કતારગામમાં તપેલા ડાઈંગની મોડસ ઓપરેન્ડી બદલાઈ : દિવસની કાર્યવાહીથી બચવા રાત્રે ધમધમતા ડાઈંગ પર તપાસ હાથ ધરવાનો પાલીકાનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતમાં કતારગામના નાની બહુચરાજી સહિતના વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી બારોબાર ડ્રેનેજમાં છોડતા તપેલા ડાઈંગ એકમો સામે પાલિકાએ હવે કાર્યવાહી વધુ તેજ કરી છે. અત્યાર સુધી 214 એકમોને નોટિસ ફટકારાયા બાદ કાર્યવાહીથી બચવા કેટલાક સંચાલકોએ દિવસના બદલે રાત્રે 8 વાગ્યા બાદ એકમો ધમધમાવવાની રીત અપનાવી હોવાની માહિતી સામે આવી છે.
પાલિકાની ટીમને ચકમો આપવાની આ મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવતાં હવે દિવસની સાથે રાત્રે પણ તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. નોટિસ છતાં નિયમોનું પાલન નહીં કરનારા એકમો સામે ડ્રેનેજ વિભાગને રિપોર્ટ કરી સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પંડોળ અને નાની બહુચરાજી અને આસપાસના 10થી વધુ ઔદ્યોગિક વિસ્તારોમાં તપેલા ડાઈંગ એકમોની સંખ્યા નોંધપાત્ર છે. આ એકમોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ સીધો પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કરવામાં આવતો હોવાની ફરિયાદો અગાઉથી મળી રહી હતી. તેના કારણે અનેક વખત ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતું હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર કેમિકલયુક્ત પાણી ફેલાતાં વાહનચાલકો ઉપરાંત રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ફરિયાદોને પગલે કતારગામ ઝોન દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને નાની બહુચરાજી તથા આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું પાલન નહીં કરતા તપેલા ડાઈંગ એકમોને નોટિસ આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 214 એકમોને નોટિસની બજવણી કરવામાં આવી છે. જોકે નોટિસ બાદ પણ કેટલાક એકમો દ્વારા પાલિકાની તપાસથી બચવા માટે કામગીરીનો સમય બદલવામાં આવ્યો હોવાની માહિતી તંત્રને મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ દિવસ દરમિયાન ચાલતા કેટલાક તપેલા ડાઈંગ એકમોમાં હવે રાત્રે 8 વાગ્યા બાદ કામકાજ શરૂ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પાલિકાની ટીમો દિવસ દરમિયાન તપાસ માટે પહોંચે ત્યારે એકમો બંધ જોવા મળે અને રાત્રીના સમયે કામગીરી શરૂ કરવામાં આવતી હોવાની માહિતી મળતા તંત્રએ પણ પોતાની કામગીરીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે રાત્રિના સમયે પણ અલગ-અલગ ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે.
બીજી તરફ અગાઉ નોટિસ આપવામાં આવેલા 214 એકમોની પણ ફરીથી ચકાસણી હાથ ધરવામાં આવશે. નોટિસ બાદ એકમોએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં, કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી છે કે નહીં અને પાલિકાની ડ્રેનેજ લાઇનમાં સીધો નિકાલ તો કરવામાં આવતો નથી ને તેની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન નિયમભંગ જણાશે તો સંબંધિત એકમ સામે ડ્રેનેજ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે.




