'તમે ચમત્કાર કર્યો છે', ટીમના મહત્વના સભ્યની વિદાયથી રોહિત શર્માએ વ્યક્ત કર્યું દર્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Sharma Emotional Note: રોહિત શર્માએ પૂર્વ ફીલ્ડિંગ કોચ ટી દિલીપને લઈને એક દિલ સ્પર્શી જાય તેવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેમણે દિલીપને તેમની મહેનત અને ટીમ પ્રત્યેના સમર્પણ માટે આભાર માન્યો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં લાંબા સમયથી ખેલાડીઓની ફીલ્ડિંગ પર કામ કરનારા ટી દિલીપનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો છે. તાજેતરના દિવસોમાં ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગનું સ્તર ઘણું નીચે ગયું છે. ખાસ કરીને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ખેલાડીઓએ ફીલ્ડ પર ઘણી ભૂલો કરી હતી. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં સતત મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચિંગ સેટઅપમાં ફેરફારની વાતો થવા લાગી હતી. વર્ષ 2021 માં પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે ભારતીય ટીમ સાથે જોડાયેલા દિલીપ ટીમ ઈન્ડિયાની ઘણી મોટી જીતનો હિસ્સો રહી ચૂક્યા છે.
દિલીપને લઈને રોહિતે કરી ઈમોશનલ પોસ્ટ
દિલીપનો કાર્યકાળ પૂરો થવા પર પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ઈમોશનલ પોસ્ટ કરતા તેમને અસલી 'વર્કહાર્સ' ગણાવ્યા. રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દિલીપની પ્રશંસા કરતા લખ્યું કે, 'તમે એક લીજેન્ડ છો દિલીપ ગુરુ. તમે ટીમની અંદર જાદુ વિખેર્યો છે, અને તમે પડદા પાછળ મહેનત કરનારા અસલી વર્કહાર્સ છો. ભવિષ્ય માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.'
દિલીપે કરી હતી 'બેસ્ટ ફીલ્ડર મેડલ'ની શરૂઆત
દિલીપના કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધિ ભારતીય ડ્રેસિંગ રૂમમાં 'બેસ્ટ ફીલ્ડર મેડલ'ની શરૂઆત રહી. વર્ષ 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન શરૂ થયેલી આ પરંપરાએ ખેલાડીઓ વચ્ચે ફિલ્ડીંગને લઈને એક હરિફાઈ ઊભી કરવાનું કામ કર્યું. દિલીપે પોતાની વિદાય પોસ્ટમાં પણ આ મેડલનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ડ્રેસિંગ રૂમમાં આ મેડલને લઈને ખેલાડીઓના ચહેરા પર દેખાતી ખુશી તેમના દિલની હંમેશાં નજીક રહેશે. તેમણે રાહુલ દ્રવિડ અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર બંનેનો આભાર માન્યો.
દિલીપનો શાનદાર રેકોર્ડ
દિલીપના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઘણી મોટી સફળતાઓ હાંસલ કરી. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 અને 2026 ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારતે પોતાના નામે કર્યો. આ સિવાય એશિયા કપ 2023 અને 2025 ની ટ્રોફી જીતમાં પણ દિલીપે મહત્વની ભૂમિકા ભજવી હતી.
શુભદીપ ઘોષ બન્યા નવા ફીલ્ડિંગ કોચ
BCCIએ તાજેતરના દિવસોમાં ફિલ્ડીંગમાં થયેલી ભૂલો બાદ દિલીપના કોન્ટ્રેક્ટને આગળ ન વધારવાનો નિર્ણય લીધો. હવે તેમની જગ્યાએ શુભદીપ ઘોષને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા ફિલ્ડીંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. શુભદીપ આ પહેલા ભારતીય મહિલા ટીમ અને ઈન્ડિયા-એ સાથે કામ કરી ચૂક્યા છે. તેમની પ્રથમ પરીક્ષા 15 ઓગસ્ટથી ગાલેમાં શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી 2 ટેસ્ટ મેચોની સિરીઝ હશે.









