BREAKING : NTAના 47 અધિકારીઓ બરતરફ, CJPના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NTA Action, 47 Officials Terminated : દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પદ્ધતિને પારદર્શક બનાવવાની દિશામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એક બહુ મોટું અને આકરું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, NTA એ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ટર્મિનેટ એટલે કે બરતરફ કરી દીધા છે. આટલું જ નહીં, આમાંથી કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ક્રિમિનલ કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
મોટા સુધારા અને જવાબદેહી નક્કી કરવાનો પ્લાન
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કડક એક્શન NTAની અંદર મોટા સુધારા લાવવા અને અધિકારીઓની જવાબદેહી નક્કી કરવા માટે શરૂ કરાયેલા એક વિશાળ અભિયાનનો ભાગ છે. તાજેતરના સમયમાં પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિઓના ગંભીર આક્ષેપોને કારણે NTA સતત વિવાદોના ઘેરાવામાં રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર એજન્સીના માળખા અને કાર્યપ્રણાલીમાં વ્યાપક ફેરફારોની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આગામી દિવસોમાં એજન્સીને વધુ સુદ્રઢ બનાવવા માટે બીજા પણ ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
CJPની માંગણીઓ અને મંત્રીના રાજીનામાનો આગ્રહ
બીજી તરફ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની વડાપ્રધાનની જાહેરાતનું સ્વાગત કર્યું છે, પરંતુ તેઓ પોતાની મૂળ માંગણીઓ પર અડગ છે. CJPના નેતા અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું છે કે, સૌથી પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. આ ઉપરાંત NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક અને અટકાયતનો મુદ્દો
આ અગાઉ CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ જણાવ્યું કે તેમણે દિલ્હી પોલીસ દ્વારા નિર્દોષ યુવાનોની કરાતી અટકાયતનો મુદ્દો સરકાર સમક્ષ ગંભીરતાથી ઉઠાવ્યો છે.
પોલીસ કાર્યવાહી અંગે સરકારની ખાતરી
સૌરભ દાસે આરોપ લગાવ્યો હતો કે પોલીસ ઘર તરફ જઈ રહેલા વિદ્યાર્થીઓ, વિરોધ સ્થળે આવતા લોકો અને ભોજન પહોંચાડનારાઓની પણ અટકાયત કરી રહી છે તેમજ વકીલો સાથે પણ અયોગ્ય વર્તન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે 'આવી કાર્યવાહીથી સરકાર અને યુવાનો વચ્ચે અવિશ્વાસ વધશે.' સરકારે શરૂઆતમાં આવી ઘટનાઓનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ બાદમાં ખાતરી આપી હતી કે જો આવું બની રહ્યું હશે તો તેને તાત્કાલિક રોકવામાં આવશે અને પોલીસને જરૂરી સૂચનાઓ અપાશે.









