Sports

1159 દિવસ પછી પ્લેયર ઑફ ધ મેચ બન્યો છતાં કેમ ખુશ નહોતો કુલદીપ? વિરાટ-ગિલ માટે કહી દીધી આ વાત!

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
તિરુવનંતપુરમમાં ભારતે વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી પ્રથમ વન-ડે જીતી. વિરાટ કોહલી અને શુભમન ગિલની ધમાકેદાર સદી છતાં, કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી 'પ્લેયર ઑફ ધ મેચ'નો ખિતાબ જીત્યો. કુલદીપે આ ઍવૉર્ડ લેતા સંકોચ અનુભવ્યો, કારણ કે તેને લાગતું હતું કે વિરાટ અને ગિલનો દેખાવ વધુ સારો હતો. 1159 દિવસ પછી કુલદીપને આ સન્માન મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

1159 દિવસ પછી પ્લેયર ઑફ ધ મેચ બન્યો છતાં કેમ ખુશ નહોતો કુલદીપ? વિરાટ-ગિલ માટે કહી દીધી આ વાત!

Kuldeep Yadav Win Player Of The Match: વિરાટ કોહલી અને શુભમન ગિલની ધમાકેદાર સદીની મદદથી ભારતે પ્રથમ વન-ડેમાં વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. ત્રણ મેચની સીરિઝનો આ પ્રથમ મુકાબલો તિરુવનંતપુરમમાં રમાયો હતો. મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 295 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઇન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. કુલદીપની શાનદાર બોલિંગના કારણે જ વેસ્ટઇન્ડિઝ 300 રનનો આંકડો પાર નહોતું કરી શક્યું.

આ જ કારણે મેચ પૂર્ણ થયા બાદ કુલદીપને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી આ ઍવૉર્ડ લેવામાં થોડો ખચકાટ અનુભવી રહ્યો હતો. કુલદીપે ઍવૉર્ડ લેતી વખતે સ્વીકાર્યું કે, મને પ્લેયર ઑફ ધ મેચનો ઍવૉર્ડ કેમ મળ્યો છે તે અંગે થોડો સંકોચ અનુભવાઈ રહ્યો છે.

કુલદીપે વિરાટ-ગિલ માટે કહી દીધી આ વાત

વેસ્ટઇન્ડિઝ સામેના મુકાબલામાં વિરાટ અને ગિલની સદી છતાં જ્યારે કુલદીપને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો, ત્યારે તે પોતે પણ હેરાન હતો. તેણે કહ્યું, 'સાચું કહું તો મને મેન ઑફ ધ મેચનો ઍવૉર્ડ લેતી વખતે થોડો સંકોચ અનુભવાઈ રહ્યો છે, કારણ કે જે રીતે વિરાટ ભાઈ અને ગિલે બેટિંગ કરી, તે ખરેખર શાનદાર હતી. મારા મતે આ નિર્ણય કંઈક અલગ પણ હોઈ શકતો હતો.'

1159 દિવસ પછી પ્લેયર ઑફ ધ મેચ બન્યો કુલદીપ યાદવ

તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં હોવા છતાં તેને સતત પ્લેઇંગ ઇલેવનમાં તક નહોતી મળી રહી, પરંતુ જેવો તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો, તેણે મેચ વિનિંગ પર્ફોર્મન્સ આપ્યું. આ જ કારણ છે કે કુલદીપ વન-ડેમાં 1159 દિવસ પછી પ્લેયર ઑફ ધ મેચ બન્યો છે. આ પહેલા કુલદીપ 27 જુલાઈ 2023ના રોજ વેસ્ટઇન્ડિઝ સામે જ બાર્બાડોસમાં 4 વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

વિરાટ અને ગિલની ધમાકેદાર ઈનિંગ્સ

વેસ્ટઇન્ડિઝ સામેના મુકાબલામાં ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી અને શુભમન ગિલે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટે 88 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 139 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, કપ્તાન શુભમન ગિલ 108 બોલમાં 110 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે પોતાની આ ઈનિંગ્સમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. વિરાટ અને ગિલના આ દમદાર પ્રદર્શનના જોરે ટીમ ઇન્ડિયાએ 41.4 ઓવરમાં જ 2 વિકેટના નુકસાને 300 રન બનાવીને મેચ જીતી લીધી હતી.