VIDEO: FIFA વર્લ્ડ કપની સૌથી ભાવુક પળ, ફૂટબોલર પિતાને રડતાં જોઈ દીકરો પણ ચોધાર આંસુએ રડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cape Verde Footballer Emotional Family Video Viral : FIFA વર્લ્ડ કપ 2026માં હાર બાદ કેપ વર્ડેના ખેલાડીનો પત્ની અને પુત્રને ગળે લગાડીને રડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. આ ભાવુક પળે રમતથી આગળ વધીને પરિવાર અને લાગણીઓની શક્તિને દર્શાવી છે. FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32 મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ 4 જુલાઈ (શનિવાર)ના રોજ કેપ વર્ડેને 3-2 થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. જો કે મેચનું પરિણામ આર્જેન્ટિનાની તરફેણમાં રહ્યું, પરંતુ મુકાબલા બાદ જે દ્રશ્ય કેમેરામાં કેદ થયું, તેણે હાર-જીતથી ક્યાંય આગળ વધીને માનવીય સંવેદનાઓનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું.
ફૂટબોલરની સાથે સાથે ફેન્સ થયા ભાવૂક
મેચની અંતિમ સીટી વાગતાની સાથે જ કેપ વર્ડેના સ્ટ્રાઈકર નૂનો ડા કોસ્ટા હારનું દર્દ સહન ન કરી શક્યા, અને મેદાનના કિનારે બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. વિશ્વ કપનું સપનું તૂટવાની નિરાશા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે જ તેમની પત્ની અને પુત્ર લુઈસ તેમની પાસે પહોંચ્યા. બંનેએ નૂનોને ગળે લગાડ્યા, તેમના આંસુ લૂછ્યા, અને તેમને સાંત્વના આપી. પરિવારનો આ સાથ જોઈને ત્યાં હાજર દર્શકો પણ ભાવુક થઈ ગયા હતા. આ પળ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ. લાખો ફૂટબોલ પ્રશંસકોએ આ વીડિયો શેર કરતા કહ્યું કે, આ માત્ર એક ખેલાડીની હાર નથી, પરંતુ તેના સંઘર્ષ, મહેનત અને સપનાઓની કહાની છે.
ઘણા લોકોએ આને FIFA વર્લ્ડ કપ 2026ની સૌથી ભાવુક પળ ગણાવી છે. ફેન્સનું કહેવું છે કે, મેદાન પર સ્કોરબોર્ડ ભલે હાર બતાવી રહ્યું હતું, પરંતુ નૂનો ડા કોસ્ટા માટે સૌથી મોટી જીત એ હતી કે, મુશ્કેલ સમયમાં તેમનો પરિવાર તેમની સાથે મજબૂતીથી ઉભો હતો. પત્ની અને પુત્રનો આ પ્રેમ અને ઉત્સાહ દરેકના દિલને સ્પર્શી ગયો. વિશ્વ કપમાં અવારનવાર શાનદાર ગોલ, રોમાંચક મેચ અને રેકોર્ડ્સ હેડલાઇન્સ બને છે, પરંતુ આ વખતે એક પરિવારની આ તસવીર લોકોના દિલમાં વસી ગઈ.
ઘટનાએ દુનિયાના દિલ જીતી લીધા
ભલે કેપ વર્ડેની પ્રથમ FIFA વિશ્વ કપની સફર રાઉન્ડ ઓફ-32માં સમાપ્ત થઈ ગઈ, પરંતુ અંદાજે 5.5 લાખની વસ્તી ધરાવતા આ નાના દેશે, પોતાના જુસ્સા, શાનદાર પ્રદર્શન અને સંઘર્ષથી આખી દુનિયાના દિલ જીતી લીધા. ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને માત્ર સામાન્ય ફૂટબોલ ચાહકોનો જ નહીં, પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓ અને પ્રખ્યાત હસ્તીઓનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો. કેપ વર્ડે ભલે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ તેણે પોતાના પ્રદર્શન અને ખેલદિલીથી સાબિત કરી દીધું કે, ફૂટબોલમાં માત્ર જીતનારી ટીમ જ નહીં, પણ દિલ જીતનારી ટીમ પણ હંમેશા યાદ રાખવામાં આવે છે.









