Indian Cricket Team World Record: ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને ન્યૂ ચંદીગઢના મુલ્લનપુર સ્ટેડિયમ ખાતે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ અને 300 રનથી કારમો પરાજય આપ્યો છે. આ ઐતિહાસિક જીતની સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે આજે સુધી ક્રિકેટ જગતનો કોઈ દેશ કરી શક્યો નથી. આ મામલામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દિગ્ગજ દેશો પણ ભારતની આસપાસ ક્યાંય નથી.
અફઘાનિસ્તાન સામે ભારતની આ સતત 15મી મેચ હતી, જેમાં ટીમ ઇન્ડિયા અજેય રહી છે. ભારતે ક્રિકેટના તમામ ફોર્મેટ ટેસ્ટ, વનડે, T20Iને મિલાવીને અફઘાનિસ્તાન સામે રમાયેલી છેલ્લી 15 મેચોમાંથી 12 મેચોમાં જીત નોંધાવી છે. આ સાથે જ ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ બન્યો છે, જેણે કોઈ એક ચોક્કસ હરીફ ટીમ સામે સતત 15 મેચોમાં હારનો સામનો ન કર્યો હોય.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ એક ટીમ સામે સૌથી લાંબી અજેય સફર (મેન્સ ક્રિકેટ):
1. ભારત - વિરુદ્ધ અફઘાનિસ્તાન (2010–2026) | 15 મેચોમાં 12 જીત (2 ટાઈ અને 1 પરિણામ વિનાની)
2. ન્યૂઝીલેન્ડ - વિરુદ્ધ આયર્લેન્ડ (2007–2026) | 13 મેચોમાં 13 જીત
3. યુગાન્ડા - વિરુદ્ધ નાઇજીરિયા (2021–2025) | 13 મેચોમાં 13 જીત
4. મલેશિયા - વિરુદ્ધ થાઇલેન્ડ (2019–2025) | 12 મેચોમાં 11 જીત (1 પરિણામ વિનાની)
5. કેમેન આઇલેન્ડ - વિરુદ્ધ બહામાસ (2022–2025) | 11 મેચોમાં 11 જીત
6. ભારત - વિરુદ્ધ આયર્લેન્ડ (2007–2024) | 11 મેચોમાં 11 જીત
અફઘાનિસ્તાન સામે ભારતનો દબદબો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી 15 મેચોમાંથી માત્ર 1 મેચ ઓક્ટોબર 2023માં T20I વરસાદના કારણે રદ્દ થઈ હતી, જ્યારે 2 મેચો ટાઈ રહી છે. આ બંને ટાઈ મેચોનો રોમાંચ ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
પ્રથમ ટાઈ મેચ વર્ષ 2018ના એશિયા કપ દરમિયાન દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વનડે મેચ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર મોહમ્મદ શહઝાદે 118 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારત સામે 252 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. બીજી ઇનિંગ્સમાં રવીન્દ્ર જાડેજા છેલ્લી ઓવરના પાંચમા બોલે આઉટ થતાં મેચ ટાઈ થઈ હતી. તે સમયે મેચનું પરિણામ લાવવા માટે કોઈ સુપર-ઓવરની જોગવાઈ નહોતી.
એક જ મેચમાં રમાઈ હતી બે સુપર ઓવર!
ત્યારબાદ વર્ષ 2024માં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી દ્વિપક્ષીય T20I સીરિઝની એક મેચમાં અદભુત રોમાંચ જોવા મળ્યો હતો, જ્યાં એક જ મેચમાં બે સુપર ઓવર રમાડવી પડી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માના 69 બોલમાં 121 રન અને રિંકુ સિંહના 39 બોલમાં 69 રનની મદદથી ભારતે 212/4નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનના ટોપ-3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારીને મેચ ટાઈ કરાવી દીધી હતી.
પ્રથમ સુપર ઓવરમાં મુકેશ કુમાર સામે અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા, જેને રોહિત શર્માના બે સિક્સરની મદદથી ભારતે ટાઈ કર્યા. બીજી સુપર ઓવરમાં ભારતે પહેલા બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા. આ વખતે ભારતે બોલિંગમાં રવિ બિશ્નોઈને મોકલ્યો, જેણે શરૂઆતના ત્રણ બોલમાં જ બે વિકેટ ઝડપીને ભારતને યાદગાર જીત અપાવી હતી.
આ પણ વાંચો: રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સસ્પેન્સ સમાપ્ત! બેટિંગ કોચે આપ્યા સંકેત
ન્યૂઝીલેન્ડ આ રેકોર્ડની સૌથી નજીક
મેન્સ ક્રિકેટમાં ભારતના આ મહા-રેકોર્ડની સૌથી નજીક પહોંચનારી એકમાત્ર ટીમ ન્યૂઝીલેન્ડ છે, જેણે આયર્લેન્ડ સામે સતત 13 મેચો જીતી છે. આ સિવાય યુગાન્ડાએ પણ 2021થી 2025 વચ્ચે નાઇજીરિયા સામે સતત 13 મેચો જીતવાનો કારનામો કર્યો હતો. ભારત માટે પોતાની બીજી સર્વશ્રેષ્ઠ અજેય સફર આયર્લેન્ડ સામેની રહી છે, જ્યાં ટીમ ઇન્ડિયા સતત 11 મેચો સુધી અજેય રહી છે.


