Sports

વૈભવ સૂર્યવંશી તો ઠીક, ટીમ ઈન્ડિયામાં ઘણી વાર સામેલ થવા છતાં 5 વર્ષથી ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે આ ખેલાડી

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટમાં એક એવા ખેલાડીની વાત છે, જેને 5 વર્ષથી ટેસ્ટ ટીમમાં સ્થાન મળવા છતાં ડેબ્યૂની તક મળી નથી. અભિમન્યુ ઈશ્વરન, જે 2021થી ઘણી વખત ટીમનો ભાગ બન્યા છે, તેમને રોહિત-રાહુલની જોડી કે અન્ય 17 નવા ખેલાડીઓના ડેબ્યૂ છતાં પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. બંગાળ માટે રમતા આ 28 વર્ષીય બેટ્સમેને 113 ફર્સ્ટ ક્લાસ મેચમાં 8381 રન બનાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશી તો ઠીક, ટીમ ઈન્ડિયામાં ઘણી વાર સામેલ થવા છતાં 5 વર્ષથી ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે આ ખેલાડી

Abhimanyu Easwaran Test Debut Wait : ક્રિકેટ જગતમાં આ દિવસોમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. આયર્લેન્ડ પ્રવાસ પર વૈભવને બંને મેચોમાં રમાડવામાં આવ્યો ન હતો. પછી ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝની પ્રથમ મેચમાં પણ વૈભવ બેન્ચ પર જ બેસી રહ્યો. વૈભવે હજી સુધી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું નથી. 'બેબી બોસ'ના નામથી ફેમસ વૈભવ સૂર્યવંશીની રાહ તો હજુ માત્ર થોડી જ મેચોની છે. પરંતુ બીજી તરફ એક એવો બેટ્સમેન પણ છે, જે ઘણી વખત ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો બનતો રહ્યો, પરંતુ આજ સુધી તેને ડેબ્યૂ કેપ પહેરવાની તક ન મળી. આ ખેલાડીનું નામ અભિમન્યુ ઈશ્વરન છે, જેના ઘરેલું ક્રિકેટના આંકડા કોઈપણ બેટ્સમેનને હેરાન કરી શકે છે. અભિમન્યુ ઈશ્વરન પહેલીવાર વર્ષ 2021 માં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરાયા હતા. તે સમયે રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી શાનદાર ફોર્મમાં હતી, એટલા માટે તેમને ડેબ્યૂની તક ન મળી. ત્યારબાદ એવું લાગ્યું કે, આગામી સીરિઝમાં તેમનો વારો જરૂર આવશે, પરંતુ તેમની રાહ ક્યારેય ખતમ જ ન થઈ.

5 વર્ષથી ટીમ ઈન્ડિયામાં, છતાં ન મળ્યું ડેબ્યૂ!

અભિમન્યૂ ઈશ્વરન માત્ર એક વાર નહીં, પરંતુ ઘણી વખત ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો રહ્યા છે. તે 2024-25ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા ગયા, પરંતુ પાંચેય ટેસ્ટ મેચોમાં બેન્ચ પર જ બેસી રહ્યા. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ તેમને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ ડેબ્યૂનું સપનું અધૂરું રહી ગયું.

રાહ જોતા જ રહી ગયા અભિમન્યૂ

ભારતીય ટેસ્ટ ટીમ બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ટીમમાં ઘણા નવા ચહેરાઓને તક મળી, પરંતુ અભિમન્યૂ ઈશ્વરન હજી પણ પોતાની પ્રથમ ટેસ્ટ કેપની રાહ જોઈ રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અભિમન્યૂ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં પસંદ થયા પછી, 17 નવા ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી લીધું છે. આ દરમિયાન શ્રેયસ અય્યર, કેએસ ભરત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, દેવદત્ત પડિક્કલ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, સાંઈ સુદર્શન, અંશુલ કમ્બોજ અને માનવ સુથાર જેવા ખેલાડીઓને ટેસ્ટ કેપ મળી ગઈ. પરંતુ અભિમન્યૂ ઈશ્વરન સ્ક્વોડમાં સામેલ થઈને પણ અંતિમ અગિયાર (Playing 11) માં જગ્યા બનાવી શક્યા નહીં.

કોણ છે અભિમન્યૂ ઈશ્વરન?

6 સપ્ટેમ્બર 1995ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂનમાં જન્મેલા અભિમન્યૂ ઈશ્વરન બંગાળ માટે ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે. અભિમન્યૂ ઘરેલું ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાં ગણાય છે. તેમણે અત્યાર સુધી 113 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.61 ની સરેરાશથી 8381 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે બેટમાંથી 27 સદી અને 36 અર્ધસદી ફટકારી છે. તો 96 લિસ્ટ-એ મેચોમાં અભિમન્યૂ ઈશ્વરને 4107 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 24 અર્ધસદી સામેલ છે. T-20 ક્રિકેટમાં પણ તેમનો રેકોર્ડ શાનદાર છે. તેમણે 41 મેચોમાં 1242 રન બનાવ્યા છે, જેમાં તેમના નામે 2 સદી અને 6 અર્ધસદી નોંધાયેલી છે. અભિમન્યુ ઈશ્વરનનું નામ છેલ્લા 5 વર્ષથી લગભગ દરેક ટેસ્ટ સીરિઝ પહેલા ચર્ચામાં રહે છે. પસંદગીકારો તેમના પર ભરોસો પણ દર્શાવે છે અને ટીમમાં સામેલ પણ કરે છે, પરંતુ પ્લેઈંગ 11 સુધી પહોંચતા પહોંચતા તેમનું નામ ગાયબ થઈ જાય છે.