'હાર તમાચા સમાન...' T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કારમા પરાજય બાદ દ.આફ્રિકાના કેપ્ટનનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup Semi Final : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ ભાવુક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, "આ એક મોટો ફટકો છે. ભલે ચહેરા પર થપ્પડ નથી, પણ તેવું જ અનુભવાય છે. અમારે વધુ મજબૂત બનીને આગળ વધવું પડશે અને એક ટીમ તરીકે શ્રેષ્ઠ બનવું પડશે."
ફિન એલનનું તોફાન અને આફ્રિકાનું સપનું રોળાયું
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને 8 માર્ચે અમદાવાદમાં યોજાનારા ફાઈનલનું સપનું તોડી નાખ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં 173/1 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કિવી ટીમની જીતનો અસલી હીરો ફિન એલન રહ્યો. જેણે માત્ર 33 બોલમાં અણનમ 100 રન ફટકારી ટી20 વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી નોંધાવી હતી.
ક્યાં ભૂલ કરી આફ્રિકાએ? માર્કરમનો ખુલાસો
માર્કરમે હારના કારણોનું વિશ્લેષણ કરતા જણાવ્યું કે, શરૂઆતમાં બોલ બેટ પર બરાબર આવતો નહોતો. પિચ થોડી ધીમી હતી અને ન્યૂઝીલેન્ડના બોલરોએ નવી ગેંગથી શાનદાર દબાણ બનાવ્યું હતું. માર્કરામે સ્વીકાર્યું કે, પિચને પકડવામાં અમારી ભુલ થઇ હતી. ટીમને લાગ્યું હતું કે પિચ સારી રમશે, પરંતુ વાસ્તવમાં તે અટકીને આવતી હતી. 170 રનનો સ્કોર લડાયક હતો, પરંતુ પાવરપ્લેમાં ફિન એલનની તોફાની બેટિંગે મેચ એકતરફી બનાવી દીધી હતી. ટીમ કદાચ 190 રન સુધી પહોંચી શકી હોત જો તેમણે વહેલા એડજસ્ટમેન્ટ કર્યું હોત.
ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક વિજય
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડે પહેલીવાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. આ અગાઉનો રેકોર્ડ 0-5 નો આફ્રિકાની તરફેણમાં હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલે આ જીતને 'પરફેક્ટ પ્રદર્શન' ગણાવ્યું છે. ટિમ સિફર્ટના 58 રને પણ જીતનો પાયો મજબૂત કર્યો હતો. હવે ન્યૂઝીલેન્ડ પાસે અમદાવાદમાં પોતાનું પ્રથમ ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. જ્યારે અત્યાર સુધી અજેય રહેલી આફ્રિકન ટીમ માટે આ હાર પચાવવી મુશ્કેલ બની રહી છે.









