Surat

ખાડી પૂર નિવારવા મુખ્યમંત્રીની 500 કરોડની જાહેરાત બાદ: સુરતના ખાડીપૂર માટે સરકારે રાજ્ય અને શહેર સ્તરે બે કમિટીઓનું કર્યું ગઠન

By GS Team
25 Jul 20264 mins read
TukuTouch Logo
સુરતમાં ખાડીપૂરના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે રૂ. 500 કરોડની સહાય જાહેર કરી બે કમિટી બનાવી છે. જોકે, આ કમિટીની યાદીમાં 8 મહિના પહેલા નિવૃત્ત થયેલા સિટી એન્જિનિયરનું નામ હોવાથી સરકારી બેદરકારી છતી થઈ છે. હાલના ઇન્ચાર્જ સિટી એન્જિનિયરને પણ એડિશનલ સિટી એન્જિનિયર તરીકે દર્શાવાયા છે, જેનાથી સરકારની ગંભીરતા પર સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી પૂર નિવારવા મુખ્યમંત્રીની 500 કરોડની જાહેરાત બાદ: સુરતના ખાડીપૂર માટે સરકારે રાજ્ય અને શહેર સ્તરે બે કમિટીઓનું કર્યું ગઠન

Surat: સુરતમાં દર વર્ષે ખાડીપૂરના કારણે સર્જાતી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આખરે કાયમી ઉકેલ તરફ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 500 કરોડની સહાયની જાહેરાત બાદ સુરત માટે રાજ્ય અને શહેર સ્તરે અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. ખાડીપૂર નિવારણ માટે ડીપીઆર અને માસ્ટર પ્લાન તૈયાર કરી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયો અમલમાં મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થૈન્નારાશનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રૈમ્યા મોહન, સુરત પાલિકા કમિશનર નાગરાજન, સુડાના સીઈઓ સુથાર રાજ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર એસ.ડી. વસાવા, સુરત કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ, સરદાર સરોવર નિગમ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. રાજ્ય સ્તરની કમિટીની સાથે સુરત પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સિટી લેવલ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. શહેર સ્તરની આ કમિટી રાજ્ય સ્તરની કમિટીના નિર્ણયોનો અમલ, વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બેઠકોનું આયોજન અને ડીપીઆર તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરશે. સરકારે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા સુરત શહેર માટે પૂર મિટિગેશનનો માસ્ટર પ્લાન અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ એજન્સી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયોનું આયોજન કરશે. સમગ્ર કામગીરી જળસંપત્તિ અને સિંચાઈ વિભાગના સંકલન તથા સુપરવિઝનમાં હાથ ધરવામાં આવશે.રાજ્ય સ્તરની કમિટીને શહેરના પાણી ભરાવા અને ખાડીપૂરથી પ્રભાવિત વિસ્તારોનું અભ્યાસ, વિવિધ વિભાગો વચ્ચે સંકલન, કામગીરીનું મોનિટરિંગ અને અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શહેર સ્તરની કમિટી કન્સલ્ટન્ટ એજન્સી, પાલિકા અને અન્ય સરકારી વિભાગો વચ્ચે સંકલન સાધીને યોજનાના અમલને આગળ વધારશે.

ખાડી પૂર કમિટીના ગઠનમાં સરકારી બેદરકારી બહાર આવી પાલિકામાં 8 મહિના પહેલાં નિવૃત્ત અધિકારીને સીટી લેવલ કમિટીના સભ્ય બનાવી દીધા જતીન દેસાઈ નવેમ્બર-2025માં નિવૃત્ત થયા છતાં સીટી ઈજનેર તરીકે નામ યથાવત્.

હાલના ઇન્ચાર્જ સીટી ઇજનેરને હજુ પણ એડિશનલ સિટી ઇજનેર તરીકે દર્શાવાયા: ગત વર્ષની યાદી કોપી પેસ્ટ થઈ હોવાની ચર્ચા

