોના માથે પડ્યો તે મુદ્દે સવાલો ઉઠ્યા છે. 
સુરત પાલિકાના વોર્ડ નં.27 ડિંડોલી-દક્ષિણના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર સુધાકર લોટનભાઈ ચૌધરી તાજેતરમાં પોતાના વતન જલગાંવ જિલ્લાના અમલનેર તાલુકાના કડમસર ગામે પહોંચ્યા હતા. ગામના મંદિર ખાતે યોજાયેલા એક દિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ડેપ્યુટી મેયરની એન્ટ્રી સામાન્ય રીતે થતી મુલાકાત કરતાં અલગ રહી હતી. પાલિકાની ગાડીમાં પહોંચેલા ડેપ્યુટી મેયરની ગાડી ગામમાં પ્રવેશતા જ સાયરન ગુંજી ઊઠ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી વાહનના ઉપયોગને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સુરતથી અંદાજે 300 કિલોમીટર દૂર આવેલા કડમસર ગામ સુધી પાલિકાની ગાડી લઈ જવામાં આવી હતી. ગામમાં પ્રવેશથી લઈને મંદિર ખાતે પહોંચવા સુધી સરકારી ગાડીનો ઉપયોગ થયો હતો.
ડેપ્યુટી મેયર મંદિર ખાતે પહોંચ્યા બાદ મહાદેવના દર્શન કર્યા હતા અને ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. જોકે, આ ધાર્મિક કાર્યક્રમ કરતાં સરકારી ગાડી અને તેના સાયરન સાથેની એન્ટ્રી વધુ ચર્ચામાં આવી છે. ખાસ કરીને સરકારી વાહનનો ઉપયોગ માત્ર સરકારી કામગીરી માટે થયો કે વતનના વ્યક્તિગત કાર્યક્રમ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો તે મુદ્દે સવાલો ઉઠ્યા છે. પ્રજાના નાણાંથી ચાલતી પાલિકાની ગાડીનો 300 કિલોમીટર દૂર આવેલા વતન સુધીના પ્રવાસમાં ઉપયોગ અને ગામમાં સાયરન સાથેની એન્ટ્રીના વીડિયો સામે આવ્યા બાદ પાલિકાના વાહનના ઉપયોગ અંગે ચર્ચા તેજ બની છે. સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે ઈંધણ, વાહનના સંચાલન અને અન્ય ખર્ચનો હિસાબ પણ સ્વાભાવિક રીતે ચર્ચામાં આવ્યો છે.
બીજી તરફ, સમગ્ર મામલે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ નિયમોનું પાલન કર્યું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ડેપ્યુટી મેયર તરીકે સરકારી ગાડીનો ઉપયોગ કરવા માટેની નીતિ-નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંગે મેયર તેમજ પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને જરૂરી ચાર્જની ભરપાઈ પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.જોકે, નિયમ મુજબ ચાર્જ ભરપાઈ કરવામાં આવ્યો હોવાના દાવા વચ્ચે પણ સરકારી ગાડીના વતન પ્રવાસ અને ખાસ કરીને સાયરન સાથેની એન્ટ્રીનો મુદ્દો યથાવત્છે . પાલિકાના વાહનનો ઉપયોગ કયા નિયમ હેઠળ કરવામાં આવ્યો, કયા હેતુ માટે મંજૂરી આપવામાં આવી અને ભરપાઈ કરાયેલો ચાર્જ કેટલો છે તે અંગે સ્પષ્ટતા સામે આવે તો સમગ્ર મામલો વધુ સ્પષ્ટ બની શકે છે. હાલ તો કડમસર ગામમાં સાયરન સાથે સરકારી ગાડીની એન્ટ્રીનો વીડિયો જલગાંવથી લઈને સુરત સુધી ચર્ચાનો વિષય બન્યો છે.