Surat

સુરતના બાળ તરવૈયાઓને પ્રતિભા દર્શાવવાનું મંચ સુરત પાલિકાના સ્વીમીંગ પુલમાં બાળ તરણ સ્પર્ધામાં 144 બાળ તરવૈયાઓની હરીફાઈ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં પાલિકા સંચાલિત ચીમનલાલ લાપસીવાળા બાળ તરણ સ્પર્ધા રુસ્તમપુરા તરણકુંડ ખાતે યોજાઈ. 9થી 13 વર્ષના 144 બાળકોએ 50 અને 100 મીટર તરણમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિયાન સોલંકી, માનવ સારંગ, જેનિકા પોપટિયા, દિવ ગાંધી વિજેતા બન્યા. બાળકોમાં તરણ પ્રત્યે રુચિ કેળવવા અને પ્રતિભાને મંચ આપવા આ આયોજન કરાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના બાળ તરવૈયાઓને પ્રતિભા દર્શાવવાનું મંચ  સુરત પાલિકાના સ્વીમીંગ પુલમાં બાળ તરણ સ્પર્ધામાં 144 બાળ તરવૈયાઓની હરીફાઈ

Surat: સુરત પાલિકા સંચાલિત ચીમનલાલ લાપસીવાળા બાળ તરણ સ્પર્ધામાં 9થી 13 વર્ષના 144 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 50 અને 100 મીટરના તરણમાં છોકરા-છોકરીઓ માટે અલગ-અલગ વયજૂથ રાખવામાં આવતા નાનકડા તરવૈયાઓએ પાણીમાં પોતાની ઝડપ, હિંમત અને ત્રણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. રમત ગમત પ્રત્યે બાળકોમાં રસ કેળવવા અને તેમની તરણ પ્રતિભાને યોગ્ય મંચ આપવા યોજાયેલી આ સ્પર્ધામાં વાલીઓ અને રમતપ્રેમીઓએ પણ બાળ તરવૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરત પાલિકા સંચાલિત અણુપ્રેરિત શ્રીમોટા હરિઃૐ આશ્રમ પ્રેરિત શ્રી ચીમનલાલ લાપસીવાળા બાળ તરણ સ્પર્ધાનું આયોજન રવિવારે સવારે 7:30 કલાકે રુસ્તમપુરા તરણકુંડ ખાતે કરવામાં આવ્યું હતું. 9થી 13વર્ષના બાળકોમાં તરણ સાથે સાહસવૃત્તિ, આત્મવિશ્વાસ અને રમતગમત પ્રત્યે રસ કેળવવાના હેતુથી યોજાયેલી સ્પર્ધામાં કુલ 144 બાળ તરવૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શ્રીમોટા હરિઃૐ આશ્રમ દ્વારા સ્વ. ચીમનલાલ ત્રિભોવનદાસ લાપસીવાળાની સ્મૃતિમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તરણ ક્ષેત્ર સાથે જોડાયેલી તેમની સ્મૃતિને જાળવી રાખવા ઉપરાંત નવી પેઢીના બાળકોમાં તરણ પ્રત્યે રુચિ વધે અને તેમને પોતાની ક્ષમતા દર્શાવવા માટે સ્પર્ધાત્મક મંચ મળે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે. સ્પર્ધા પાલિકાના પદાધિકારીઓ અને પાલિકાના સભ્યો તથા હરિઃૐ આશ્રમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં 9થી 11 વર્ષ અને 11થી 13 વર્ષ એમ બે વયજૂથ રાખવામાં આવ્યા હતા. બંને વયજૂથમાં છોકરા અને છોકરીઓ માટે અલગ વિભાગ રાખવામાં આવ્યા હતા અને 50 તથા 100 મીટરના તરણમાં બાળકો વચ્ચે હરીફાઈ યોજાઈ હતી.

છોકરાઓના 9થી 11 વર્ષના વિભાગમાં વિયાન સોલંકીએ પ્રથમ, નિવાણ શાહે દ્વિતીય અને કુશ પટેલે તૃતીય સ્થાન મેળવ્યું હતું. 11થી 13 વર્ષના વિભાગમાં માનવ સારંગ પ્રથમ, પ્રણવ પટેલ દ્વિતીય અને ધ્રુવિન પટેલ તૃતીય રહ્યા હતા. ખુશાન પટેલ, મંથન પટેલ, ધ્યેય પટેલ અને વિવાન સારંગને આશ્વાસન આપવામાં આવ્યું હતું. છોકરીઓના 9થી 11 વર્ષના વિભાગમાં જેનિકા પોપટિયાએ પ્રથમ, પ્રાક્ષી ઉમરીગરે દ્વિતીય અને વીરા સાવલિયાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. 11થી 13 વર્ષના વિભાગમાં દિવ ગાંધી પ્રથમ, રીત ભગત દ્વિતીય અને મુગ્ધા પટેલ તૃતીય રહ્યા હતા. અવિકા કોળકણી, વંશિકા ચૌહાણ, અનન્યા સારંગ અને કૃપા સારંગને આશ્વાસન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતાઓને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાજેશ રાણા, પાલિકાના સભ્યો અને હરિઃૐ આશ્રમના પ્રતિનિધિઓના હસ્તે રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપવામાં આવી હતી. અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ તરવૈયાઓને પાલિકા તરફથી સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.