વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi HC Denies Relief To Vinesh Phogat: ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિનેશ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વિનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે આ આદેશ આપતાં જણાવ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા નક્કી કરાયેલી પાત્રતાની શરતોમાં કોઈ એક વ્યક્તિગત ખેલાડીને ખાસ છૂટછાટ આપી શકાય નહીં. 7 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા સર્ક્યુલરમાં નિર્ધારિત માપદંડો તમામ રમતવીરો પર એકસમાન રીતે લાગુ પડે છે.
વિનેશે શા માટે ખખડાવ્યા હતા કોર્ટના દ્વાર?
WFIના 7 સપ્ટેમ્બરના સર્ક્યુલર અનુસાર, સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના ટ્રાયલ્સ માટે છ ઓલિમ્પિક વજન વર્ગમાં અમુક ચોક્કસ સ્પર્ધાઓના મેડલ વિજેતાઓ, નેશનલ કોચિંગ કેમ્પના કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા પહેલવાનો જ પાત્ર ઠરે છે.
વિનેશની દલીલમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ 2025માં માતા બન્યા બાદ તેઓ માતૃત્વના કારણે જરૂરી ક્વોલિફાઈંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યા નહોતા. જેથી આ નિયમો તેમના માટે ટ્રાયલ્સના દ્વાર સંપૂર્ણ બંધ કરી દે છે. વિનેશે સીધી ટીમમાં એન્ટ્રી નહોતી માંગી, પરંતુ માત્ર ટ્રાયલ્સમાં ઉતરીને પોતાના પ્રદર્શનના આધારે સ્થાન મેળવવાની તક માંગી હતી. તેમણે 30 મેના રોજ યોજાયેલા એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સનો પણ સંદર્ભ આપ્યો હતો, જ્યાં તેમણે 53 કિગ્રા વજન વર્ગમાં સેમિફાઇનલ સુધી સફર ખેડી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માતા બન્યા પછી તેઓ સઘન તાલીમ લઈ ચૂક્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરવા તૈયાર છે.
હાઈકોર્ટનું વલણ અને સમાનતાનો પ્રશ્ન
દિલ્હી હાઈકોર્ટે WFIની નીતિને સાચી કે ખોટી જાહેર કર્યા વિના સ્પષ્ટ કર્યું કે અરજીમાં ઉઠાવાયેલા નીતિવિષયક મોટા પ્રશ્નો પર હજુ વિગતવાર સુનાવણી બાકી છે. અદાલતે સ્વીકાર્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને રિકવરી જેવા સંજોગોને ફેડરેશનની નીતિમાં ધ્યાને લેવા જોઈએ, પરંતુ માત્ર આ સંજોગોના આધારે વિનેશને તાત્કાલિક વચગાળાની રાહત આપી શકાય નહીં. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે જો માત્ર વિનેશને જ ટ્રાયલ્સમાં ઉતરવાની પરવાનગી અપાશે તો સમાન સ્થિતિ ધરાવતા અન્ય જે ખેલાડીઓ કોર્ટ સુધી નથી પહોંચ્યા તેમની સાથે અસમાનતા સર્જાશે.
WFIની શિસ્તભંગની કાર્યવાહી અને મેટરનિટી પોલિસીની મોટી લડાઈ
આ કાનૂની લડાઈ માત્ર 14 સપ્ટેમ્બરના ટ્રાયલ્સ પૂરતી સીમિત નથી:
- મેટરનિટી પોલિસીની માંગ: મહિલા રમતવીરો ગર્ભાવસ્થા અને પ્રસૂતિ રજા પછી રમતમાં પાછી ફરે ત્યારે તેમના માટે પારદર્શક પસંદગી પ્રક્રિયા અને વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ તેવી વ્યવસ્થિત નીતિ ઘડવાની માંગ વિનેશે કરી છે.
- શો-કોઝ નોટિસને પડકાર: વિનેશે WFI દ્વારા મે અને જૂન મહિનામાં પાઠવવામાં આવેલી બે કારણદર્શક નોટિસ અને શિસ્તભંગની કાર્યવાહીને પણ રદ કરવાની માંગ કરી છે. જ્યારે WFIનો દાવો છે કે વિનેશને પેનલ સમક્ષ પક્ષ રજૂ કરવાની પૂરતી તકો અપાઈ હતી.
અસ્તાનામાં યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ
વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. વિનેશ ટ્રાયલ્સમાંથી બહાર થતાં આ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ મહિલા એથ્લેટ્સના અધિકારો અને મેટરનિટી નીતિ અંગેની તેમની કાનૂની લડાઈ અદાલતમાં ચાલુ રહેશે.




