Surat

શ્રાવણમાં ભેળસેળિયા બેફામ, સરકારે હાથ ખંખેર્યા: 'જનતા પોતે સાવધાન રહે' કહી મંત્રી જવાબદારીમાંથી છટક્યા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ અને તહેવારોમાં ભેળસેળની વ્યાપક ફરિયાદો વચ્ચે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ, ઘી, કંકુ, માવા અને મીઠાઈમાં ભેળસેળ થતી હોવાનું જણાવી, સસ્તી ચીજો ન ખરીદવા સલાહ આપી. સરકારે કેટલીક ફેક્ટરીઓ સીલ કરી છે, પરંતુ ગ્રાહકોને જ સાવધ રહેવાની સલાહ સામે તંત્રની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણમાં ભેળસેળિયા બેફામ, સરકારે હાથ ખંખેર્યા: 'જનતા પોતે સાવધાન રહે' કહી મંત્રી જવાબદારીમાંથી છટક્યા

Gujarat Food Adulteration: શ્રાવણ માસ અને આગામી તહેવારો દરમિયાન પૂજા-અર્ચના માટે વપરાતા કપૂર અને કંકુથી લઈને ખાવા-પીવાની ચીજો જેમ કે ઘી અને માવામાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સુરતમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં મીઠાઈ, માવો અને ઘીની માંગ વધતાં ભેળસેળિયાઓ સક્રિય થઈ જવાની પૂરી શક્યતા રહે છે.

આરોગ્યમંત્રીની ગ્રાહકોને સાવધાન રહેવા અપીલ અને તંત્રની ભૂમિકા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેર અપીલ કરતાં જણાવ્યું છે કે, 'શ્રાવણ મહિનામાં ભક્તો પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ બજારમાં મળતા દરેક ઘીને શુદ્ધ માનવું યોગ્ય નથી. શ્રદ્ધાના નામે ભગવાનને પણ ભેળસેળવાળું ઘી અર્પણ ન કરવું જોઈએ અને લોકોએ માત્ર શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. રાજ્યમાં આવી ભેળસેળ કરતી કેટલીક ફેક્ટરીઓ સામે પગલાં ભરીને તેમને સીલ પણ કરવામાં આવી છે.'

કંકુ અને માવામાં પણ ભેળસેળ: સસ્તી ચીજો ન ખરીદવા સલાહ

આરોગ્ય મંત્રીએ કંકુ અંગે પણ જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે કંકુમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાની બાબતો સામે આવી છે. તેથી નાગરિકોને શુદ્ધ કંકુ વાપરવા જણાવાયું છે. આ ઉપરાંત, અત્યંત સસ્તા દરે મળતું ઘી, 'સ્વીટ બરફી'ના નામે વેચાતો માવો અને તેમાંથી બનતી મીઠાઈઓ ન ખરીદવા માટે પણ સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.

માત્ર ગ્રાહકો જ સાવધાન રહે કે ભેળસેળિયા સામે કડક કાર્યવાહી થશે?

સરકારની આ અપીલ સામે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું માત્ર ગ્રાહકોની સાવચેતીથી આ દૂષણ અટકશે? બજારમાં ભેળસેળયુક્ત માલ પહોંચે જ નહીં તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી તંત્રની છે. એક તરફ ભેળસેળિયાઓ બેફામ બનીને માલ બનાવી વેચી રહ્યા છે, ત્યારે ગ્રાહકોને જ સાવધ રહેવાની સલાહ આપીને તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું હોય તેવો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભેળસેળયુક્ત માલ બનાવનાર, પેકિંગ કરનાર અને વેચનાર સામે નિયમિત કડક કાર્યવાહી થાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલિંગ અને તપાસની કામગીરી સઘન બનાવાય તે અત્યંત જરૂરી છે.