Sports

વૈભવને મોઢા પર કહી દો કે અત્યારે જગ્યા નથી...: પૂર્વ ક્રિકેટરની ટીમ ઈન્ડિયાને ચોંકાવનારી સલાહ!

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તક ન મળતા ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે કોચ ગૌતમ ગંભીરને સલાહ આપી છે. પાર્થિવે સ્ટાર સ્પોર્ટ્સ પર જણાવ્યું કે, વૈભવ સાથે સ્પષ્ટ વાતચીત કરવી જરૂરી છે. હાલ ઓપનિંગમાં સિનિયર ખેલાડીઓ હોવાથી તેને ધીરજ રાખવાનું સમજાવવું પડશે. વૈભવ ડેબ્યૂ કરશે તો સચિનનો રેકોર્ડ તોડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવને મોઢા પર કહી દો કે અત્યારે જગ્યા નથી...: પૂર્વ ક્રિકેટરની ટીમ ઈન્ડિયાને ચોંકાવનારી સલાહ!

Vaibhav Suryavanshi Team India Debut Updates 2026: ભારતીય ક્રિકેટના 15 વર્ષના અત્યંત પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનના જોરે ટીમ ઇન્ડિયામાં સ્થાન તો મેળવી લીધું છે, પરંતુ ચાહકો હજુ પણ તેના ઇન્ટરનેશનલ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. આયર્લેન્ડ સામેની બે મેચની ટી20 શ્રેણી બાદ હવે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં પણ તેને પ્લેઇંગ-11 માં સ્થાન મળ્યું નથી. આ બાબતે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને એક મહત્વની સલાહ આપી છે. પાર્થિવે જણાવ્યું છે કે વૈભવ હજી ખૂબ નાનો છે, તેથી તેની સાથે સ્પષ્ટ વાતચીત કરવી અત્યંત જરૂરી છે.

ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફે આપવો પડશે સ્પષ્ટ સંદેશ
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પાર્થિવ પટેલે જણાવ્યું કે, "મને આશા છે કે ઈંગ્લેન્ડ સામેની આ ટી20 શ્રેણીમાં કોઈને કોઈ સમયે વૈભવ સૂર્યવંશીને ચોક્કસ તક મળશે, પરંતુ અત્યારે તેની સાથે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોચિંગ સ્ટાફનો હિસ્સો હોવ, ત્યારે તમારે એ સુનિશ્ચિત કરવું પડે કે તમે બેટ્સમેનને યોગ્ય સંકેત આપી રહ્યા છો. ભલે તમે તેને ટીમમાં ન રમાડવાના હોવ, તો પણ તેને પ્રેમથી આ વાત સમજાવવી પડશે. તે માત્ર 15 વર્ષનો બાળક છે, તેથી તેની સાથે ખૂબ જ કાળજીપૂર્વક વાત કરવી પડશે અને તેને થોડી ધીરજ રાખવાનું શીખવવું પડશે."

ટીમમાં અત્યારે કેમ જગ્યા નથી? પાર્થિવે સમજાવ્યું ગણિત
પાર્થિવ પટેલે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ-11 નું સમીકરણ સમજાવતા કહ્યું કે, હાલમાં ઓપનિંગ અને ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા સિનિયર ખેલાડીઓ વૈભવ કરતાં આગળ ચાલી રહ્યા છે. આ તમામ ખેલાડીઓએ ભારતને ટી20 વર્લ્ડ કપ 2026 જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સેમસન વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો, જ્યારે ઈશાન કિશન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 અને અભિષેક શર્મા નંબર-2 ટી20 બેટ્સમેન છે. આ સ્થિતિમાં ટીમમાં કોઈ જગ્યા ખાલી નથી અને મેનેજમેન્ટે વૈભવને આ વાત સારી રીતે સમજાવવી પડશે.

ડેબ્યૂ કરતાં જ તૂટશે સચિન તેંડુલકરનો મહારેકોર્ડ
જો વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં રમવાની તક મળશે, તો તે મેન્સ ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારો દુનિયાનો સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ આયર્લેન્ડના જોશુઆ લિટલના નામે છે, જેણે 16 વર્ષ અને 309 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ વૈભવ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખશે. જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. નોંધનીય છે કે ભારત આયર્લેન્ડ સામેની શ્રેણી 0-2 થી હારી ગયું હતું. જ્યારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ છે.