Surat

મીઠી ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા અસરગ્રસ્તોની ગાંધીનગર દોડ : મીઠી ખાડીના મૂળ સ્વરૂપની પુનઃસ્થાપના માંગ, સરકારનું સકારાત્મક આશ્વાસન

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતની મીઠી ખાડીના પૂરથી પરેશાન અસરગ્રસ્તોએ હવે કાયમી ઉકેલ માટે ગાંધીનગર સુધી લડત પહોંચાડી છે. સોમવારે, પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સાથે મુલાકાત કરી. તેમણે ખાડીના પૂરના મૂળ કારણો રજૂ કર્યા, જેના પર સરકાર તરફથી સકારાત્મક આશ્વાસન મળ્યું હોવાનો દાવો કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીઠી ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા અસરગ્રસ્તોની ગાંધીનગર દોડ : મીઠી ખાડીના મૂળ સ્વરૂપની પુનઃસ્થાપના માંગ, સરકારનું સકારાત્મક આશ્વાસન

Surat Flood : સુરતની મીઠી ખાડીના પૂરથી દર ચોમાસે ભારે હાલાકી ભોગવતા અસરગ્રસ્તોએ હવે કાયમી ઉકેલ માટે ગાંધીનગર સુધી લડત પહોંચાડી છે. સોમવારે મીઠી ખાડી જન આંદોલનના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અને શહેરી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી સાથે મુલાકાત કરી ખાડી પૂર પાછળના મૂળ કારણો અંગે રજૂઆત કરી હતી.

રજૂઆત બાદ સરકારના ઉચ્ચ સ્તરેથી મીઠી ખાડીની સમસ્યાનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ લાવવા સકારાત્મક આશ્વાસન મળ્યું હોવાનો દાવો અસરગ્રસ્તોએ કર્યો છે. મીઠી ખાડીના પૂર મુદ્દે અસરગ્રસ્તો દ્વારા અગાઉ સુરતમાં પણ સતત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે રજૂઆત છતાં દર ચોમાસે ખાડી પૂરનો સામનો કરવો પડતો હોવાથી હવે આ પ્રશ્નને રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે સોમવારે મીઠી ખાડી જન આંદોલનના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા અને શહેરી વિકાસ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે મીઠી ખાડીની સાંકડી થતી સ્થિતિ, પાણીના કુદરતી વહેણમાં ઊભા થતાં અવરોધો અને ખાડી ઉપરના દબાણો સહિતના મુદ્દાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ અસરગ્રસ્ત હજારો પરિવારોની સમસ્યા રજૂ કરી મીઠી ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. ખાડીને શક્ય તેટલી મૂળ સ્થિતિમાં લાવવા, પાણીના કુદરતી વહેણમાં આવતા અવરોધો દૂર કરવા તેમજ ખાડી પરના દબાણો દૂર કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. બંને નેતાઓએ સમગ્ર રજૂઆત ગંભીરતાથી સાંભળી મીઠી ખાડીની સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ માટે જરૂરી પ્રયાસો કરવાની ખાતરી આપી હોવાનું પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું. ત્યારબાદ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથેની મુલાકાત દરમિયાન પણ મીઠી ખાડી પૂર અંગેની સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શહેરી વિકાસ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષની મુલાકાત દરમિયાન મીઠી ખાડીના વિવિધ વિસ્તારમાં થયેલા દબાણો, ખાડીની પહોળાઈમાં થયેલો ઘટાડો તથા સ્માર્ટ સિટી અંતર્ગત ખાડીની આસપાસ બનાવવામાં આવેલા સર્વિસ રોડના કારણે ખાડીનો વિસ્તાર સંકોચાયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ સમગ્ર રજૂઆત સાંભળ્યા બાદ કનુભાઈ દેસાઈએ મીઠી ખાડીનો મુદ્દો તેમના વિભાગ હેઠળ આવતો હોવાનું જણાવી, આ કામ મારા વિભાગ હેઠળ આવે છે અને હું આ કામ કરીને જ રહીશ તેવું આશ્વાસન આપ્યું હતું. ગાંધીનગરમાં સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચ્યા બાદ હવે મળેલા આશ્વાસનનું અમલીકરણ ક્યારે શરૂ થાય છે અને મીઠી ખાડીના કાયમી ઉકેલ માટે કઈ નક્કર કાર્યવાહી થાય છે તેના પર અસરગ્રસ્તોની નજર છે.