શુક્રવાર સુરતના ખાડી પૂર જેવી ગંભીર અને સંવેદનશીલ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ઉચ્ચસ્તરીય કમિટીઓની જાહેરાત તો ધામધૂમથી કરી, પરંતુ જાહેર થયેલી સભ્યોની યાદીએ સમગ્ર કવાયતની ગંભીરતા સામે જ પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. પાલિકામાં આઠ મહિના પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા ઇન્ચાર્જ સીટી ઇજનેરને હજુ પણ સીટી ઈજનેર તરીકે કમિટીમાં સ્થાન અપાયું છે, જ્યારે હાલ કામગીરી સંભાળી રહેલા ઇન્ચાર્જ સીટી ઇજનેરને તેમના વર્તમાન હોદ્દા મુજબ દર્શાવવાના બદલે એડિશનલ સિટી ઇજનેર તરીકે જ રાખવામાં આવ્યા છે. આ સ્પષ્ટ ભૂલને પગલે સરકારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગત વર્ષની કમિટીની યાદી લગભગ યથાવત્ ઉઠાવીને માત્ર નવા આદેશ સાથે જાહેર કરી દેવામાં આવી છે.

ખાડી પૂર જેવી સમસ્યા સામે રાજ્ય સરકાર ખરેખર ગંભીર છે કે પછી માત્ર કાગળ પર કવાયત કરી રહી છે, તેવો સવાલ હવે સરકારના પોતાના આદેશને લઈને જ ઊભો થયો છે. કમિટીના સભ્યોની યાદીમાં વર્તમાન અધિકારીઓની વિગતો પણ ચકાસવામાં ન આવી હોય તો કરોડો રૂપિયાના આયોજન અને માસ્ટર પ્લાનની કામગીરી કેટલી ગંભીરતાથી થશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

રાજ્ય સરકારે શહેર સ્તરની મોનિટરિંગ કમિટીમાં પાલિકાના સિટી ઇજનેર તરીકે જતીન દેસાઈ નું નામ સમાવાયું છે. હકીકતમાં જતીન દેસાઈ 30 નવેમ્બર, 2025 ના રોજ સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે. તેમના નિવૃત્ત થયાને આઠ મહિના વીતી ગયા હોવા છતાં તેઓ હજુ પણ સરકારી આ દેશમાં સીટી ઇજનેર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ સિટી ઇજનેરની જવાબદારી અન્ય ધર્મેશ ભગવારને સોંપાઈ હતી તેઓ પણ 30 જૂને નિવૃત્ત થઈ ગયા છે અને હાલમાં ઇન્ચાર્જ સીટી ઈજનેર તરીકે એમ.ડી. ચાવડા કામગીરી સંભાળી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે એમ.ડી. ચાવડાને પણ તેમના વર્તમાન હોદ્દા મુજબ સીટી ઇજનેર તરીકે દર્શાવવાના બદલે હજુ પણ એડિશનલ સિટી ઇજનેર તરીકે જ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે, એક તરફ નિવૃત્ત અધિકારીને સીટી ઈજનેર ગણવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ હાલના ઇન્ચાર્જ સીટી ઇજનેરના હોદ્દામાં પણ સુધારો કરવામાં આવ્યો નથી.

સરકારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગત વર્ષે ખાડી પૂર બાદ રચાયેલી મોનીટરીંગ કમિટીની યાદીમાં જરૂરી સુધારા કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. માત્ર જૂની યાદીનો આધાર લઈને નવો આદેશ બહાર પાડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ ચર્ચા સાચી હોય તો ખાડી પૂર જેવી અત્યંત સંવેદનશીલ સમસ્યાના ઉકેલ માટે રચેલી કમિટી પણ પૂરતી ચકાસણી વિના જાહેર કરાઈ હોવાનું ચિત્ર સામે આવે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ખાડી પૂર ઉહાપોહ બાદ રાજ્ય અને શહેર સ્તરે મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ તે કમિટીની કામગીરી શું થઈ, કેટલી બેઠકો મળી અને કેટલી ભલામણોનો અમલ થયો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નહોતી. હવે બીજી વખત નવી કમિટી જાહેર થઈ છે, પરંતુ તેની પ્રથમ જ યાદીમાં આવી ભૂલો સામે આવતાં સમગ્ર કવાયતની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.

ખાડી પૂર સામે લડવા માટે સરકારે બનાવેલી કમિટીની યાદી જ જો અપડેટ ન હોય, તો સુરતને ખાડી પૂરમાંથી મુક્ત કરવાના દાવા કેટલા ગંભીરતાથી અમલમાં આવશે, તે પ્રશ્ન હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.