IPL Final Virat Kohli 2026 Records : આઈપીએલ 2026 (IPL 2026) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે સતત રનનો વરસાદ કરી રહેલા રનમશીન વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં પણ પોતાનો કિંગ અવતાર જાળવી રાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાઈ રહેલી મહામુકાબલાની ફાઇનલમાં કોહલીએ માત્ર 25 બોલમાં તોફાની અડધી સદી ફટકારી દીધી છે. 156 રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટે એક શાનદાર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી, અને 8 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો હતો. વિરાટે આ મેચમાં 25 બોલમાં અડધી સદી કરીને 2018ના પોતાના 26 બોલના રેકોર્ડને તોડી નાખ્યો છે.
IPL ફાઇનલના ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી ફિફ્ટી
વિરાટ કોહલી આ ઇનિંગ સાથે જ આઈપીએલ ફાઇનલ મેચોમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે રોહિત શર્મા અને ક્રિસ ગેલની બરાબરી પર આવી ગયો છે.
IPL માં કોહલીના સૌથી ઝડપી 50 (બોલના આધારે)
25 vs GT, અમદાવાદ, 2026
26 vs RR, બેંગલુરુ, 2018
26 vs DC, દિલ્હી, 2018
27 vs LSG, લખનૌ, 2025
IPL ફાઇનલમાં સૌથી ઝડપી 50 (બોલના આધારે)
બોલ ખેલાડી (ટીમ) વિરૂદ્ધ (વર્ષ)
24 સુરેશ રૈના (CSK) મુંબઈ ઇન્ડિયન્સ (2010)
24 ડેવિડ વોર્નર (SRH) આરસીબી (2016)
24 વેંકટેશ અય્યર (KKR) સનરાઇઝર્સ હૈદરાબાદ (2024)
25 રોહિત શર્મા (MI) સીએસકે (2015)
25 ક્રિસ ગેલ (RCB) સનરાઇઝર્સ હૈદરાબાદ (2016)
25 વિરાટ કોહલી (RCB) ગુજરાત ટાઇટન્સ (2026)
RCBનો 'રોયલ' વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ક્રિકેટ જગતમાં સતત બીજીવાર ઈતિહાસ રચ્યો છે. આઈપીએલ 2026 (IPL 2026) ની ફાઈનલ મેચમાં રજત પાટીદારની કેપ્ટનશીપ વાળી RCBએ શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવીને સતત બીજી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની બાદશાહત સાબિત કરી અને 5 વિકેટે મેચ જીતી લીધી. આ જીત સાથે જ RCBની ટીમ આઈપીએલમાં પોતાના ટાઈટલને ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
વિરાટ કોહલીએ રમી મેચ વિનિંગ ઇનિંગ
156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેંકટેશ અય્યર અને વિરાટ કોહલીની જોડીએ RCBને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. વેંકટેશ અય્યરે 16 બોલમાં 32 રન ફટકાર્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જો કે, દેવદત્ત પડિક્કલ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રાશિદ ખાને એક જ ઓવરમાં રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને આઉટ કરીને ગુજરાતની મેચમાં વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. આ દરમિયાન ટીમ ડેવિડે પણ 17 બોલમાં 24 રન બનાવીને ટીમને જીત તરફ આગળ વધારી હતી. બીજી તરફ, વિરાટ કોહલીએ 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 75 રનની ઇનિંગ રમીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.
CSK અને MIના એલિટ ક્લબમાં RCB સામેલ
આ ઐતિહાસિક જીત સાથે જ RCB હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના એ એલિટ ક્લબમાં સામેલ થઈ ગઈ છે, જેમણે આઈપીએલમાં પોતાના ખિતાબનો સફળતાપૂર્વક બચાવ (ડિફેન્ડ) કર્યો છે. ગયા વર્ષે એટલે કે 2025 માં પોતાનો પહેલો ખિતાબ જીતનારી બેંગલુરુની ટીમે આ વર્ષે પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે.
મુશ્કેલ પિચ પર ચાલ્યો જાદુ
રવિવાર, 31 મેની રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ નંબર-6 પર રમાયેલા આ મેચમાં શરૂઆતથી જ એવી ચર્ચા હતી કે, અહીં બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ રહેશે. ગુજરાતની ઇનિંગ્સ દરમિયાન આ સાબિત પણ થયું, જ્યારે યજમાન ટીમના બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પરંતુ બેંગલુરુની ઇનિંગ્સ શરૂ થતાં જ સ્થિતિ આખી બદલાઈ ગઈ અને તેની પાછળનું એકમાત્ર કારણ વિરાટ કોહલી હતો. વેંકટેશ અય્યર સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ માત્ર 21 બોલમાં જ RCBને 50 રનની પાર પહોંચાડી દીધું હતું. એક સમયે કોહલીએ માત્ર 13 બોલમાં 34 રન ફટકારી દીધા હતા. જો કે, આ દરમિયાન બેંગલુરુએ ઉપરાઉપરી 4 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે રન રેટ અને કોહલીના સ્ટ્રાઈક રેટ પર થોડી અસર પડી હતી. આમ છતાં, બેટિંગના કિંગે પોતાની લય ગુમાવી નહીં અને 12મી ઓવરના બીજા બોલ પર અરશદ ખાન સામે ડીપ મિડવિકેટ પર ચોગ્ગો ફટકારી પોતાની ઐતિહાસિક ફિફ્ટી પૂરી કરી હતી.


