ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે નવરાત્રિ પર્વમાં ખાણી-પીણીનો રસથાળ : નવરાત્રીમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : ખાણી-પીણીના શોખીન સુરતીઓ માટે નવરાત્રિ દરમિયાન પાલિકાના ફૂડ ફેસ્ટિવલની મજા માણવાની તક મળશે. પાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અઠવા વિસ્તારમાં યોજાતા આ ફૂડ ફેસ્ટિવલને સુરતીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના મધ્ય વિસ્તારમાં અનુકૂળ સ્થળે આયોજન થતું હોવાથી ફૂડ ફેસ્ટિવલ સુરતીઓમાં લોકપ્રિય બની રહ્યો છે. આ વર્ષે પણ 11થી 20 ઓક્ટોબર દરમિયાન વિવિધ વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલ યોજાશે.
સુરત પાલિકા દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે અઠવાલાઇન્સમાં ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે 10 દિવસના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તા.11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓની મજા માણવા સાથે સુરતીઓને ગરબા અને રાસની સ્પર્ધાઓનો પણ આનંદ મળશે. પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીના દિવસોમાં અઠવા વિસ્તારમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા સ્થળને કારણે અહીં સરળતાથી પહોંચી શકાતું હોવાથી ફૂડ ફેસ્ટિવલ સુરતીઓમાં લોકપ્રિય બન્યો છે.
ખાસ કરીને નવરાત્રી માહોલમાં ગરબા સાથે વિવિધ ખાણી-પીણીની વાનગીઓનો સ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. ફૂડ ફેસ્ટિવલ દરમિયાન તા.12 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શેરી ગરબા સ્પર્ધા યોજાશે. તેમાં સુરત શહેરની મહિલાઓ, વિવિધ સંસ્થાઓની બહેનો, શેરીની બહેનો તથા શિક્ષકવૃંદ ભાગ લઈ શકશે. જ્યારે તા.14 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ માટે આંતરશાળા રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરશાળા રાસ સ્પર્ધામાં સુરત શહેરની શાળાના ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકશે. આમ, પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં ખાણી-પીણી સાથે નવરાત્રિની પરંપરાગત સંસ્કૃતિ અને યુવાનોની કળાને પણ મંચ મળશે.




