Rohit and Hardik in ODI Series: અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચોની વનડે સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે મોટું અપડેટ આપ્યું છે. કોચના સંકેતો બાદ આ બંને દિગ્ગજ ખેલાડીઓ આગામી વનડે સીરિઝમાં રમશે તેવી આશા ખૂબ જ વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ માટે જાહેર કરાયેલી ટીમમાં રોહિત અને હાર્દિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ શરત મૂકી હતી કે બંને ખેલાડીઓએ મેદાન પર ઉતરતા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. ત્યારથી જ બંનેની ફિટનેસને લઈને સસ્પેન્સ બનેલું હતું.
સિતાંશુ કોટકે શું કહ્યું?
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતની શાનદાર જીત બાદ મીડિયા સાથે વાતચીત કરતા બેટિંગ કોચ સિતાંશુ કોટકે હકારાત્મક સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે "મને રોહિત અને હાર્દિકની ફિટનેસ વિશે સંપૂર્ણ વિગતો ખબર નથી, પરંતુ મેં જે સાંભળ્યું છે તે મુજબ બંને ખેલાડીઓ ફિટ થઈ શકે છે." કોટકે વધુમાં ઉમેર્યું કે વનડે સીરિઝ શરૂ થાય તે પહેલા ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ માટે એક હળવું ટ્રેનિંગ સેશન પણ યોજી શકે છે.
IPL દરમિયાન ઇજાથી પરેશાન હતા બંને સ્ટાર્સ
રોહિત શર્મા હૅમસ્ટ્રિંગની સમસ્યાના કારણે IPL 2026ની કેટલીક મેચો રમી શક્યો ન હતો. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની ગેરહાજરીનું કારણ પીઠનો દુખાવો અને બીમારી ગણાવ્યું હતું. જોકે, આઈપીએલ સીઝન પૂરી થાય તે પહેલા જ બંને ખેલાડીઓ પોતાની ટીમ સાથે જોડાઈ ગયા હતા. રોહિતને તેની ફ્રેન્ચાઈઝી દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIની મેડિકલ ટીમની અંતિમ મંજૂરી મળવાની બાકી છે.
સેન્ટર ઓફ એક્સેલન્સના રિપોર્ટ પર નજર
સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) બંને ખેલાડીઓના ફિટનેસ આકલન પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. રોહિત અને હાર્દિકે ત્યાં રિપોર્ટ કર્યો છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો દર્શાવે છે કે બંને ખેલાડીઓ હાલ ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.
13 જૂનથી વનડે જંગની શરૂઆત
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સીરિઝનો રોમાંચ 13 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે:
• પહેલી વનડે: 13 જૂન, ધર્મશાલા
• બીજી વનડે: 17 જૂન, લખનૌ
• ત્રીજી વનડે: 20 જૂન, ચેન્નઈ
હવે જોવાનું એ રહેશે કે ઓપનર યશસ્વી જયસ્વાલ આ તકનો કેટલો ફાયદો ઉઠાવે છે અને વિરાટ કોહલી ક્યારે મેદાન પર વાપસી કરે છે.
આ પણ વાંચો: IPLમાં ધમાલ મચાવનારા વૈભવ સૂર્યવંશી સામે હશે 3 મોટા પડકારો, સૌરવ ગાંગુલીએ આપી સલાહ
અફઘાનિસ્તાન સીરિઝ માટે ભારતની અપડેટેડ ODI ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા*, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.
(નોંધ: રોહિત અને હાર્દિકની રમવાનો આધાર ફિટનેસ ટેસ્ટ પર રહેશે)


