ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી, બુમરાહ બાદ સ્ટાર ઓપનર પણ 'અનફિટ', BCCIની લેટેસ્ટ અપડેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Injury Concerns Loom Over India: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત રમાનારી આગામી શ્રીલંકા સામેની 2 મેચોની ટેસ્ટ સીરિઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની ચિંતાઓ અને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા બાદ હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના આશાસ્પદ ડાબોડી બેટર સાઈ સુદર્શન હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. આના કારણે 4 ઓગસ્ટે શ્રીલંકા રવાના થઈ રહેલી ભારતીય ટીમની ફ્લાઈટમાં તે સામેલ થશે કે નહીં, તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
જ્યારે BCCI દ્વારા શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સાઈ સુદર્શનનું નામ ટીમમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે તેનું સિલેક્શન ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે.
એડીની ઈજા બાદ બેંગલુરુમાં રીહેબિલિટેશન
મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણી બાદ સાઈ સુદર્શનને એડીમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજામાંથી બહાર આવવા માટે તે હાલમાં બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)માં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, તેની રિકવરી ઘણી સારી થઈ રહી છે અને તેણે નેટ્સમાં બેટિંગ કરવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. મેનેજમેન્ટને આશા છે કે તે સમયસર ફિટ થઈ જશે, પરંતુ જ્યાં સુધી મેડિકલ ટીમ લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી તેના પ્રવાસ પર સસ્પેન્સ રહેશે. જો સુદર્શન સમયસર રિકવર નહીં થાય તો ટીમમાં બેકઅપ તરીકે સામેલ દેવદત્ત પડિક્કલને નંબર 3 પર રમવાની તક મળી શકે છે.
શ્રીલંકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા જવા રવાના થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. અગાઉ આ મેચ 4 દિવસની રમાવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને તે 3 દિવસની કરવામાં આવી છે. આ વોર્મ-અપ મેચ બાદ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 15થી 19 ઓગસ્ટ દરમિયાન ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે, જ્યારે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં રમાશે.









