સુરતમાં 75 લાખ વૃક્ષો વાવવાની વાતો વચ્ચે જાહેરાતના બોર્ડ અને બિલ્ડરો માટે વૃક્ષો કપાતા હોવાના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે, 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી કરી રહી છે અને મિયાવાકી ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટને વેગ આપી હરિયાળી વધારવાના મોટા દાવા કરી રહી છે. બીજી તરફ શહેરમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
ગાર્ડન વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતના કારણે રાત્રિના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં ગ્રીન કવર વધે અને પર્યાવરણનું જતન થાય તે માટે સુરત રપાલિકાએ સ્થાયી સમિતિ સમક્ષ હરિયાળી વધારતા ત્રણ મહત્વની દરખાસ્ત મંજુર કરી છે. તેમાં શહેરભરમાં પાંચ ફૂટ ઊંચાઈના 50 હજાર રોપાની ખરીદી, ખુલ્લા પ્લોટમાં મોટા પાયે વૃક્ષારોપણ અને ભાઠા લેક ગાર્ડનમાં મિયાવાકી પદ્ધતિથી ઘન વન ઊભું કરવાનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે પણ નિર્ણય કરાયો છે.
શહેરવ્યાપી વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે પાંચ ફૂટ ઊંચાઈના 50 હજાર રોપા માટે કવાયત થઈ રહી છે અને તેના માટે 22 લાખથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. તેની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. રાંદેર ઝોન વિસ્તારમાં પુર્વ કોર્પોરેટર ઉષા પટેલે ગાર્ડન વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ ગંભીર ફરિયાદ કરતા કહ્યું છે કે, રાંદેર ઝોનમાં ગૌરવ પથ સહિત અનેક સ્થળોએ જાહેરાતના બોર્ડ લગાવવા માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. વિનસ એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ સ્પષ્ટ દેખાય તે માટે રસ્તા કિનારે આવેલા પરિપક્વ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પાલ કબ્રસ્તાનની બાજુમાં ચાલી રહેલા એક બિલ્ડરના પ્રોજેક્ટમાં પણ રાત્રીના સમયે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.
તેઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે, શહેરમાં વૃક્ષો કાપવાની મંજૂરી કોણ આપે છે, કયા નિયમોના આધારે મંજૂરી આપવામાં આવે છે અને તેની દેખરેખ કોણ રાખે છે? સમગ્ર મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરાવી વૃક્ષો કાપવા માટે આપવામાં આવેલી મંજૂરીઓની સમીક્ષા કરવામાં આવે તેમજ ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને જવાબદાર લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે જેથી ભવિષ્યમાં ગેરકાયદે વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય.
શહેરમાં 'વૃક્ષ વાવો, હરિયાળી લાવો' અને 'એક પેડ મા કે નામ' જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જો વર્ષો જૂના પરિપક્વ વૃક્ષો જ બચાવી શકાતા ન હોય તો આવા અભિયાનનો હેતુ અધૂરો રહી જાય છે.









