સુરતના કૈલાસનગર ગણેશ મંડપમાં લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવાની ગણેશ ભક્તોની વર્ષોથી ઈચ્છા હોય છે, પરંતુ નોકરી-ધંધાની વ્યસ્તતા અને મુસાફરીનો ખર્ચ અનેક નાના પરિવારો માટે આ ઈચ્છા અધૂરી રાખે છે. આવા ભક્તો માટે સુરતના કૈલાસનગર ગરબા ચોક ખાતે લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમા સ્થાપિત કરી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષથી અહીં લાલબાગના રાજા જેવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભક્તો માટે મંડપના દ્વાર 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે. પરિણામે વહેલી સવારે નોકરીએ જનારા હોય કે મોડી રાત્રે કામ પરથી પરત ફરનારા, પોતાની અનુકૂળતા મુજબ બાપ્પાના દર્શન કરી શકે છે. મુંબઈ જવાનો સમય કે ખર્ચ ન કરી શકતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભક્તો માટે કૈલાસનગરનો આ ગણેશ મંડપ લાલબાગના રાજાના દર્શનની ઈચ્છા પૂરી કરતું સ્થળ બની રહ્યો છે.
સુરત શહેરમાં ગણેશોત્સવનો માહોલ દિવસેને દિવસે વધુ જામતો જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડપોમાં અલગ-અલગ થીમ અને વિશિષ્ટ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે કૈલાસનગર ગરબા ચોક ખાતે કૈલાસનગર સાઈ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમા ભક્તોનું ધ્યાન ખેંચી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી લાલબાગના રાજા જેવી જ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. આ માટે મુંબઈના લાલબાગના રાજાની પ્રતિમા બનાવતા જાણીતા મૂર્તિકાર પાસે જ પ્રતિમા તૈયાર કરાવવામાં આવે છે. જેના કારણે પ્રતિમામાં લાલબાગના રાજાની આકૃતિ અને સ્વરૂપની આબેહૂબ ઝલક જોવા મળે છે.
ગણેશ આયોજકો કહે છે, લાલબાગના રાજાના દર્શન કરવાની ઈચ્છા અનેક ભક્તોની હોય છે, પરંતુ નોકરી-ધંધાની વ્યસ્તતા અથવા મુંબઈ જવા માટે થતા ખર્ચને કારણે દરેક માટે ત્યાં પહોંચવું શક્ય બનતું નથી. ખાસ કરીને સામાન્ય અને નાના પરિવારો માટે પરિવાર સાથે મુંબઈ જઈ દર્શન કરવાનું આયોજન મુશ્કેલ બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતમાં જ લાલબાગના રાજાની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દર્શન માટે માત્ર સુરતમાંથી જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પણ ભક્તો આવી રહ્યા છે. મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કર્યા હોય તેવા ભક્તો પણ સુરતમાં સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમા જોવા માટે આવે છે. મંડળ દ્વારા પ્રતિમાની સાથે મંડપની સજાવટ પણ એવી રીતે કરવામાં આવી છે કે ભક્તોને લાલ બાગના રાજાના દર્શનનો અલગ અનુભવ મળી શકે.
અગાઉ અન્ય ગણેશ મંડળોની જેમ રાત્રિના સમયે દર્શન બંધ કરી દેવામાં આવતા હતા. પરંતુ દૂરના વિસ્તારોમાંથી આવતા ભક્તો મોડી રાત્રે અથવા વહેલી સવારે મંડપ બંધ મળતાં નિરાશ થતા હતા. ખાસ કરીને નોકરીના સમયને કારણે દિવસ દરમિયાન દર્શન ન કરી શકતા ભક્તોની સંખ્યા પણ મોટી હતી.આથી આ વર્ષે મંડળ દ્વારા દિવસ-રાત દર્શન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડપના દ્વાર 24 કલાક ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. સવારે છ વાગ્યે નોકરી પર જનાર ભક્તો કામે જતા પહેલાં દર્શન કરી શકે છે, જ્યારે રાત્રે બે વાગ્યે કામ પરથી પરત ફરનાર ભક્તો પણ મંડપ ખુલ્લો હોવાથી બાપ્પાના દર્શન કરી શકે છે. આયોજકોના જણાવ્યા મુજબ, ગણેશોત્સવ દરમિયાન ભક્તોને પોતાની અનુકૂળતા મુજબ દર્શનનો સમય મળી રહે અને દૂરથી આવતા ભક્તોને મંડપ બંધ હોવાના કારણે પરત ન ફરવું પડે તે મુખ્ય હેતુ છે. લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમા સાથે 24 કલાક દર્શનની વ્યવસ્થાને કારણે કૈલાસનગરનો આ ગણેશ મંડપ આ વર્ષે ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યો છે.




