Sports

'શું કરે છે યાર...!' લાઇવ મેચમાં ઇશાન કિશન પર કેમ ભડક્યો અભિષેક શર્મા? જુઓ VIDEO

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
ચેસ્ટર લે સ્ટ્રીટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ વરસાદને કારણે રદ થઈ. જોકે, મેચ દરમિયાન ઇશાન કિશનના રનઆઉટનો વીડિયો વાયરલ થયો છે. ઇશાન 0 રને આઉટ થતા અભિષેક શર્મા ગુસ્સે ભરાયો હતો. અભિષેક-શ્રેયસની અડધી સદીથી ભારતે 189/7 બનાવ્યા. ઇશાન સતત બીજી મેચમાં રનઆઉટ થતા મુશ્કેલીમાં મુકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'શું કરે છે યાર...!' લાઇવ મેચમાં ઇશાન કિશન પર કેમ ભડક્યો અભિષેક શર્મા? જુઓ VIDEO

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ભલે વરસાદના કારણે અધૂરી રહી, પરંતુ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ઇનિંગ્સની બીજી જ ઓવરમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન માત્ર 2 બોલ રમીને શૂન્ય રને રનઆઉટ થઈ ગયો હતો. રન લેવાની ઉતાવળ અને ગેરસમજના કારણે ઇશાન કિશન અને તેના બેટિંગ પાર્ટનર અભિષેક શર્મા વચ્ચે મેદાન પર જ ડ્રામા જોવા મળ્યો હતો.

ઇશાન કિશન સતત બીજી મેચમાં રનઆઉટ થયો છે, જેના કારણે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ અગાઉ આયર્લેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં પણ તે આ જ રીતે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

મેદાન પર શું થઈ હતી ગેરસમજ?
ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં ઇંગ્લેન્ડના બોલર સાકિબ મહમૂદના બોલ પર ઇશાન કિશને મિડવિકેટ તરફ શૉટ રમ્યો હતો. સિંગલ લેવાની લાલચમાં ઇશાન ક્રીઝ છોડીને ઘણો આગળ દોડી આવ્યો હતો, પરંતુ નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા અભિષેક શર્માએ ક્રીઝ છોડી નહોતી અને તે ત્યાં જ ઊભો રહ્યો હતો. બોલ સીધો ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના હાથમાં ગયો હતો, જેણે ત્વરિત થ્રો વિકેટકીપર જોસ બટલર તરફ ફેંક્યો હતો.

LIVE મેચમાં અભિષેક શર્મા ગુસ્સે ભરાયો
અભિષેક શર્માએ હેરી બ્રુકને બોલ ફિલ્ડ કરતો જોઈને રન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને હાથથી રોકાઈ જવાનો ઈશારો કર્યો હતો, તેમ છતાં ઇશાન કિશન દોડતો રહ્યો હતો. ઇશાન કિશન જ્યારે પાછો વળીને ક્રીઝ તરફ ભાગ્યો, ત્યાં સુધીમાં જોસ બટલરે બેલ્સ ઉડાવી દીધી હતી. આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો.

જ્યારે સ્ક્રીન પર રિપ્લે જોવામાં આવી રહ્યો હતો, ત્યારે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા અભિષેક શર્માનો ગુસ્સો સાફ જોઈ શકાતો હતો. સ્ટમ્પ માઇકમાં બંને વચ્ચેની વાતચીત કેદ થઈ ગઈ હતી, જેમાં અભિષેક રાડ પાડીને ઇશાનને પૂછતો સંભળાયો હતો, "તું પહોંચ્યો કે ન પહોંચ્યો? શું કરે છે યાર ઇશાન?"

શરૂઆતી ઝટકા બાદ અભિષેક-શ્રેયસની શાનદાર રિકવરી
સંજુ સેમસન અને ઇશાન કિશન શરૂઆતની 2 ઓવરમાં જ આઉટ થઈ જતાં ભારતીય ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, આ રનઆઉટના વિવાદ અને દબાણ બાદ પણ અભિષેક શર્માએ શાનદાર વાપસી કરી હતી. તેણે માત્ર 24 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 59 રનની આક્રમક ઇનિંગ રમી હતી. અભિષેકે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 82 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન અય્યરે પણ 47 બોલમાં 68 રન બનાવીને ઇનિંગ્સને મજબૂતી આપી હતી. શિવમ દુબેના 21 બોલમાં અણનમ 42 રનની મદદથી ભારતે 20 ઓવરમાં 189/7નો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે 3 વિકેટ ઝડપી હતી.

ભારતની ઇનિંગ્સ પૂરી થતાં જ શરૂ થયેલો વરસાદ ન અટકતા મેચ આખરે રદ્દ કરવી પડી હતી. હવે સીરિઝની બીજી T20 મેચ 4 જુલાઈએ માન્ચેસ્ટર ખાતે રમાશે.