'તારી મહેનતને કારણે તુ સૌથી અલગ કરી શક્યો...', રહાણેની નિવૃત્તિ પણ હિટમેન ભાવુક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

End of Rahane's Golden Era: ભારતીય ક્રિકેટ ટીમના મધ્યક્રમના મજબૂત સ્તંભ અને પૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ગુરુવાર, 30 જુલાઈ 2026ના રોજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. 38 વર્ષીય રહાણેએ ઇન્સ્ટાગ્રામ પર એક અત્યંત ભાવુક વીડિયો શેર કરીને પોતાના ક્રિકેટિંગ કરિયર પર વિરામ મૂક્યો હતો. ટીમ ઇન્ડિયા માટે રમવું એ પોતાના જીવનનું સૌથી મોટું સન્માન હોવાનું રહાણેએ જણાવ્યું હતું. આ જાહેરાત બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર ભાવભીની પોસ્ટ શેર કરીને રહાણેના શાનદાર કરિયરને બિરદાવ્યું છે.
રોહિત શર્માએ મુંબઈથી ટીમ ઇન્ડિયા સુધીની સફર યાદ કરી
મુંબઈ ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને ભારતીય ટીમ સુધી રહાણે સાથે અસંખ્ય યાદગાર પળો વિતાવનાર રોહિત શર્માએ X પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. રોહિતે લખ્યું,
"આપણે ઘણા વર્ષો સુધી ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે અને હું સારી રીતે જાણું છું કે તેં જે પણ સિદ્ધિઓ મેળવી છે, તેની પાછળ કેટલી સખત મહેનત છુપાયેલી છે. તારી પ્રતિબદ્ધતા અને પ્રોફેશનલિઝમે તને હંમેશાં અન્ય લોકોથી અલગ બનાવ્યો છે. એક અદ્ભુત કરિયર માટે ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે ઢગલાબંધ શુભેચ્છાઓ."
કોહલીએ કહ્યું- ‘સ્લિપનો સૌથી ભરોસાપાત્ર ફિલ્ડર અને મારો ફેવરિટ ટેસ્ટ બેટિંગ પાર્ટનર’
ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રહાણેના યોગદાનને સલામ કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું,
"જિંક્સ, એક મહાન કરિયર માટે અભિનંદન, દોસ્ત. તેં ભારતીય ક્રિકેટ માટે અદ્ભુત કામ કર્યું છે અને તને તારી આ સફર પર ગર્વ હોવો જોઈએ. તું સ્લિપમાં સૌથી સેફેસ્ટ પેર ઓફ હેન્ડ્સ અને ટેસ્ટ ક્રિકેટમાં મારો સૌથી મનપસંદ બેટિંગ પાર્ટનર. હું હંમેશાં તારી સફળતાની કામના કરું છું. ઈશ્વર તને આશીર્વાદ આપે."
ટેસ્ટ ક્રિકેટમાં અજેય કેપ્ટનશીપ અને ગાબાનો ઐતિહાસિક વિજય
અજિંક્ય રહાણેના કરિયરની સૌથી મોટી અને યાદગાર ઉપલબ્ધિ બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી 2020-21 રહી છે. એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને કેપ્ટન વિરાટ કોહલી સ્વદેશ પરત ફર્યો હતો. એવા મુશ્કેલ સમયે કેપ્ટનશીપ રહાણેના હાથમાં આવી હતી. રહાણેએ મેલબોર્નમાં શાનદાર સદી ફટકારીને ભારતની વાપસી કરાવી હતી અને ત્યારબાદ યુવા ખેલાડીઓ સાથે ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનો 32 વર્ષ જૂનો અજેય રેકોર્ડ તોડીને શ્રેણી 2-1થી જીતી ઇતિહાસ રચ્યો હતો. રહાણેએ કુલ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 4 મેચમાં જીત મળી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. તેની કપ્તાનીમાં ભારત એકપણ ટેસ્ટ હાર્યું નથી, અને 5 કે તેથી વધુ ટેસ્ટમાં નેતૃત્વ કરનારા ભારતીય કેપ્ટનોમાં તેનો જીતનો દર સૌથી શ્રેષ્ઠ છે.
રહાણેની આંતરરાષ્ટ્રીય કરિયર પર એક નજર
અજિંક્ય રહાણેએ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 8,414 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, જેમાં 15 સદી સામેલ છે. ખાસ કરીને વિદેશની મુશ્કેલ પિચો પર તે ટીમનો સંકટમોચક સાબિત થયો હતો.
- ટેસ્ટ ક્રિકેટ: 85 ટેસ્ટ મેચમાં 38.46ની એવરેજથી 5,077 રન, જેમાં 12 સદી અને 26 અડધી સદી સામેલ છે.
- વનડે: 90 વનડે મેચમાં 35.26ની એવરેજથી 2,962 રન, જેમાં 3 સદી અને 24 અડધી સદી નોંધાવી છે.
- T20I: 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 375 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદી શામેલ છે.









